ભારતમાં મોક્ષનો માર્ગ મોકળોઃ ઇચ્છામૃત્યુનો અધિકાર મળ્યો

Wednesday 14th March 2018 07:13 EDT
 
 

નવી દિલ્હીઃ દરેક મનુષ્યને ગૌરવ સાથે મૃત્યુનો અધિકાર છે તેમ જણાવતાં ભારતની સર્વોચ્ચ અદાલતે ઇચ્છામૃત્યુને પરવાનગી આપી છે. અલબત્ત, આ માટે આકરી માર્ગદર્શિકા અનુસરવી પડશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે દેશના નાગરિકને લિવિંગ વિલ તૈયાર કરવાની પરવાનગી આપી છે, જેમાં તે ઇચ્છા વ્યક્ત કરી શકે છે કે જો ભવિષ્યમાં તે અસાધ્ય બીમારી કે અન્ય કારણસર કોમામાં સરી પડે તો તેની લાઇફસપોર્ટ સિસ્ટમ હટાવી લેવામાં આવે. આ વિલમાં નાગરિક અગાઉથી નિવેદન આપી શકશે કે તેને ગંભીર માંદગીના સમયમાં વેન્ટિલેટર કે અન્ય આર્ટિફિશિયલ સપોર્ટ સિસ્ટમ દ્વારા તેનું જીવન ન લંબાવાય.
તબીબી પરિભાષા પ્રમાણે, કોર્ટે ‘નિષ્ક્રિય’ ઇચ્છામૃત્યુ માટે મંજૂરી આપી છે. જેમાં કાયદો માત્ર દર્દીની લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ હટાવી લેવા મંજૂરી આપે છે. ઇન્જેક્શન, દવા કે અન્ય કોઇ પ્રકારે દર્દીના જીવનનો અંત આણવાની તેમાં છૂટ નથી.
સ્વૈચ્છિક સંસ્થા કોમન કોઝ દ્વારા ૧૩ વર્ષ પૂર્વે થયેલી અરજી પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની જસ્ટિસ સિકરી, જસ્ટિસ ખાનવિલકર, જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ ભૂષણની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ સિમાચિહનરૂપ ચુકાદો આપ્યો હતો.
 ચુકાદામાં ચાર જજનાં અલગ અલગ મંતવ્ય હતાં, પરંતુ લિવિંગ વિલની પરવાનગીના મુદ્દે તમામ જજ એકમત જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોમામાં સરી પડેલી વ્યક્તિને જીવવાની ઇચ્છા ન હોય તો તેને તે સ્થિતિમાં પીડા ભોગવવા દેવી જોઈએ નહીં.
સુપ્રીમ કોર્ટે ‘લિવિંગ વિલ’ના મેન્ડેટ માટે આકરી માર્ગદર્શિકાઓ જારી કરી હતી. દર્દી કોમાની સ્થિતિમાંથી બહાર આવીને સાજી થઈ શકશે કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં મેડિકલ બોર્ડને સામેલ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.

મૃત્યુ આપણો મિત્ર છે...

સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતાં કહ્યું હતું કે સ્વાભિમાન સાથે જીવવું એ આપણા જીવન જીવવાના અધિકારનું અભિન્ન અંગ છે. જીવન અને મૃત્યુને અલગ કરી શકાતાં નથી. દરેક ક્ષણે આપણાં શરીરમાં બદલાવ આવે છે. બદલાવ જિંદગીનો અફર નિયમ છે. જીવનને મૃત્યુથી અલગ કરી શકાતું નથી. મૃત્યુ જીવન જીવવાની પ્રક્રિયાનો જ હિસ્સો છે.
ચુકાદામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ઉચ્ચારણ ટાંકતા કહ્યું હતું કે મૃત્યુ આપણો મિત્ર છે... આપણને યાતનાઓથી દૂર લઈ જાય છે. હું ક્યારેય નિઃસહાય વ્યક્તિ તરીકે મરવાનું પસંદ કરીશ નહીં, નિષ્ફળ વ્યક્તિ તરીકે તો નહીં જ.

‘સક્રિય’ અને ‘નિષ્ક્રિય’

ગંભીર અને અસાધ્ય રોગથી પીડાતી વ્યક્તિને છુટકારા માટે ડોક્ટરની મદદથી તેની જિંદગીનો અંત લાવવાને ઇચ્છામૃત્યુ કહે છે. તેના બે પ્રકાર છે. સક્રિય ઇચ્છામૃત્યુ અને નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ. સક્રિય ઇચ્છામૃત્યુમાં દર્દીને ઝેર અથવા તો પેઇનકિલરના હેવી ડોઝ દ્વારા મૃત્યુ આપવામાં આવે છે. જ્યારે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુમાં દર્દીની લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ હટાવી લેવામાં આવે છે. ભારત સહિતના મોટા ભાગના દેશોમાં સક્રિય ઇચ્છામૃત્યુને પરવાનગી નથી, તેને અપરાધ માનવામાં આવે છે.

ઈચ્છામૃત્યુ શું છે?

ઈચ્છામૃત્યુ એટલે કે યુથનેશિયા. આ ગ્રીક શબ્દ છે. યુથનેશિયા, ઈચ્છામૃત્યુ અથવા મર્સી કિલિંગ પર દુનિયામાં લાંબા સમયથી ચર્ચા છે. અનેક દેશોમાં તેને મંજૂરી આપવાની માગ વધી રહી છે. મેડિકલ સાયન્સમાં ઈચ્છામૃત્યુની પાંચ પદ્ધતિ છે.

ઈચ્છામૃત્યુની પાંચ પદ્ધતિ

• વોલન્ટરી એક્ટિવ યુથનેશિયાઃ દર્દીની મંજૂરી બાદ જાણીજોઈને એવી દવાઓ આપવી, જેનાથી તેનું મૃત્યુ નીપજે. નેધરલેન્ડ-બેલ્જિયમમાં કાયદેસર છે.
• ઈનવોલન્ટરી એક્ટિવ યુથનેશિયાઃ દર્દી મૃત્યુની મંજૂરી આપવા અસમર્થ હોય ત્યારે તેના મૃત્યુ માટે જાણીજોઈને આ માટે દવાઓ આપવી. દુનિયામાં આ પદ્ધતિ ગેરકાયદે છે.
• પેસિવ યુથનેશિયાઃ દર્દીના મૃત્યુ માટે સારવાર બંધ કરવી અથવા લાઈફસપોર્ટ સિસ્ટમ હટાવવી.
• એક્ટિવ યુથનેશિયાઃ દર્દીને એવી દવા આપવી, જેથી તેને રાહત મળે, પરંતુ બાદમાં તેનાથી મૃત્યુ નીપજે.
• આસિસ્ટેડ સુસાઈડઃ સંમતિના આધારે ડોક્ટર દર્દીને એવી દવા આપે છે, જેનું સેવન કરીને દર્દી જીવન ટૂંકાવી શકે છે.

ક્યા દેશોમાં ઇચ્છામૃત્યુનો અધિકાર?

સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ્સ, લક્સમબર્ગ, અલ્બેનિયા, કોલંબિયા, જર્મની, જાપાન, કેનેડા, બેલ્જિયમ, બ્રિટન, આયર્લેન્ડ, ચીન, ન્યૂઝીલેન્ડ, ઈટાલી, સ્પેન, ડેનમાર્ક, ફ્રાન્સ, રોમાનિયા, ફિનલેન્ડમાં ઈચ્છામૃત્યુનો અધિકાર છે. આ ઉપરાંત અમેરિકાના આઠ અને ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટમાં પણ તેનો કાયદો છે.

દુનિયાનો સૌથી ચર્ચિત કેસ

ટેરીના માટે અમેરિકી સંસદમાં ચર્ચાઃ અમેરિકી મહિલા ટેરી શિયાવો કેટલાય વર્ષ સુધી દુનિયાભરમાં ચર્ચામાં રહી. ફ્લોરિડાની વતની ટેરી ૧૯૯૦માં પોતાના ઘરમાં હાર્ટ ફેલ થવાને કારણે પડી ગઈ અને હંમેશા માટે કોમામાં સરી ગઈ. દસ વર્ષ આવી જ હાલતમાં રહ્યા બાદ તેના પતિએ ડોક્ટરોને કહ્યું કે તે ટેરીની લાઈફસપોર્ટ સિસ્ટમ હટાવી લે. ટેરીના પરિજનોએ તેનો વિરોધ કર્યો. ટેરીના શરીરમાં હલનચલન દેખાયું હોવાનો ડોક્ટરોએ દાવો કર્યો હતો. સમગ્ર અમેરિકામાં ચર્ચા શરૂ થઈ કે જો લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી દેવાશે તો ઈચ્છામૃત્યુને માન્યતા મળી જશે. ટેરીનો મામલો અમેરિકી સંસદ કોંગ્રેસ સુધી ગયો, જ્યાં તેના પર અનેક દિવસો સુધી ચર્ચા થઇ. કોઈ નિર્ણય કરાય તેના પહેલાં જ ૧૮ માર્ચ ૨૦૦૫ના રોજ ટેરીનું મૃત્યુ થયું.

ભારતનો સૌથી ચર્ચિત કેસ

અરુણા ૪૨ વર્ષ સુધી કોમામાં રહી, પણ...ઃ વાત ૨૭ નવેમ્બર ૧૯૭૩ની છે. અરુણા શાનબાગ મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. સોહનલાલ વોર્ડબોય હતો. ૨૩ વર્ષની અરુણા ડ્યુટી પતાવી ચેન્જિંગ રૂમમાં ગઇ તો સોહને જાતીય હુમલો કર્યો. તેણે કૂતરાના ગળે બાંધવાની ચેનથી તેનું ગળું દબાવ્યું. તેથી અરુણાના મગજની નસો ફાટી ગઈ. તે કોમામાં જતી રહી. આંખની રોશની જતી રહી, શરીરે લકવો મારી ગયો. તે બોલી પણ શકતી ન હતી. સમય વીતતો ગયો તેમ પરિવાર, મિત્રો સૌએ તેનો સાથ છોડી દીધો. જોકે હોસ્પિટલના સાથી તેને છોડવા તૈયાર નહોતા. ૧૮ મે ૨૦૧૫ના રોજ તેણે અંતિમ શ્વાસ લીધા. હુમલાખોર સોહનને ૭ વર્ષની સજા થઇ હતી, પણ નિર્દોષ અરુણાને ૪૨ વર્ષ કોમામાં રહેવાની સજા ભોગવવી પડી હતી.


comments powered by Disqus