નેપાળ વિના ભારતના રામ અધૂરા, જનકપુર વિના અયોધ્યા અધૂરું

Wednesday 16th May 2018 06:48 EDT
 
 

જનકપુર (નેપાળ)ઃ ભારત અને નેપાળના સંબંધ કોઈ પરિભાષાથી નહીં, પણ ભાષા અને આસ્થાના બંધનથી જોડાયેલા છે. પાડોશી પહેલો એ નાતે ભારત માટે નેપાળ હંમેશા મુખ્ય પ્રાથમિકતા છે. નેપાળ વિના ભારતની આસ્થા અધૂરી છે અને અસ્તિત્વ પણ અધૂરું છે. ભારતના ધામ અને રામ પણ નેપાળ વિના અધૂરા છે. ભારત અને નેપાળની મુશ્કેલીઓ અને મંજિલ એક જ છે. નેપાળની બે દિવસની મુલાકાતના પ્રારંભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યજમાન વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી સાથે જનકપુરના બારહબીઘા મેદાનમાં એક જનસભા સંબોધતા આ શબ્દો કહ્યા હતા. 

મૈથિલી ભાષામાં સંબોધનનો પ્રારંભ કરતા વડા પ્રધાન મોદીએ જનકપુરના વિકાસ માટે રૂ. ૧૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. આ ઉપરાંત મોદીએ ઓલી સાથે નેપાળના જનકપુરથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધીની બસ સેવાનો લીલી ઝંડી ફરકાવી પ્રારંભ કરાવ્યો હતો.
મોદીએ કહ્યું હતું કે, રાજા જનક અને રાજા દશરથે ફક્ત જનકપુર કે અયોધ્યાને જ નહીં, પરંતુ ભારત અને નેપાળને પણ દોસ્તીના અતૂટ બંધનમાં બાંધ્યા છે. દુનિયામાં મૈથિલી સંસ્કૃતિનું સ્થાન ઘણું ઉપર છે. મૈથિલી સંસ્કૃતિ ફક્ત સીતા માતા સાથે નથી જોડાયેલી, પરંતુ આ સંસ્કૃતિ બે દેશને જોડી રાખવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. ભગવાન રામના પત્ની સીતાનો જન્મ જનકપુરમાં થયો હતો. આ કારણસર ભારત અને નેપાળની સંસ્કૃતિમાં જનકપુરનું આગવું મહત્ત્વ છે. 
ભારત-નેપાળનો સંબંધ ત્રેતા યુગથી હોવાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, ત્રેતા યુગમાં રાજા જનકના કાળમાં ભારત-નેપાળના સંબંધ બંધાયા હતા. સીતા માતાના કારણે બંધાયેલો એ સંબંધ હજુયે એટલો જ મજબૂત છે. જનક રાજાના કાળમાં યાજ્ઞવાલ્ક્ય, અષ્ટાવક્ર અને ગાર્ગી જેવા ઋષિઓ થઈ ગયા, જે જનક રાજાના દરબારમાં ધર્મ-સમાજની ચર્ચા કરતા હતા. 
વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે જાહેરાત કરી હતી કે ભારત અને નેપાળના ધર્મસ્થાનોને જોડીને પ્રવાસનને ઉત્તેજન આપવામાં આવશે. આ સાથે જ બૌદ્ધ અને જૈન ધર્મના સ્થળોને જોડીને પણ વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવામાં આવશે. 
નેપાળના વડા પ્રધાન ઓલીએ મોદીનું સ્વાગત કરતા કહ્યું હતું કે રાજા જનક અને જાનકીની ધરતી પર ભારતના વડા પ્રધાનનું અમે સ્વાગત કરીએ છીએ. જનકપુર એક એવું સ્થળ છે, જેણે ભગવાન રામને અહીં આવતા જોયા હતા. અહીં અયોધ્યાથી જાન આવી હતી અને જનકપુરમાંથી સીતા માતાની વિદાય થઇ હતી.

૯૦૦ મેગાવોટના વીજપ્રોજેક્ટનો શિલાન્યાસ

વડા પ્રધાન મોદી અને નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ ૯૦૦ મેગા વોટના અરુણ-થ્રી હાઇડ્રોલિક પાવર પ્લાન્ટનો સંયુક્ત શિલાન્યાસ કર્યો હતો. આ યોજના ભારત સરકારના સહકારથી તુમલિનગર વિસ્તારમાં આકાર લઇ રહી છે. આ યોજનાથી નેપાળમાં દોઢ અબજ ડોલરનું સીધું રોકાણ કરાશે અને હજારો લોકોને રોજગારી મળશે. 
નેપાળ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડે હાલમાં જ ઉપરોક્ત યોજના માટે સતલજ જળવિદ્યુત નિગમ પાવર ડેવલપમેન્ટનું લાયસન્સ મંજૂર કર્યું છે. આ કંપની ભારત સરકારની સતલજ જળવિદ્યુત નિગમ લિમિટેડની પેટા કંપની છે. અરુણ-થ્રી અત્યાર સુધીની સૌથી વધુ ક્ષમતા ધરાવતી જળવિદ્યુત યોજના છે, જેનું કામ આગામી પાંચ વર્ષમાં પૂરું થઇ જશે. હાલમાં નેપાળ વીજળીની અછતનો સામનો કરી રહ્યું છે, પરંતુ આ યોજનામાંથી નેપાળને ભરપૂર વીજળી મળશે. નોંધનીય છે કે, આ યોજનાને પગલે કાઠમંડુથી ૫૦૦ કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાં કાયમ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.

નેપાળ માટે ભારત બનશે ‘શેરપા’

વડા પ્રધાન મોદીએ તેમના માનમાં યોજાયેલા અભિવાદન સમારોહને સંબોધતા કહ્યું હતું કે ભારત અને નેપાળના લોકો વચ્ચેના સંબંધોને વધારવામાં ક્રિકેટને માધ્યમ બનાવાશે. મોદીએ કહ્યું કે આજે આપણે ક્રિકેટના માધ્યમથી જોડાયા છીએ કેમ કે નેપાળનો એક છોકરો આઈપીએલમાં રમી રહ્યો છે. મોદીનો ઈશારો દિલ્હી ડેરડેવિલ્સના સંદીપ લામિછાની તરફ હતો જેને આઈપીએલમાં દિલ્હીએ ૨૦ લાખ રૂપિયામાં ખરીદયો છે. ૧૭ વર્ષીય લેગસ્પિનર લામિછાએ ૨૦૧૬ના અંડર-૧૯ વર્લ્ડ કપમાં ઝમકદાર દેખાવ કર્યો હતો. જોકે નેપાળની ટીમ આઠમા ક્રમે રહી હતી. 
વડા પ્રધાન મોદીએ કહ્યું કે જેમ માઉન્ટ એવરેસ્ટના ચઢાણમાં શેરપાની ભૂમિકા મહત્વની હોય છે એવી જ રીતે ભારત, નેપાળના વિકાસમાં શેરપાની ભૂમિકા ભજવશે. તેમણે એમ પણ કહ્યું કે નેપાળ તેની પ્રાથમિકતા અનુસાર આગળ વધે.

'ષોડશોપચાર' પૂજા

નેપાળના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદીએ જનકપુરમાં આવેલા ૨૦મી સદીના જાનકી મંદિરમાં સીતા માતાની પૂજા કરી હતી. મૈથિલીમાં 'ષોડશોપચાર' નામે ઓળખાતી પૂજામાં કુલ ૧૬ ધાર્મિક વિધિ હોય છે. મોદીએ આ સંપૂર્ણ પૂજા અને બાદમાં ભજન-કીર્તનમાં ભાગ લઈને કરતાલ પણ વગાડયા હતા. આ પહેલાં ભારતના કોઈ વડા પ્રધાને જાનકી મંદિરમાં આ પૂજા કરી નથી. અગાઉ નીલમ સંજીવ રેડ્ડી, જ્ઞાની ઝૈલ સિંહ અને પ્રણવ મુખરજી એમ ત્રણ રાષ્ટ્રપતિ આ પૂજા કરી ચૂક્યા છે. પૂજા દરમિયાન વડા પ્રધાન મોદીએ નેપાળના વડા પ્રધાને ભેટમાં આપેલો ‘પાગ’ નામે ઓળખાતો મૈથિલી કુર્તો પહેર્યો હતો. પશ્ચિમી સંસ્કૃતિમાં જેવું મહત્ત્વ ક્રાઉનનું છે તેવું મહત્ત્વ નેપાળની સંસ્કૃતિમાં ‘પાગ’નું છે. જાનકી મંદિરમાં પૂજા કરીને વડા પ્રધાન મોદીએ વિઝિટર બુકમાં સંદેશ લખ્યો હતો કે, ‘જનકપુર ધામ આવવાનું મારું બહુ જૂનું સપનું આજે પૂરું થયું છે. નેપાળ અને ભારતના લોકોના હૃદયમાં જેનું અનેરું સ્થાન છે એ ધર્મ સ્થળે આવવાનો આ એક અવિસ્મરણીય અનુભવ હતો.’ ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૧૦માં સીતા માતાની યાદમાં જાનકી મંદિર બાંધવામાં આવ્યું હતું. ૫૦ મીટર ઊંચું ત્રણ માળનું આ મંદિર સંપૂર્ણપણે પથ્થર અને આરસપહાણમાંથી બનાવાયું છે. જાનકી મંદિર કુલ ૪,૮૬૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.

મોદી પહેલાં વૈશ્વિક નેતા

નેપાળ મુલાકાતના બીજા દિવસે ૧૨ મેના રોજ નરેન્દ્ર મોદીએ વિશ્વવિખ્યાત પશુપતિનાથ અને મુક્તિનાથ મંદિરોમાં પૂજા-અર્ચના કર્યા હતા. મુક્તિનાથ મંદિર હિંદુ અને બૌદ્ધ એમ બંને સમુદાય માટે પવિત્ર યાત્રાધામ છે. વડા પ્રધાન ઓલીએ જણાવ્યું હતું કે, મુક્તિનાથ મંદિરનાં મુખ્ય ગર્ભગૃહમાં પૂજા કરનારા વડા પ્રધાન મોદી વિશ્વના પ્રથમ નેતા બન્યા છે. પરંપરાગત બૌદ્ધ પરિવેશમાં સજ્જ મોદીએ હિંદુ અને બૌદ્ધ પરંપરા પ્રમાણે પૂજા કરી હતી. પૂજા બાદ તેમણે મંદિર બહાર એકઠાં થયેલાં લોકોને શુભેચ્છા પાઠવી હતી.

મહાનુભાવો સાથે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળની બે દિવસીય મુલાકાતના પ્રારંભે કાઠમંડુમાં રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારી અને ઉપરાષ્ટ્રપતિ નંદ બહાદુર પૂનની મુલાકાત લીધી હતી. આ પૂર્વે વડા પ્રધાન મોદીનું નેપાળ સેનાએ ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કર્યું હતું. મોદી રાષ્ટ્રપતિ ભંડારીને તેમના સત્તાવાર નિવાસસ્થાન સીતલ નિવાસે મળ્યા હતા. બીજા દિવસે મુક્તિનાથ મંદિરેથી પરત ફર્યા બાદ મોદીએ નેપાળના પૂર્વ વડા પ્રધાન શેરબહાદુર દેઉબા સહિત વિપક્ષના સંખ્યાબંધ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે આ નેતાઓ સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરી હતી.

‘નેપાળમાં ભારતવિરોધી પ્રવૃત્તિ નહીં’ઃ ઓલી

નેપાળના વડા પ્રધાન ઓલીએ નરેન્દ્ર મોદીને વિશ્વાસ અપાવ્યો છે કે નેપાળ ભારતના હિતો પ્રત્યે સંવેદનશીલ છે અને તે પોતાની જમીનનો ઉપયોગ ભારતવિરોધી પ્રવૃત્તિ માટે નહીં કરવા દે. વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે ભારત નેપાળ સાથેની દ્વિપક્ષીય ચર્ચાથી સંતુષ્ટ છે. નોંધનીય છે કે નેપાળની ૧૮૫૦ કિલોમીટર લાંબી સરહદ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે જોડાયેલી છે.

મોદીના દેવદર્શન સામે કોંગ્રેસને વાંધો

કોંગ્રેસ મહાસચિવ અને રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે મોદીના નેપાળમાં મંદિરના દર્શન પર સવાલો ઊભા કર્યા છે. તેમણે કહ્યું હતું કે જ્યારે કર્ણાટકમાં ચૂંટણીઓ યોજાઇ રહી છે, અને આચારસંહિતા લાગુ છે તેમ છતાં મંદિરમાં જઈને દર્શન કરવા તે એક સમજીવિચારીને અમલમાં મૂકેલો વ્યૂહ છે. જેથી મતદારોને પ્રભાવિત કરી શકાય. ગેહલોતના આરોપો અંગે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે કહ્યું કે ઓલી સત્તામાં આવ્યા ત્યારે જ આ પ્રવાસ નક્કી થઈ ગયો હતો.


comments powered by Disqus