બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ રાજકોટ ખાતે વિચરણ કરી રહ્યા છે. તે દરમિયાન પૂ. મહંતસ્વામી દરરોજ હરિભક્તોને દર્શન તથા સત્સંગનો લાભ આપી રહ્યા છે. તા.૨૭મેને રવિવારે પૂ. મહંત સ્વામીના સાનિધ્યમાં રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ યોજાયો હતો. તેમાં અપૂર્વમુનિદાસ સ્વામીએ ‘દુઃખનો દેહાંત, સુખનો સૂર્યોદય’ વિષય પર પ્રેરક પ્રવચન આપ્યું હતું. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં માનવ ઉત્કર્ષના પંથે પ્રેરણા પૂરી પાડતા સંવાદો, નૃત્યો, વીડિયો શો, પથદર્શક પ્રવચનો રજૂ થયા હતા. આ પ્રસંગે પૂ. પ્રમુખ સ્વામીના જીવન પર વિશેષ સંવાદો તથા પ્રસ્તુતિની રજૂઆત ૪૦૦ જેટલા બાળકો, યુવાનો અને વડીલો દ્વારા પરેડના સ્વરૂપે કરવામાં આવી હતી. પૂ. પ્રમુખ સ્વામીએ રાત દિવસ માનવઉત્કર્ષ માટે જીવન વિતાવ્યું છે. બધાનું કલ્યાણ થાય, ભલું થાય એ જ પૂ. પ્રમુખ સ્વામીની શુદ્ધ ભાવના હતી તેમ જણાવીને પૂ. મહંત સ્વામીએ ઉપસ્થિત તમામ હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમણે સૌને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપી હતી. અંતમાં, મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો તથા સંતોએ સમૂહ આરતીનો લાભ લીધો હતો. પૂ. મહંત સ્વામી રવિવાર તા. ૩ જૂને વિચરણ માટે રાજકોટથી લીંબડી જશે.

