સુકમાઃ છત્તીસગઢના સુકમા જિલ્લાના કિસ્ટરામ પોલીસ ક્ષેત્રમાં નક્સલીઓએ સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી-લેન્ડમાઇન વ્હીકલ ઉડાવી દીધું હતું. આ ઘટનામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના ૯ જવાન શહીદ થયા છે અને કેટલાક જવાનો ઘાયલ થયાના અહેવાલ છે. હુમલા બાદ ગૃહ પ્રધાન રાજનાથ સિંહે સીઆરપીએફ ડીજીને છત્તીસગઢ મોકલ્યા હતા. હુમલામાં શહીદ અને ઘાયલ જવાનોને એરલિફ્ટ કરી રાયપુર સારવાર માટે ખસેડાઈ રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે સીઆરપીએફની ૨૧૨મી બટાલિયનના જવાનો એન્ટી-લેન્ડમાઇન વ્હીકલમાં રવાના થયા હતા. જ્યારે તે કિસ્ટરામ પોલીસ ક્ષેત્રમાં હતા ત્યારે નક્સલીઓએ એક શક્તિશાળી વિસ્ફોટ કરીને વ્હીકલ ઉડાવી દીધું. આશરે ૧૫૦ જેટલા નક્સલીઓએ વિસ્ફોટ કરવા સાથે જવાનો પર અંધાધૂંધ ગોળીબાર જંગલમાં શરૂ કરી દીધો હતો. આ પછી તેઓ ફરાર થઈ ગયા હતા. સુરક્ષા દળોના જણાવ્યા પ્રમાણે ઘટના બાદ આ જગાએ વધારાનું પોલીસ દળ, મેડિકલ તથા રેસ્કયુ ટીમ શબ અને ઘાયલ જવાનોને જંગલથી બહાર કાઢવા મોકલાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈને આઈબીએ પહેલા જ એલર્ટ કર્યાં હતાં. હુમલા બાદ ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ટ્વિટ કર્યું છે કે, જે પરિવારોએ સ્વજન ગુમાવ્યા તેમને હું હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું.

