નવી દિલ્હીઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોન હાલ ભારતના ચાર દિવસના પ્રવાસે છે. આ મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમને અડધા કલાકમાં કાશીના ૩૦ ઘાટ પર રામરાજ્યથી લઈને બુદ્ધ સુધીની ઝાંખી બતાવી હતી તો ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ સહિતના પ્રધાનોની હાજરીમાં ફ્રાન્સ અને ભારત વચ્ચે ૧૪ કરાર થયા હતા.
બંને દેશો વચ્ચે ૧૪ કરાર
વ્યૂહાત્મક સંબંધોને મહત્ત્વપૂર્ણ રીતે વિસ્તારીને ભારત અને ફ્રાન્સે સંરક્ષણ, સુરક્ષા, અણુઊર્જા અને ગુપ્ત માહિતીના રક્ષણને લગતાં મહત્ત્વનાં ૧૪ ક્ષેત્રોમાં કરાર કર્યા છે. મોદી તથા મેક્રોન વચ્ચે વ્યાપક વાટાઘાટો બાદ આ કરારો પર હસ્તાક્ષર થયા હતા, જેમાં હિન્દ મહાસાગર અને પ્રશાંતમાં બદલાતી સુરક્ષાની પરિસ્થિતિ વિશેના કરારનો સમાવેશ થાય છે.
ચીનનો ઉલ્લેખ કરીને મેક્રોને દોહરાવ્યું કે, દરિયાઈ માર્ગો વર્ચસ્વશાળી સત્તા બનવા માટેના સ્થળ બની નહીં શકે. હસ્તાક્ષર કરાયેલા કરારોમાં ગુપ્ત માહિતીના રક્ષણને લગતો કરાર પણ છે જે અબજો ડોલરના વચ્ચે રફાલ ફાઈટર જેટ વિમાન સોદાની વિગતો જાહેર કરવાનું ભારતે નકાર્યા બાદ કરાયો છે.
ગંગામાં નૌકાવિહાર
બન્ને નેતાઓએ વારાણસીની મુલાકાત દરમિયાન ગંગામાં બોટ પર ત્રણ કિ.મી.નું અંતર ચર્ચા કરતા કરતા પસાર કર્યું હતું. મોદી મેક્રન અસ્સી ઘાટથી નૌકામાં બેઠા અને ૩ કિ.મી. દૂર દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા. ૩૦ ઘાટો પર રામરાજ્યથી લઈને ભગવાન બુદ્ધ સુધીની
ભારતની ઝાંખી મોદીએ તેમને બતાવી હતી.

