કટક (ઓડિશા)ઃ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે ૨૬ મેના રોજ કેન્દ્રમાં સત્તાના સૂત્રો સંભાળ્યાના ચાર વર્ષ પૂરા કર્યા તે પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ અને રિપોર્ટ કાર્ડ પ્રજા સમક્ષ રજૂ કર્યા હતા. ‘અમે જનપથથી નહીં, પણ જનમતથી સરકાર ચલાવીએ છીએ,’ આમ કહીને વડા પ્રધાને ઉમેર્યું હતું કે ‘અમારી સરકાર કન્ફ્યૂઝનવાળી નહીં, પણ કમિટમેન્ટવાળી સરકાર છે. અમે કડક નિર્ણયો લેતા ડરતા નથી અને મોટા નિર્ણયો લેવાનું ચૂકતા નથી. સરકાર દ્વારા ચાર વર્ષમાં જનધન યોજના, આધાર અને મોબાઈલ દ્વારા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરીને ૮૦ હજાર કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચાવ્યા છે.’
આ દિવસે તેમણે ઓડિશાના કટકમાં તેમણે જંગી રેલીને સંબોધન કર્યું હતું. તેમજ ટ્વિટર પર ૩.૧૫ મિનિટનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમની સરકારની સિદ્ધિઓ વર્ણવામાં આવી હતી. ‘સાફ નિયત, સહી વિકાસ’નું સૂત્ર પણ તેમણે લોકોને આપ્યું હતું.
મોદીએ કહ્યું કે, પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં સર્જિકલ સ્ટ્રાઈક અને વન રેન્ક વન પેન્શન એ સરકારની કટિબદ્ધતાનું પ્રતીક છે. ૩૦ વર્ષ પછી દેશમાં પૂર્ણ બહુમતીની સરકાર સત્તા પર આવી છે. દેશનો વિકાસ એ સરકારનો મંત્ર છે. વિશ્વમાં ભારતની ખ્યાતિ વધી છે અને લોકો હવે માનની દૃષ્ટિએ જુએ છે. અમારી સરકાર રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરે છે. ઓડિશામાં ૮ સિંચાઈ યોજનાઓ માટે કેન્દ્ર સરકાર રૂ. ૮૦,૦૦૦ કરોડનો ખર્ચ કરી રહી છે.
કટ્ટર દુશ્મનો દોસ્ત બન્યા
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકાર કન્ફ્યૂઝનવાળી નહીં પણ કમિટમેન્ટવાળી સરકાર છે. દેશની રાજકોષીય ખાધ ઘટાડવાનું શક્ય બને ત્યારે જ કમિટમેન્ટવાળી સરકાર ચાલી શકે છે. કરપ્શન સામે એક્શનથી તથા બ્લેક મની સામેની અમારી ઝુંબેશને કારણે કટ્ટર દુશ્મનો પણ દોસ્ત બની ગયા છે. ૪૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમની બેનામી આવક અને સંપત્તિ બહાર આવી છે જેમાંથી ૪ પૂર્વ મુખ્ય પ્રધાનો જેલમાં છે. કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ વખતે વિપક્ષી એકતા પરિવાર બચાવવા માટેની હતી, દેશનાં કલ્યાણ કે વિકાસ માટેની નહીં તેવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો.
ગરીબોનો પરસેવો ગંગાજળ જેવો
વીતેલા ચાર વર્ષમાં સ્થિતિ બદલાઈ છે. દેશ આજે નિરાશાથી આશા તરફ આગેકૂચ કરી રહ્યો છે. કુશાસનથી સુશાસન તરફ દેશ જઈ રહ્યો છે અને કાળા ધનથી જનધન તરફ ઝડપથી કૂચ કરી રહ્યો છે. દેશની તમામ દિશાઓમાં તમામ ક્ષેત્રે સરકાર સબ કા સાથ, સબ કા વિકાસને ધ્યાનમાં લઈને કામ કરી રહી છે. એનડીએ સરકાર માટે ગરીબોનો પરસેવો ગંગા, યમુના અને નર્મદાનાં પવિત્ર જળ જેવો છે.
અમે ત્રણેય ગરીબ
મોદીએ કહ્યું કે આ સરકારમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન ત્રણેય ગરીબ પરિવારમાંથી આવે છે. અમે ગરીબીનો સામનો કરીને ઉપર આવ્યા છીએ. આથી ગરીબોનું કલ્યાણ એ અમારી પ્રતિબદ્ધતા છે. અમે બાળપણથી એવી રીતે પ્રગતિ કરી છે કે ચાંદીની ચમચી પણ જોવા મળી નથી.
ન અચ્છે દિન ન સચ્ચે દિનઃ કપિલ સિબ્બલ
ભુવનેશ્વર: વડા પ્રધાન મોદીનાં ‘નામદાર’વાળા નિવેદન પર નિશાન સાધતા કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ૨૬ મેના રોજ કહ્યું હતું કે, દેશનાં બધા લોકો ઇચ્છે કે આગામી વડા પ્રધાન કામદાર, જવાબદાર અને ઇમાનદાર હોય. જેને ખોટા વચનો આપવાની આદત ન હોય. સિબ્બલે અહીં પત્રકારોને જણાવ્યું કે, દેશનાં લોકો ઇચ્છે છે કે આગામી વડા પ્રધાન માત્ર કામદાર હોય, પરંતુ જવાબદાર, ઇમાનદાર પણ હોય અને ખોટા વચનો આપનારો તો જરા પણ ન હોય.
વડા પ્રધાન મોદીનાં અચ્છે દિનનાં નારા અંગે નિશાન સાધતા સિબ્બલે કહ્યું કે, ચાર વર્ષ પછી પણ ન અચ્છે દિન આવ્યા કે ન સચ્ચે દિન આવ્યા. તેમણે નવું સૂત્ર આપતા કહ્યું કે, ન અચ્છે દિન, ન સચ્ચે દિન, મોદીજી હમ આગે બઢેંગે તેરે બિન.
કેન્દ્રની મોદી સરકારનાં ચાર વર્ષ પુર્ણ થવા પ્રસંગે પાર્ટી કાર્યકર્તાઓએ ભુવનેશ્વર સહિત ઓડિશાનાં ઘણા જિલ્લાઓમાં પ્રદર્શન કર્યું હતું. ભુવનેશ્વરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ વડા પ્રધાન મોદીનું પુતળું પણ બાળ્યું હતું.

