રણમાં મીઠું પકવતાં દેવુબહેનની અરજી સંયુક્ત રાષ્ટ્રમાં ફળી

Wednesday 14th March 2018 08:12 EDT
 
 

ધ્રાંગધ્રાઃ રાજપર ગામે રહેતાં દેવુબહેન જયંતીભાઈ રાઠોડ રણમાં પરિવાર સાથે મીઠું પકવવાનું કામ કરી ગુજરાન ચલાવે છે. રણમાં આઠ મહિનામાં પાણી માટે ડીઝલ પમ્પમાં રૂ. ૭૦ હજારના ડીઝલનો ખર્ચ થતો હતો. આથી મહિલા દ્વારા ‘સેવા’ નામની સંસ્થાના સહયોગથી સોલાર સિસ્ટમ લોન પર લઈને રૂ. પચાસ હજારના ડિઝલની બચત શરૂ કરી. આ સંસ્થાની અન્ય મહિલાઓ સાથે યુનાઇટેડ નેશનની ઓફિસ ખાતે સ્વખર્ચે જઈ રણમાં સોલાર સિસ્ટમ આપવા માટે મદદ કરવાની રજૂઆત દેવુબહેને કરી હતી. હાલમાં રણમાં ૧૧૦૦ સોલર સિસ્ટમ લગાવવામાં આવી છે. આમ અગરીયાઓને સોલાર સિસ્ટમથી વર્ષે ડીઝલ બચત દ્વારા પચાસ હજારનો ફાયદો થાય છે.
દેવુબહેને પરિવાર માટે કંઈક કરવાની ધગશ સાથે ‘સેવા’ સંસ્થાનો કોન્ટેક્ટ કરી પોતાની સમસ્યા જણાવી હતી. ત્યારે સંસ્થા દ્વારા મહિલાને પાણી ખેંચવા માટે સોલાર સિસ્ટમના પંપ માટે લોન અપાવી સંસ્થા મદદરૂપ બની હતી. એ પછી દેવુબહેને સંસ્થાને અન્ય મહિલાઓને પણ સોલાર સિસ્ટમ વસાવવા મદદરૂપ બનવા રજૂઆત કરી. એ પછી હાલમાં રણમાં ૧૧૦૦ જેટલા સોલર સિસ્ટમના સેટ નંખાયા છે. દેવુબહેન કહે છે, પાંચ વર્ષથી રણમાં સોલાર સિસ્ટમથી આર્થિક ફાયદો થતાં મારા દીકરા અને બંને દીકરીઓને સારું શિક્ષણ અપાવી રહી છું.


comments powered by Disqus