હિમાચલમાં ભૂસ્ખલન, કેરળમાં પૂરનો પ્રકોપઃ ૫૮ના મૃત્યુ, હજારો પર્યટકો ફસાયા

Thursday 16th August 2018 06:20 EDT
 
 

નવી દિલ્હી, સિમલા, તિરુવનંતપુરમ્ઃ દેશ-વિદેશના પર્યટકોના પ્રિય સ્થળો એવા હિમાચલ પ્રદેશ અને કેરળમાં કુદરતે કેર વર્તાવ્યો છે. ભારે વરસાદના કારણે બન્ને રાજ્યોમાં હજારો સહેલાણીઓ ફસાયા છે. કેરળમાં ચાર દસકાના સૌથી ભારે વરસાદે ૩૮નો ભોગ લીધો છે તો હિમાચલમાં ૧૮નાં મોત થયા છે.
હિમાચલમાં ભૂસ્ખલન
હિમાચલમાં ૨૪ કલાક સતત ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ૧૧૭ વર્ષ બાદ રેકોર્ડ એક દિવસમાં ૧૭૨ મિમી વરસાદ પડ્યો હતો. વરસાદ તથા ભૂસ્ખલનની ઘટનાથી કિન્નોર જિલ્લાની સાંગલી ખીણમાં ૧૦૦ તો લાહોલ સ્પીતિમાં ૨૫૦ પર્યટકો ફસાયા હતા. ચંદીગઢ-શિમલા હાઇવે પર સહિત ૯૩૦થી વધુ માર્ગો બંધ થઈ ગયા હતા. ભૂસ્ખલનને લીધે પ્રવાસીઓમાં પ્રિય કાલકા-સિમલા રેલવે ટ્રેક પર કાટમાળ આવી જતાં ટ્રેન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો છે. શિમલા, મંડી, કિન્નૌર, કુલ્લુ, ચંબા, હમીરપુર, સોલન, બિલાસપુર અને ઉનામાં રજા જાહેર કરી દેવાઇ છે.
કેરળને વરસાદે ધમરોળ્યું
કેરળમાં નૈઋત્યનાં ચોમાસાએ કાળો કેર વર્તાવતાં ઓછામાં ઓછાં ૩૮નાં મોત થયાં છે. કેરળ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે, ઉત્તર કેરળના ૬ જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલાં ભૂસ્ખલનમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૦ લાપતા બન્યાં છે. સૌથી પ્રભાવિત ઇડુક્કી જિલ્લામાં બે પરિવારનાં ૧૧, મલ્લાપુરમ જિલ્લામાં પાંચ, વાયાનાડમાં પાંચ અને કોઝિકોડમાં એકનાં મોત થયાં છે. નદીઓમાં ઘોડાપૂરથી કેરળના સંખ્યાબંધ ડેમ છલકાઈ ગયા છે. રાજ્યમાં ૨૨ બંધના દરવાજા ખોલી નંખાયા છે. પર્વતીય જિલ્લામાં સેનાની મદદ લેવાઇ છે. મુખ્ય પ્રધાન વિજયને જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્થિતિ અત્યંત ગંભીર છે.
કેરળનો ૪૫ વર્ષ જૂનો ઇડુક્કી ડેમ છેલ્લાં ૨૬ વર્ષમાં કદી છલોછલ ભરાયો નહોતો, પરંતુ ડેમ ઓવરફ્લો થતાં ૧૯૯૨ બાદ પહેલી વાર ડેમના દરવાજા ખોલાયા હતા. ઇડુક્કી જળાશયમાં ૩ ડેમ આવેલા છે.


comments powered by Disqus