અમદાવાદઃ ગુજરાતી ભાષાના હાસ્યસમ્રાટ વિનોદ ભટ્ટનું લાંબી બીમારી પછી સારવાર દરમિયાન ૨૩મી મેએ અમદાવાદમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. વિનોદ ભટ્ટની તબિયત છેલ્લાં ત્રણેક મહિનાથી નાદુરસ્ત હતી. કિડનીની બીમારી સામે સતત હસતા ઝઝૂમતા વિનોદભાઈને થોડા સમય અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની ઘરે જ તેમની સારવાર ચાલતી હતી. ૨૩મી મેએ તેમની સ્થિતિ ખરાબ થઈ હતી અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સમગ્ર જીવન દરમિયાન પોતાની કલમથી સૌને હસાવનારા વિનોદ ભટ્ટે દેહદાન કર્યું છે. તેમની અંતિમવિધિ બ્યુગલ અને ઢોલના નાદ સાથે થઈ હતી.
ઢોલ નગારા સાથે વિદાય
વિનોદ ભટ્ટની અંતિમયાત્રામાં બ્યુગલ અને ઢોલ નગારાં વગાડાયાં હતાં. વિદાય પણ આનંદ સાથે રહેવી જોઈએ તેવી ફિલોસોફીમાં માનનારા લેખકની વિનોદવૃત્તિ અંતિમ સમય સુધી જાગ્રત રહી હતી. અંતિમ યાત્રામાં લેખકો રઘુવીર ચૌધરી, રજનીકુમાર પંડ્યા, ભાગ્યેશ જ્હા, તુષાર શુક્લ, રાજેન્દ્ર પટેલ, વિષ્ણુ પંડ્યા, હર્ષ બ્રહ્મભટ્ટ, પૂર્વ મેયર આસિત વોરા સહિતના લોકો હાજર રહ્યા હતાં.
ગુજરાતી ભાષામાં હાસ્ય લેખન માટે જ્યોતિન્દ્ર દવે બાદ ચર્ચામાં રહેનારા વિનોદ ભટ્ટના સાહિત્ય ક્ષેત્રે યોગદાનને ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે. તેમની રચનાઓમાં પહેલું સુખ તે મૂગી નાર, આજની લાત, વિનોદવિમર્શ, ભૂલચૂક લેવી-દેવી જેવી કૃતિઓનો સમાવેશ છે. વિનોદભટ્ટને ૧૯૭૬માં કુમાર ચંદ્રક, ૧૯૮૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૨૦૧૬માં રમણભાઈ નીલકંઠ પુરસ્કાર અને જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા. તેમની આત્મકથા ‘એવા રે અમે એવા’ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. ‘પ્રભુને ગમ્યું તે ખરું’, ‘અમદાવાદ એટલે અમદાવાદ’ અને ‘નરો વા કુંજરો વા’ સહિતનાં ૪૫થી વધુ પુસ્તકો તેમણે લખ્યાં હતા.
તેમની લાંબી માંદગી દરમિયાન અનેક સાહિત્યકારોએ એમની મુલાકાત લીધી હતી. ૨૨મી મેએ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ વિનોદ ભટ્ટ સાથે અડધો કલાક જેટલો સમય ગાળ્યો હતો. આ દરમિયાન વિનોદ ભટ્ટ બોલી શકતા ન હતા. ઉપરાંત અંગતિ મિત્રો એવા હાસ્યલેખક રતિલાલ બોરીસાગર અને કવિ ભાગ્યેશ ઝાએ પણ વિનોદ ભટ્ટ સાથે સમય ગાળ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિનોદભટ્ટના નિધન અંગે ટ્વિટ કરીને પરિવારને દુખના સમયે સાંત્વના પાઠવી હતી.

