માલ્યા ‘ન્યાયથી ફરાર' વ્યક્તિ: કોર્ટ

Wednesday 16th May 2018 07:15 EDT
 
 

લંડનઃ યુકે હાઈ કોર્ટે લિકરકિંગ અને ભારતમાં અનેક બેન્કોને આશરે રૂ. ૧૦ હજાર કરોડનો ચૂનો લગાવીને ફરાર થયેલા વિજય માલ્યા વિશે કહ્યું હતું કે તેને ‘ન્યાયથી ફરાર' વ્યક્તિ કહી શકાય. આમ ૧૩ ભારતીય બેન્કોએ યુકેની કોર્ટમાં વિજય માલ્યા સામે છેડેલા કાનૂની જંગમાં મહત્ત્વનો વિજય મેળવ્યો છે. હાઈ કોર્ટે માલ્યા પાસેથી ૧.૫૫ બિલિયન ડોલર વસૂલ કરવા માટે સંમતિ દર્શાવ્યા પછી આ ટિપ્પણી કરી હતી.
હાઈ કોર્ટના જજ એન્ડ્રુ હેન્શોએ ૧૩ ભારતીય બેન્કોની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું હતું કે ડો. માલ્યા પ્રત્યાર્પણથી બચવા માટે કોર્ટનો આશરો લઈ રહ્યા છે. તેમની સામે નાણાંકીય ગેરરીતિના જે સંગીન આરોપો છે તે સાબિત થતાં હોવાથી તેમને ‘ન્યાયથી ફરાર' વ્યક્તિ ગણી શકાય'.
આ ઉપરાંત યુકેની કોર્ટે માલ્યાના એ દાવાને પણ નકાર્યો હતો કે તે ૧૯૮૮થી એનઆરઆઈનું સ્ટેટસ ધરાવે છે અને તે ૧૯૯૨થી ઈંગ્લેન્ડમાં વસવાટ કરે છે. જેમાં કોર્ટે કહ્યું હતું કે પુરાવાઓ સ્પષ્ટ દર્શાવે છે કે માલ્યાએ માર્ચ ૨૦૧૬માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બિઝનેસ અને રાજકીય કારણોસર અનેકવાર પ્રવાસ કર્યો હતો. આ રીતે માલ્યા એક રીતે નોન-રેસિડન્ટ ટેક્સપેયર પણ છે.
આ ઉપરાંત હાઇ કોર્ટના જજે કર્ણાટક કોર્ટના એક આદેશનો ઉલ્લેખ પણ કર્યો હતો અને કહ્યું હતું કે વર્ષ ૨૦૦૩માં હરાજી વખતે પ્રાપ્ત કરેલી ટિપુ સુલતાનની ઐતિહાસિક તલવારને પોતાની સંપત્તિ તરીકે દર્શાવીને કર્ણાટક કોર્ટના આદેશનું સ્પષ્ટ ઉલ્લંઘન પણ કર્યું હતું.
વિજય માલ્યા સામે ભારતની ૧૩ બેન્કો - એસબીઆઈ, બેન્ક ઓફ બરોડા, કોર્પોરેશન બેન્ક, જમ્મુ-કાશ્મીર બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, યુકો બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને જેએમ ફાઈનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કં. પ્રા. લિ. સાથે રૂ. ૧૦ હજાર કરોડની આર્થિક છેતરપિંડી આચર્યાનો આરોપ છે.
કોર્ટે કહ્યું હતું કે તેની પાસે વિજય માલ્યાને કાયદેસર રીતે ભાગેડુ જાહેર કરી શકાય તેવી વિગતો અને પુરાવા છે. ભારતની ૧૩ બેન્કોના સમૂહ દ્વારા માલ્યા પાસેથી ૧.૫૫ બિલયન ડોલર એટલે કે રૂ. ૧૦ હજાર કરોડ વસૂલવા માટે બ્રિટનની કોર્ટમાં કેસ કરાયો હતો, જેમાં માલ્યાનો પરાજય થયો છે. કોર્ટે ભારતીય બેન્કોને માલ્યા પાસેથી બાકી રકમ વસૂલવા માટે પરવાનગી આપી હતી. ઉલ્લેખનીય છે કેભારતે તો ઘણા સમય પહેલાં જ માલ્યાને ભાગેડુ જાહેર કર્યો હતો.
માલ્યાની સમગ્ર વિશ્વમાં આવેલી સંપત્તિ જપ્ત કરવા પણ કોર્ટે છૂટ આપી છે. માલ્યા પર કિંગફિશર એરલાઇન્સ માટે બેન્કો પાસેથી લીધેલી રૂ. ૯,૪૦૦ કરોડની લોન જાણીજોઈને નહીં ચૂકવવાનો આરોપ છે. જજ હેન્શોએ મંગળવારે માલ્યાની સંપત્તિ ફ્રીઝ કરવાના આદેશને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. પોતાના ચુકાદા સામે ઊપલી કોર્ટમાં અપીલ કરવા પણ હેન્શોએ માલ્યાને છૂટ આપી ન હતી. આમ માલ્યાએ હવે સીધી કોર્ટ ઓફ અપીલમાં જ અરજી કરવી પડશે.


comments powered by Disqus