હિંમતનગર: એક નારી કેટલા મોરચે લડી શકે? અનેક મોરચે... માન્યામાં ન આવતું હોય તો જૂઓ આ સાથે રજૂ થયેલી તસવીર... સાબરકાંઠાના વડાલી તાલુકાના જેતપુર ગામનાં વીણાબહેન રોજ સવારે પાંચ વાગે ઊઠીને ગમાણમાં પહોંચે છે. ગાયોને પહેલાં નવડાવે છે અને પછી મશીનથી દોહવાનું કામ કરે છે. દૂધ દોહ્યા પછી દૂધ ભરવા જાતે જ જાય છે. બાઇક ઉપર દૂધનાં બે કેન ભરાવીને દૂધ મંડળીમાં દૂધ ભરાવીને સાડા સાતેક વાગે ફાર્મહાઉસ પર પરત આવીને ઘરનું કામકાજ સંભાળે છે. તેમની ૧૮ એકર જમીન છે. પતિ રાજેન્દ્રકુમારને આઠેક વર્ષથી કમરની તકલીફ છે, એટલે વીણાબહેન ખેતીનું કામ પણ સંભાળે છે. જરૂર પડ્યે ખેતરમાં ટ્રેક્ટર પણ હંકારે છે. તેઓ બેસ્ટ ઇનોવેટીવ ફાર્મર્સ એવોર્ડ માટે નોમિનેટ પણ થયાં છે. વીણાબહેન પાસે ૧૯ ગાયો છે. તેનું દૂધ દોહીને રોજ મંડળીમાં સવાર સાંજ ૧૩૦-૧૩૦ લીટર લેખે ૨૬૦ લીટર દૂધ ભરાવે છે. મહિને સરેરાશ રૂ. ૧.૨૫ લાખની આવક તેઓ ગાયોનાં દૂધમાંથી મેળવે છે.

