લંડનઃ મેયર સાદિક ખાને પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણીમાં સહયોગી થવા માટે લંડનના ત્રણ મંદિરોની મુલાકાત લીધી હતી. તેમણે લંડનના વિકાસમાં સહયોગ આપવા બદલ હિંદુ સમુદાયનો આભાર માન્યો હતો.
પ્રથમ તેમણે વિલ્સડનના સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. તે પછી તેઓ વેમ્બલીમાં આવેલા શ્રી સનાતન મંદિર અને છેલ્લે નીસડનમાં આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરે ગયા હતા. ત્રણે મંદિરમાં તેઓ ધાર્મિક વડા અને સમાજના અગ્રણીઓને મળ્યા હતા અને સ્થાનિક લોકો સાથે દિવાળી અને હિંદુ નૂતન વર્ષની ઉજવણી કરી હતી.
ગયા મહિને મેયરે ટ્રફાલ્ગાર સ્ક્વેર ખાતે યોજાયેલી દિવાળીની વાર્ષિક ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમાં ઉપસ્થિત હજારો લોકોએ મ્યુઝિક અને ડાન્સના કાર્યક્રમો, ફૂડ અને ડ્રિંક્સ નો આનંદ માણ્યો હતો. લોકોએ ભારતીય વસ્તુઓનું વેચાણ કરતા સ્ટોલની મુલાકાત પણ લીધી હતી અને સમગ્ર પરિવાર માટેની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તે ઉપરાંત લોકોએ સ્ક્વેરમાં કરાયેલી લાઈટીંગ્સ અને પ્રોજેક્શન નિહાળ્યા હતા.
સાદિક ખાને જણાવ્યું હતું, ‘લંડનના હિંદુ સમુદાય સાથે દિવાળી ઉજવીને મને ખૂબ આનંદ થયો છે. તેમણે લંડન અને સમગ્ર દેશના વિકાસમાં આપેલા યોગદાન બદલ હું તેમનો આભાર માનું છું. દિવાળીનો મુખ્ય સંદેશ શાંતિ અને પરસ્પર આદરભાવનો છે અને હું માનું છું કે સૌ લંડનવાસી તેનું સમર્થન કરે છે. લંડન સૌને માટે ખૂલ્લું છે. મારા પરિવાર તરફથી આપના પરિવારને દિવાળી અને નૂતન વર્ષની શુભકામના’.
સ્વામીનારાયણ મંદિર, વિલ્સડનના સંજય ખેતાણીએ જણાવ્યું હતું કે લંડનના મેયર સાથે થયેલી મુલાકાત ખૂબ સરસ રહી. મારા મતે દિવાળીનો સમય એવો છે જે આપણે પરિવારના સભ્યો અને મિત્રો સાથે વીતાવી શકીએ. આપણે એકબીજાને ભેટ આપીને નવું વર્ષ શુભ નીવડે તેવી પ્રાર્થના કરીએ છીએ.
શ્રી સનાતન મંદિર, વેમ્બલીના ચેરમેન નરેન્દ્ર ઠકરારે જણાવ્યું હતું,‘દિવાળી અને હિંદુ નૂતન વર્ષના પવિત્ર દિવસે લંડનના મેયર સાદિક ખાનને આવકારીને ધન્યતા અનુભવું છું. દેશના વિવિધ સમુદાયોને એક કરવાના અને દેશભરમાં વિવિધ ધર્મના લોકો વચ્ચે સંવાદિતા સ્થાપવાના તેમના પ્રયાસોની શ્રી સનાતન મંદિર નોંધ લે છે અને તેમને સમર્થન આપે છે.
BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડનના તરુણ પટેલે જણાવ્યું હતું કે હિંદુ નૂતન વર્ષની ઉજવણીમાં લંડનના મેયરને આવકારીને ખૂબ સારું લાગ્યું. આ પાવન પ્રસંગે અમે મેયરને લંડનની સેવાના તેમના તમામ કાર્ય માટે સફળતાની શુભેચ્છા પાઠવીએ છીએ.

