નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે તા.૭ નવેમ્બરે પરંપરા, રંગો અને દિવાળીની સમૃદ્ધ સંસ્કૃતિ સાથે દિવાળીના તહેવારની હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હિંદુ કેલેન્ડરમાં દિવાળી સૌથી શુભ તહેવાર છે. અનિષ્ટ પર ઈષ્ટના વિજયના પ્રતીક રૂપે ભક્તો દીપકોની હારમાળા પ્રગટાવે છે તેથી તે પ્રકાશના પર્વ તરીકે પણ જાણીતું છે.
દેશના સૌથી મોટા મંદિરે થયેલી ઉજવણીમાં ભારતથી લંડનની મુલાકાતે આવેલા વરિષ્ઠ સ્વામી પૂ. ત્યાગવલ્લભ સ્વામીની નિશ્રામાં ખાસ સાંધ્ય સભાનો પણ સમાવેશ થતો હતો. ચોપડા પૂજનની વિધિ દરમિયાન વેપારીઓએ તેમના હાલના હિસાબી ચોપડાનો ઉપયોગ બંધ કર્યો હતો અને નવા ચોપડાનું મૂહુર્ત કર્યું હતું. આ વિધિ વ્યક્તિના ભગવાન સાથેના આધ્યાત્મિક સંબંધની કેવી રીતે સમીક્ષા થઈ શકે તેનું પણ પ્રતીક છે.
સાંજે મંદિર બહાર યોજાયેલી ભવ્ય આતશબાજીને નિહાળવા હજારો હરિભક્તો, મુલાકાતીઓ અને સ્થાનિક સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મંદિરના ઘુમ્મટની ઉપર નોર્થ લંડનના આકાશને ઝળહળા કરી દેતું મ્યુઝિક અને લાઈટનું નિદર્શન કરાયું હતું. તેનું બીબીસી વનના ધ વન શોમાં જીવંત પ્રસારણ કરાયું હતું.
દિવાળી પછીનો દિવસ બેસતું વર્ષ એટલે કે હિંદુ નૂતન વર્ષનો પ્રારંભ ગણાય છે. પ્રથમ ઉજવણી સવારે પાંચ વાગે શરૂ થઈ હતી. ત્યાર બાદ વિશ્વની શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના યોજાઈ હતી. બપોરે પહેલા તો મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની રાજભોગ આરતી કરવામાં આવી હતી. તે પછી ભગવાનને જ્યાં અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો ત્યાં એટલે કે હવેલી સભાગૃહમાં આરતી કરાઈ હતી. અન્નકૂટમાં ભગવાન સમક્ષ વિવિધ પ્રકારની સંખ્યાબંધ વાનગીઓ ધરાવવામાં આવી હતી. ભગવાનનો આભાર માનવા અને નવા વર્ષમાં ભગવાનના આશીર્વાદ મેળવવા માટે અન્નકૂટનું આયોજન કરાય છે.
લંડનના મેયર સાદિક ખાન આ ઉજવણીમાં જોડાયા હતા. તેમના સંબોધનમાં તેમણે લંડનના વિકાસમાં હિંદુ સમુદાયે આપેલા યોગદાનની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું, ‘ હું મંદિરમાં ફર્યો અને વોલન્ટિયર્સને મળ્યો ત્યારે મને પ્રેરણા મળી. એક ગૌરવશાળી હિંદુ અને ગૌરવશાળી લંડનવાસી તેમજ બ્રિટિશર કેવી રીતે બની શકાય તે તમે દર્શાવ્યું છે.
મંદિરના સર્જક પૂ. પ્રમુખ સ્વામીના યોગદાન વિશે તેમણે જણાવ્યું હતું,‘ પૂ. પ્રમુખ સ્વામીએ અહીં નીસડનમાં, બ્રેન્ટમાં કે લંડનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકોના જીવનમાં પરિવર્તન લાવીને તેનું મહત્ત્વ ઉભું કર્યું છે તેનાથી હું વાકેફ છું.’ તેમના પ્રદાનને બીરદાવતા મેયરે મંદિર પાસેના રોડને પ્રમુખ સ્વામી મહારાજનું નામ આપવાની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું,‘કાઉન્સિલ, વિવિધ ધર્મ અને ભૂમિકાના સ્થાનિક લોકોના સહયોગથી કાર્યરત આ મંદિરમાં આજે ઈસ્લામ ધર્મના લંડનના મેયર તમારી સાથે આ સારા સમાચાર શેર કરવા માગે છે તે સંદેશને મુક્ત રીતે અને સ્પષ્ટપણે ફેલાવા દો.
મંદિરના વોલન્ટિયર યોગેન શાહે જણાવ્યું હતું, ‘યોગાનુયોગે આ વર્ષે મંદિરમાં કરવામાં આવેલી રોશની અને આર્ટવર્કની થીમ પણ એકતા છે. પૂ. મહંત સ્વામી મહારાજ નિયમિતપણે પરિવારોમાં, સ્થાનિક સમુદાયમાં અને વિશ્વભરમાં એકતાના મહત્ત્વ વિશે વાત કરતા હોય છે. આ વર્ષે અમારી ઉજવણી એકતાનો સંદેશ આપશે અને તેને રોજિંદા જીવનમાં ઉાતારવા સૌને પ્રોત્સાહિત કરશે.

