૧લી મેએ ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૮ વર્ષ, ભારતની આઝાદીનાં ૭૦ વર્ષની અને આપના લોકપ્રિય સાપ્તાહિક "ગુજરાત સમાચાર" તથા Asian Voiceની સ્થાપનાને ૫ મે, શનિવારે ૪૬ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે હેરોના સનક્રોફ્ટ રોડ પર આવેલ સંગત એડવાઇઝ સેન્ટર ખાતે ઉજવણી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપણા સમાજના કેટલાક અગ્રગણ્યોએ ગુજરાત રાજ્યની સ્થાપનાને યાદ કરી, યુ.કે.માં લોકહિત અંગેના પ્રશ્નો અને આવશ્યક હક્કો માટે સદાય અગ્રેસર રહેતા સાપ્તાહિકો "ગુજરાત સમાચાર- એશિયન વોઇસ"ની મુક્તમને પ્રસંશા કરી હતી. સાથે સાથે 'ગુજરાત સમાચાર'ની સિધ્ધિદાયક વિકાસયાત્રામાં સહભાગી થયેલ સદસ્યોએ પોતાના સ્વાનુભવોનું ભાથું રજૂ કર્યું હતું.
કાર્યક્રમનું સંચાલન કરતાં "ગુજરાત સમાચાર"ના મેનજીંગ એડિટર કોકિલા પટેલે સૌનું અભિવાદન કરતાં જણાવ્યું કે, “અમેરિકામાં પારીવારિક શુભપ્રસંગ હોવાથી આ સાપ્તાહિકોના સ્વપ્નદ્રષ્ટા, પ્રકાશક-તંત્રીશ્રી સી.બી. પટેલ ઉપસ્થિત રહી શક્યા નથી પરંતુ તેઓશ્રીની ગેરહાજરીમાં પણ આપ સૌએ હાજરી આપી આ સાપ્તાહિકોની મહત્તા-વિશેષતાને માન આપ્યું છે એ બદલ સૌનો સહર્ષ હાર્દિક આભાર. 'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ'ની વિકાસગાથાના ૩૪ વર્ષના સાક્ષી રહેલા કોકિલા પટેલે 'ગુજરાત સમાચાર'નો સંઘર્ષમય પણ સિધ્ધિદાયક ઇતિહાસ રજૂ કર્યો. “સંગત" એડવાઇસ સેન્ટરના ચેરમેન કાન્તિભાઇ નાગડાએ ૧૯૭૨માં 'ગુજરાત સમાચાર'ની સ્થાપના કયારે , કેવી રીતે થઇ અને ૧૯૭૫માં ચીઝીક ખાતે તંત્રીશ્રી સી.બી પટેલ સાથે કેવી રીતે પરિચય થયો એની વિગતો રજૂ કરી આ બન્ને સાપ્તાહિકોની સમાજ પ્રત્યેની જાગૃતતા અને મુંઝવતા પ્રશ્નો માટે આ સાપ્તાહિકોએ અને સી.બી. પટેલે સમાજના છડીદાર બની કેવી ફરજ અદા કરી છે એ વિષે જણાવ્યું. વધુમાં તેમણે ગુજરાત સમાચાર- એશિયન વોઇસે ઇમિગ્રેશન બાબતે ઇનોક પોવેલને આપેલા સણસણતા જવાબ અંગે, એડન, હોંગકોંગના ગુજરાતીઓના પ્રશ્નો અને હક્કો બાબત, ઇન્ડિયાની વીસા ફી બાબત, હરે કૃષ્ણ મંદિરના બારણાં બંધ કરવાના સરકારી નિર્ણય સામેની અડગ ઝુંબેશ અંગે તેમજ લંડન-અમદાવાદની એરઇન્ડિયાની ડાયરેક્ટ ફલાઇટ માટે સપ્તાહો સુધી પાના ભરીને પીટીશનો કરી સુખદ પરિણામ મેળવી આ અખબારોએ લોકહિતના ઘણા કાર્યો કર્યાં છે એ માટે તંત્રીશ્રી સી.બી.પટેલ ધન્યવાદને પાત્ર છે. એશિયન બીઝનેસ પબ્લીકેશન ગૃપે જ્ઞાનયજ્ઞ સાથે "કર્મયોગા ફાઉન્ડેશન" દ્વારા સેવાયજ્ઞ આદર્યો છે જેના થકી માતબર દાન આપી દેશવિદેશમાં સેવાલક્ષી કાર્યો થાય છે એમ કાન્તિભાઇએ જણાવ્યું.
બ્રેન્ટના મેયર કાઉન્સિલર ભગવાનજીભાઇ ચૌહાણે ૩૯ દુકાનોની માલિકી ધરાવનાર સી.બી. પટેલે મૃત:પ્રાય થઇ ગયેલા "ગુજરાત સમાચાર"ની બાગડોર સંભાળી પત્રકારત્વક્ષેત્રે નવી કેડી કંડારી છે. અખબાર એ કમાવવા માટેનું સાધન નહિ ગણતાં લોકસેવાને વરેલાં આ સાપ્તાહિકો બ્રિટનના ગુજરાતી-ભારતીય સમાજ માટે દીવાદાંડી રૂપ છે. આ અખબારોએ કોમ, દેશ અને ધર્મ કાજે અડગ રહીને જે પ્રસંશનીય કાર્યો કર્યાં છે એ આપણા સમાજે કદી ભૂલવું ના જોઇએ. મેયરશ્રીએ એના સૂત્રધાર સી.બી.પટેલેને શુભેચ્છા પાઠવી હતી.”
ગુજરાત સમાચારના કન્સલ્ટંટ એડિટર જયોત્સનાબેન શાહે આ જ્ઞાનયજ્ઞ સેવાયજ્ઞમાં પત્રકાર તરીકે કયારે અને કેવી રીતે જોડાયાં એની યાદો તાજી કરી 'ગુજરાત સમાચાર- એશિયન વોઇસ'માં કર્મચારી તરીકે નહિ પરંતુ એક પારિવારીક સભ્ય તરીકે સી.બી અને એમના પરિવારજનોનો આદરભાવ મેળવ્યો હોવાનું જણાવ્યું. “ગુજરાત સમાચાર"ના ચીફ એકઝીકયુટીવ ઓફિસર લીજી જ્યોર્જે સૌનું અભિવાદન કરી આ બન્ને સાપ્તાહિકો નિત નવા નવા થીમ સાથે કલરફૂલ મેગેઝીન પ્રસિધ્ધ કરે છે, ઉપરાંત દર વર્ષે ચેરિટી એવોર્ડઝ, પોલીટીકલ-પબ્લીક લાઇફ એવોર્ડઝ, શાનદાર એશિયન એચીવર્સ એવોર્ડઝ અને આનંદ મેળા સહિત અનેક જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરે છે. ગુજરાત સમાચારના જ્ઞાનયજ્ઞ સેવાયજ્ઞમાં વર્ષો સુધી જોડાઇને પ્રસંશનીય ફરજ અદા કરનાર ભાનુભાઇ પંડ્યાએ એમની રમૂજી શૈલીમાં બુધવાર મોડી રાત સુધી અને દિપોત્સવી અંક વખતે કેવી રીતે સૌ સભ્યો કષ્ટદાયક પળોમાં પણ હળવાશભર્યા વાતાવરણ વચ્ચે કામ કરતા એની યાદો તાજી કરી. ગુજરાત સમાચારના ન્યુઝ એડિટર કમલ રાવે સુરતથી અહીં ફરવા આવ્યા અને સી.બી. સાથેની મુલાકાતે એમણે તંત્રીમંડળમાં જોડીને ગુજરાત સમાચાર-લંડનના દીર્ઘકાળના સહપ્રવાસી બનાવી દીધા એનું વર્ણન કરી ભારતના પત્રકારત્વ, એના તંત્રીઓ કરતાં સી.બી.પટેલ અને એમના પરિવારની સહ્દયતાની સરાહના કરી.
નેશનલ કોંગ્રેસ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (NCGO)ના પ્રમુખ પ્રવિણભાઇ અમીને પણ ૧લી મેએ ગુજરાત રાજ્યની સ્થાપનાને યાદ કરી ગુજરાત સમાચાર-એશિયન વોઇસ અને સી.બી. પટેલ સાથે તેમનો વર્ષો જૂનો નાતો છે. નેશનલ પાટીદાર એસોસિએશનની સ્થાપના થઇ ત્યારે સી.બી. સાથે તેઓ પરિચિત છે. NCGOનાં સેક્રેટરી અનિતા રૂપારેલીયાએ એમના સાંઇ સત્સંગ મંડળ તરફથી ગણેશજીની ભેટ આપી આ બન્ને સાપ્તાહિકો અને સી.બી.એ સમાજના હિતોને લક્ષ્યમાં રાખી જે કાર્ય કર્યું છે એની સરાહના કરી, ટ્રાવેલ પેકના ચેરમેન-ડિરેકટર અશોકભાઇ પટેલે પણ આ બન્ને સાપ્તાહિકોની વિકાસયાત્રાના સાક્ષી બન્યા હોવાનું જણાવી સી.બી.ની વાંચકો પ્રત્યેની સહ્દયતાની પ્રસંશા કરી હતી. NCGOના પૂર્વ પ્રમુખ લાલુભાઇ પારેખ, ટ્રસ્ટી જીતુભાઇ પટેલે સી.બી.ના નેતૃત્વની સરાહના કરી હતી. મહેન્દ્રસિંહ જાડેજાએ પણ શુભકામના પાઠવી હતી. નવનાત વણિક એસોસિએશનના પ્રમુખ ધીરૂભાઇ ગલાણીએ પણ "ગુજરાત સમાચાર"ના ૪૬મા સ્થાપના દિને સમગ્ર વણિક સમાજ વતી શુધ્ધ ગુજરાતી ભાષામાં સુંદર શબ્દોમાં શુભેચ્છા પાઠવી હતી.

