ભાજપને બહુમતી નજીક પહોંચાડનારા પાંચ મુખ્ય કારણ

Wednesday 16th May 2018 06:34 EDT
 
 

૧) મોદી મેજીકઃ ભાજપ પાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવો લોકપ્રિય ચહેરો છે, જેમને આગળ રાખીને પક્ષ ચૂંટણી લડી રહ્યો છે. હાલ લગભગ તમામ વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપનું ટ્રમ્પ કાર્ડ સાબિત થયા છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ બિહાર અને દિલ્હીની ચૂંટણીને બાદ કરતા તમામ ચૂંટણીમાં ભાજપને જીતાડવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો હતો પરંતુ મોદીએ સંબોધેલી સભાઓથી પરિણામ પલટાઈ ગયું હતું.
કર્ણાટકમાં પણ આવુ જ થયું છે. પહેલા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કરની સંભાવના હતી પરંતુ મોદીના પ્રચાર બાદ ચૂંટણીમાં એકતરફી વલણ જોવા મળી રહ્યું હતું. મોદીએ કર્ણાટકમાં ૧૭થી વધુ રેલી યોજી હતી અને નમો એપ દ્વારા ભાજપ કાર્યકરો સાથે સંવાદ પણ કર્યો હતો. દરમિયાન તેમણે મહિલાઓ, અનુસૂચિત જાતિ- જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો સાથે પણ સંવાદ કર્યો હતો.
૨) ભાજપ અને અમિત શાહની રણનીતિઃ ભાજપ પાસે કેડર આધારિત સંગઠન છે, જે કોંગ્રેસની તુલનાએ ઘણું મજબૂત હોવાનું માનવામાં આવે છે. ભાજપની પકડ બૂથ લેવલ કાર્યકરોથી લઈને ઉપર સુધી મજબૂત છે. પાર્ટી તેના પૈતૃક સંગઠન આરએસએસને સમર્પિત છે અને તેનો પણ સહયોગ મળે છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહની રણનીતિને પણ ઓછી આંકી શકાય તેમ નથી. તેઓ માઈક્રો-લેવલ મેનેજમેન્ટ માટે જાણીતા છે અને ભાજપના ચાણક્ય તરીકે વધુ પ્રચલિત છે. શાહે પોતાની રણનીતિ બૂથ લેવલથી તૈયાર કરે છે. કેટલાક લોકો તેમને ઈલેક્શન મશીન પણ ગણાવે છે. જેથી કોંગ્રેસે તેમનો વિકલ્પ શોધવો રહ્યો.
૩) સિદ્ધારમૈયા ફેક્ટરઃ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયા રાજ્યમાં સત્તાવિરોધી લહેરનો સામનો કરી રહ્યા હતા. ૧૯૮૫ પછી રાજ્યમાં ક્યારેય મતદારોએ કોઈ રાજકીય પક્ષ પર સતત બીજી વખત ભરોસો કર્યો નથી. અગાઉ રામકૃષ્ણ હેગડેના નેતૃત્વમાં જનતા દળની સરકારે સળંગ બીજી ટર્મ માટે સરકાર રચી હતી. સિદ્ધારામૈયા સરકાર પર ભાગલા પાડીને રાજ કરોના રાજકારણનો આક્ષેપ લાગ્યો હતો. આ ઉરાંત જાતિવાદ અને લઘુમતિના તુષ્ટીકરણની રાજનીતિ કરવાના મુદ્દે પણ તેમની સામે સવાલો ઉઠ્યા હતા. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન આ મુદ્દાઓને ઉછાળ્યા હતા. ભ્રષ્ટાચારને લઈને ભાજપે સિદ્ધારમૈયા પર સિધા પ્રહારો કર્યા હતા.
૪) લિંગાયત કાર્ડ બૂમરેંગઃ કર્ણાટકમાં સિદ્ધારામૈયા સરકારે લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવા મંજૂરી આપીને ધર્મ આધારિત કાર્ડ ઉતર્યું હતું. જોકે આ દાવ બૂમરેંગ થતા ભાજપને તેનો લાભ થયો. લિંગાયત સમુદાયને લઘુમતીનો દરજ્જો તેમજ અલગ ઝંડો અને અલગ એન્થમ માટે વાત કરાઈ હતી, જેનો ઘણો વિવાદ થયો હતો. ટીપુ સુલ્તાન જયંતીની ઉજવણી પર પણ વિવાદ ઉઠ્યો હતો. કોંગ્રેસને અપેક્ષા હતી કે લિંગાયત સમુદાયની વોટબેન્ક તેમના તરફ આકર્ષાશે, પરંતુ તેનાથી વિપરીત અન્ય સમાજના લોકો નારાજ થયા. આમ ભાજપે કોંગ્રેસના લિંગાયત કાર્ડનો પણ ફાયદો ઉઠાવ્યો હતો.
૫) યેદિયુરપ્પા અને શ્રીરામુલૂ પર વિશ્વાસઃ લિંગાયત સમાજના દિગજ્જ નેતા બી. એસ. યેદિયુરપ્પા અને બી. શ્રીરામુલૂનું પુનરાગમન અને તેમના પર વિશ્વાસથી ભાજપને લાભ થયો. આનાથી કોંગ્રેસ-વિરોધી મત એકત્ર થયા અને કર્ણાટકમાં ભાજપ માટે સત્તાનો માર્ગ સરળ બન્યો.


comments powered by Disqus