અમદાવાદના બાલકૃષ્ણ દોશીને આર્કિટેક્ટનો નોબેલ પ્રિત્ઝકર એવોર્ડ

Wednesday 14th March 2018 07:57 EDT
 
 

અમદાવાદઃ આર્કિટેક્ચર ક્ષેત્રે નોબેલ પુરસ્કાર ગણાતાં પ્રિત્ઝકર આર્કિટેક્ચર એવોર્ડ માટે અમદાવાદના વિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશીની પસંદગી થઈ છે. છેલ્લા સાત દાયકાથી આ ક્ષેત્રે કાર્યરત બાલકૃષ્ણ દોશી ૨૦મી સદીના બે મહાન આર્કિટેક્ટ લા કોર્બ્યુઝિયર અને લુઈ કાન્હ સાથે કામ કરી ચૂક્યા છે. પૂણેમાં જન્મેલા દોશીએ લો કોસ્ટ હાઉસિંગ અને અમદાવાદના વિખ્યાત સ્થાપત્ય ટાગોર હોલ, ‘આત્મા’, હુસૈન દોશી ગુફાનું નિર્માણ કર્યું છે. ૯૦ વર્ષીય દોશી ચંદીગઢ માટે પણ કામ કરી ચૂક્યા છે. આ એવોર્ડ અંતર્ગત તેમને એક લાખ યુએસ ડોલર અને કાંસ્ય પત્રક એનાયત થશે. તેમણે અમદાવાદમાં સ્કૂલ ઓફ આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગનું નિર્માણ કર્યું હતું, જે આજે સેપ્ટ યુનિવર્સિટી તરીકે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ૧૯૪૭માં આર્કિટેક્ચરના અભ્યાસ બાદ તેઓ લંડન ગયા હતા અને ત્યાંથી થોડો સમય પેરિસ ગયા હતા. બાદમાં તેમણે વિશ્વના બે મહાન આર્કિટેક્ટ કોર્બ્યુઝર અને કાન્હ સાથે કામ કર્યું હતું.


comments powered by Disqus