દિવાળી એ પ્રકાશનું પર્વ છે. અનિષ્ટ પર ઈષ્ટના વિજયનું પર્વ છે. દિવાળી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. દિવાળીને અનુલક્ષીને વેમ્બલી પાર્ક અને હિંદુ કાઉન્સિલ બ્રેન્ટના સંયુક્ત ઉપક્રમે બ્રેન્ટ સિવિક સેન્ટર લાઈબ્રેરી ખાતે તા. ૪ નવેમ્બરને રવિવારે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહપૂ્ર્વક ભાગ લીધો હતો. તેમણે વિવિધ પ્રકારની રંગોળી પૂરીને તેમની કલ્પનાનું રંગોના માધ્યમથી નિરુપણ કર્યું હતું. તમામ સ્પર્ધકોની કૃતિઓ અદભૂત હતી અને તેને નિહાળીને સૌકોઈ પ્રભાવિત થયા હતા. જોકે, તેમાંથી ત્રણ કૃતિઓને સર્વશ્રેષ્ઠ જાહેર કરીને તેમને ઈનામ અપાયા હતા. પહેલા ત્રણ ક્રમે રહેલા વિજેતાઓ સિવાય પણ તમામ સ્પર્ધકોને વિજેતા જ ગણી શકાય તેવી તેમની રંગોળી હતી. હિંદુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વેમ્બલી પાર્કમાં હિંદુ કાઉન્સિલ રંગોળી સ્પર્ધાનું આયોજન કરી શકે તે માટે સહયોગ આપવા બદલ વેમ્બલી પાર્ક ( Quaintan)નો અને ખાસ કરીને રિચાર્ડ ક્રેનની પ્રશંસા કરવામાં આવી હતી અને ખાસ આભાર માનવામાં આવ્યો હતો.
રંગોળી સ્પર્ધા ઉપરાંત હિંદુ કાઉન્સિલના સભ્યો, MCYA અને બિનલ એકેડમી ડાન્સ દ્વારા લાઈવ બોલિવુડ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. ગેલેક્સી મ્યુઝિક બેન્ડ દ્વારા લાઈવ બોલિવુડ મ્યુઝિક અને ગીતો રજૂ કરાયા હતા. મહેશ અને રેખાએ તેમના સુમધુર કંઠે રજૂ કરેલા બોલિવુડના ગીતોથી દર્શકો ઝૂમી ઉઠ્યા હતા.
અંતમાં, હિંદુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા પ્રથમવાર રંગોળી હરિફાઈ યોજવા માટે સૌએ તેમનો આભાર માન્યો હતો અને દર વર્ષે હરિફાઈ યોજવા માટે વિનંતી કરવામાં આવી હતી.

