લાલુપુત્રનું એલાનઃ બિહારની એક એક ઈંટ લઈ જઈ બનાવીશું રામ મંદિર

Wednesday 14th March 2018 08:33 EDT
 
 

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરના મુદ્દે રાજકીય દાવપેચ ખેલાઇ રહ્યા છે તેવામાં રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ પ્રધાન તેજપ્રતાપે નાલંદામાં જનસભા સંબોધતાં કહ્યું કે, જો આગામી સમયમાં બિહારમાં રાજદ સરકાર બનશે તો દેશના તમામ ધર્મોના લોકોની સાથે મળીને, બિહારથી એક એક ઈંટ ઉત્તર પ્રદેશ લઈ જઈશું અને ત્યાં રામ મંદિરનું નિર્માણ કરીશું.
મઘડા ગામમાં શીતલાષ્ટમી મેળામાં તેજપ્રતાપે રામ મંદિરના નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, વોટ મેળવી લીધા બાદ લોકો મંદિરનો મુદ્દો ભૂલી જાય છે. આ વખતે બિહારમાં રાજદ સરકાર આવશે તો અયોધ્યામાં રામ મંદિર બનશે.
રવિવારે આરએસએસના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ કહ્યું હતું કે અયોધ્યામાં વિવાદિત ભૂમિ પર મંદિર સિવાય અન્ય કશું જ બની શકે નહીં. અલબત્ત, અગાઉ ઉત્તર પ્રદેશની યોગી સરકારના કેબિનેટ પ્રધાન લક્ષ્મી નારાયણ ચૌધરીએ આ મુદ્દે કહ્યું હતું કે, રામ મંદિર અયોધ્યામાં નહીં તો શું ન્યૂ યોર્કમાં બનશે? લક્ષ્મી યોગી સરકારમાં ધાર્મિક કાર્ય અને સંસ્કૃતિ તથા લઘુમતી વિભાગના કેબિનેટ પ્રધાન છે. તેઓએ મુસ્લિમ મહિલા સંમેલનમાં મુદ્દો ઉખેડ્યો હતો.
અયોધ્યા વિવાદે મધ્યસ્થી દ્વારા ઉકેલની કોશિશોમાં સમાધાનને શિયા પર્સનલ લો બોર્ડ દ્વારા રદ કર્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકરે અયોધ્યા વિવાદનો ઉકેલ લાવવા ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના સભ્ય સલમાન નદવી સાથે અગાઉ વાત કરી ત્યારે નદવીએ કહ્યું હતું કે, શરિયતમાં મસ્જિદને શિફ્ટ કરવાની જોગવાઇ છે. હિંદુ-મુસ્લિમ એકતા જળવાય તે રીતે આ મુદ્દે ચર્ચા કરવી યોગ્ય રહેશે. જોકે નદવીના નિવેદન પછી તેમને ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડમાંથી એવું કહીને હાંકી કઢાયા કે, અયોધ્યા મુદ્દે મુસ્લિમ બોર્ડના વલણમાં ફેરફાર નહીં થાય. એક વાર મસ્જિદ બને તો તે નિયત જગાએ કાયમ રહે છે.


comments powered by Disqus