આર્ચબિશપે પત્ર પાઠવીને કહ્યુંઃ ૨૦૧૯માં નવી સરકાર માટે પ્રાર્થના કરો!

Wednesday 30th May 2018 06:43 EDT
 
 

નવી દિલ્હીઃ દિલ્હીના આર્ચબિશપ અનિલ કોઉટોના પત્રે દેશભરમાં વિવાદનો વંટોળ સર્જયો છે. આર્ચબિશપે દિલ્હીના બધા જ ચર્ચોના પાદરીઓને પત્ર લખીને જણાવ્યું છે કે દેશમાં ધર્મનિરપેક્ષતા જોખમમાં છે અને રાજકીય વાતાવરણ અશાંત છે. એવામાં આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીઓમાં નવી સરકાર માટે પ્રાર્થના કરો.
પત્ર જાહેર થતાં જ ભાજપ અને સંઘ પરિવારના નેતાઓએ આ અંગે આકરો વિરોધ કર્યો છે. ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કહ્યુંઃ મેં પત્ર વાંચ્યો નથી, પરંતુ હું જણાવવા માગું છું કે દેશમાં બધા લઘુમતીઓ સલામત છે. આ એકમાત્ર એવો દેશ છે, જ્યાં ધર્મના નામે ભેદભાવ નથી થતો.
આ સિવાય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી, ગિરિરાજ સિંહ સહિત અનેક ભાજપ નેતાઓએ પત્રને જાતિઓ અને સમાજોને ભડકાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.
બીજી બાજુ, આર્ચબિશપના સચિવ ફાધર રોબિન્સને ખુલાસો કર્યો છે કે ‘આ પત્ર સરકાર વિરુદ્ધ નથી. આ પ્રકારના પત્ર પહેલા પણ લખાઈ ચૂક્યા છે. કેટલાક લોકો દ્વારા આ મુદ્દાને રાજકીય રંગ અપાઈ રહ્યો છે.’
અશાંત વાતાવરણના સાક્ષી
આર્ચબિશપ કોઉટોએ આ વિવાદાસ્પદ પત્રમાં એવું જણાવ્યું છે કે આપણે અશાંત રાજકીય વાતાવરણના સાક્ષી છીએ. આ સમયે દેશનું જે રાજકીય વાતાવરણ છે, તેનાથી લોકતાંત્રિક સિદ્ધાંતો અને દેશની ધર્મનિરપેક્ષ ઓળખ માટે જોખમ પેદા થઈ ગયું છે. રાજનેતાઓ માટે પ્રાર્થના કરવી આપણી પવિત્ર પરંપરા રહી છે. લોકસભા ચૂંટણી નજીક છે, જેના કારણે આ વધુ મહત્વપૂર્ણ થઈ જાય છે. ૨૦૧૯માં નવી સરકાર બનશે. એવામાં આપણે ૧૩ મેથી પોતાના દેશ માટે પ્રાર્થના કરવાની જરૂર છે. તેથી આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીઓ માટે પ્રાર્થના કરવાની સાથે દર શુક્રવારે એક દિવસ ભોજન ન કરો, જેથી દેશમાં શાંતિ, લોકતંત્ર, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારો જળવાઈ રહે. ૧૩ મેના રોજ મધર મરિયમે દર્શન આપ્યા હતા, તેથી આ મહિનો ખ્રિસ્તી ધર્મ માટે વિશેષ મહત્વ રાખે છે. આર્ચબિશપે આ પત્રને ચર્ચમાં યોજાનારી પ્રાર્થના સભામાં વાંચવાની પણ અપીલ કરી છે, જેનાથી લોકો સુધી આ વાત પહોંચાડી શકાય.
ભાજપ-સંઘના નેતાઓ ભડક્યા
આર્ચબિશપ અનિલ કોઉટોએ બધા ચર્ચોને લખેલો પત્ર સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. ભાજપ અને સંઘના નેતાઓએ આ અંગે આકરો વિરોધ વ્યક્ત કરતા તેને જાતિઓને ભડકાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું છે કે વાતાવરણ જ એવું છે.
સંઘના અગ્રણી રાકેશ સિંહાએ કહ્યું હતું કે આ ભારતીય લોકતંત્ર અને ધર્મનિરપેક્ષતા પર હુમલો છે. તે ભારતીય ચૂંટણી પ્રક્રિયામાં વેટિકનનો સીધો હસ્તક્ષેપ છે, કારણ કે આર્ચબિશપની નિમણૂક સીધા પોપ કરે છે. બિશપની નિષ્ઠા સીધી રીતે પોપ પ્રત્યે હોય છે, ભારત સરકાર પ્રત્યે નહીં.
લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે વડા પ્રધાન દેશમાંથી જાતિ-ધર્મના બંધનો ખતમ કરવામાં લાગેલા છે. તે 'સબ કા સાથ, સબકા વિકાસ'માં વિશ્વાસ રાખે છે. આર્ચબિશપ સકારાત્મક વિચાર રાખે.
ભૂતપૂર્વ કાઉન્સિલર ચાવડાનો પોપને પત્ર
આર્ચબિશપ કોઉટોના પત્ર અંગે આક્રોશ વ્યક્ત કરતા બ્રિટનના ભૂતપૂર્વ કાઉન્સિલર ચુનીભાઇ ચાવડાએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે તેઓ ભારતમાં રાજકીય અસ્થિરતા અને બિનસાંપ્રદાયિક્તા પર જોખમ હોવાની વાતો કરી રહ્યા છે, પરંતુ શું તેમની પાસે આ વાતના કોઇ પુરાવા છે?
ચુનીભાઇ ચાવડાએ કોઉટોના આ વાંધાજનક નિવેદન અંગે કેથોલિક સંપ્રદાયના વડા પોપને પણ પત્ર પાઠવીને રજૂઆત કરી છે. આની સાથોસાથ ચુનીભાઇએ હિન્દુ સંગઠનો અને સમુદાયના લોકોને પણ પોપને પત્ર પાઠવીને કોઉટોના નિવેદન સામે વિરોધ નોંધાવવા રજૂઆત કરી છે.
કોઉટોના પત્ર પરથી જણાય છે કે તેમને એ વાતની જાણ જ નથી કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે એટલું જ નહીં, તે સૌથી મોટો બિનસાંપ્રદાયિક દેશ પણ છે. તેઓ આવા નિવેદન થકી હિન્દુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે અંતર વધારવા પ્રયાસ કરી રહ્યા છે.


comments powered by Disqus