૧૩ જાપાની યુવતીઓ ત્રણ મહિનામાં કડકડાટ સંસ્કૃતમાં વાતચીત કરતી થઈ

Wednesday 14th March 2018 08:09 EDT
 
 

પોરબંદરઃ તેર જાપાનીઝ યુવતીઓ ભગવદ ગીતા, કૃષ્ણ વેદાંત અને પાણીની સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે પોરબંદરમાં તેમના સાથીઓ સાથે આવીને રહે છે. આ યુવતીઓ પોરબંદર નજીક રીણાવાડા પાસે આવેલા ‘આર્ષ સંસ્કૃતિ તીર્થ’માં રહે છે. ‘આર્ષ સંસ્કૃતિ તીર્થ’ સંસ્થા ૧૨ વર્ષથી હિંદુ શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસાર કરે છે. ૧૩ જાપાની યુવતીઓને ભગવદ ગીતા, ભારતીય વેદ - ઉપનિષદમાં રસ જાગ્યો હોવાથી તે વધુ રિસર્ચ અને અભ્યાસ માટે અહીં આવી છે. તેમને સ્વામિની નિષમાનંદા, સ્વામિની નિત્યકલ્યાણનંદા સરસ્વતીજી વેદાંત અને ઉપનિષદનું જ્ઞાન આપી રહ્યાં છે. યુવતીઓ સાથે જાપાનથી જ આવેલા સ્વામી ચેતનાનંદ સરસ્વતીજી પાસે પણ તેઓ આ વિષયોનો અભ્યાસ અહીં કરે છે.
યુવતીઓ ૧૨ દિવસમાં ભગવદ ગીતા, ઉપનિષદ, પાણીની સંસ્કૃત, કૃષ્ણ યજુર્વેદીય, વૈદિક ચેનટીષ અને ભારતીય પદ્ધતિ મુજબની (દક્ષિણેશ્વર) શિવ પૂજા કરતી થઈ હતી અને ત્રણ મહિનામાં તો સંસ્કૃતમાં વાત કરતી થઈ છે. ઉલ્લેખનીય છે કે આ યુવતીઓ ઘણા સમયથી જાપાનમાં પણ ભારતીય સંસ્કૃતિ, વેદ પુરાણ વિશે ઞ્જાન લઈ રહી છે. તેઓની સાથે આવેલા જાપાનીઝ સ્વામી ચેતનાનંદ સરસ્વતીજીએ કોઇમ્બતૂરમાં ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કર્યો હતો અને એ પછી તેઓએ ભારતીય નામ સ્વામી ચેતનાનંદ સરસ્વતીજી ધારણ કર્યું હતું. જાપાનમાં પણ તેઓ ભારતીય શાસ્ત્રો અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. સ્વામી ચેતનાનંદ સરસ્વતીજી એ સમગ્ર ભગવદ ગીતાનું જાપાનીઝ ભાષામાં ભાષાંતર પણ કર્યું છે. તેમની સાથે આવેલી આ ૧૩ યુવતીઓ તેમની જ વિદ્યાર્થિનીઓ છે. આ જાપાનીઝ યુવતીઓ આશરે ત્રણ મહિનામાં અહીં રોકાણ દરમિયાન શુદ્ધ સંસ્કૃત ભાષામાં ઉચ્ચારણ અને વાતચીત કરે છે તે જોઈને ભારતીય સંસ્કૃતવિદો પણ આશ્ચર્ય પામે છે. આ યુવતીઓ માત્ર શ્લોકનું પઠન જ કરતી નથી પરંતુ તેઓ શાસ્ત્રોક્ત વિધિથી પૂજાપાઠ પણ કરે છે. આશ્રમમાં શિવરાત્રિ નિમિત્તે યોજાયેલા લઘુરૂદ્ર યજ્ઞમાં પણ સહભાગી બની હતી.


comments powered by Disqus