અમદાવાદઃ વિદેશમાં વસતા ગુજરાતીઓ પોતે કમાતા ડોલર-પાઉન્ડ સામે આકર્ષક રિટર્ન મળી રહે તે હેતુથી ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં મોટાપાયે ડોલર્સ ઠાલવે છે. થોડા સમય બાદ મૂડીરોકાણમાં બરકત આવે એટલે પોતાના એનઆરઆઈ બેન્ક ખાતા મારફતે આ રોકાણ ટ્રાન્સફર કરી દે છે. તાજેતરમાં જ સરકારને એનઆરઆઈના આવા ખાતામાં મોટા ફંડ ટ્રાન્સફર જોવા મળતાં આવકવેરા વિભાગને આ મામલે તપાસ કરવાનું કામ સરકાર દ્વારા સોંપાયું છે. ૫૦ એનઆરઆઈ સંદિગ્ધ વ્યવહારો અંગે ઈડી તપાસમાં છે જેમાં ઓવરસિઝ રેમિટન્સની જે દસ લાખ ડોલરની મર્યાદા છે તેના કરતાં પણ વધુ ફંડ ટ્રાન્સફર થયું છે.
કેન્દ્રના ફાઇનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટ (એફઆઈયુ)ને પડેલી શંકાના આધારે હવે ઈડીએ તમામ એનઆરઆઈના વ્યવહારો પર વોચ રાખવાનું શરૂ કર્યું છે. આમાં, મોટી રકમોના મૂડીરોકાણ કરી પ્રોપર્ટી કે શેર વેચી દઈ નફો ટ્રાન્સફર કરતાં ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. વળી એનઆરઆઈ ભારતમાંથી પોતાના દેશમાં એક વર્ષમાં એક મિલિયન ડોલર ફંડ ટ્રાન્સફરની મંજૂર મર્યાદા કરતાં વધુ રકમ ટ્રાન્સફરના કિસ્સા છે.

