લંડનઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના એપ્રિલ મહિનામાં યુકેની મુલાકાત લેશે. લંડન અને વિન્ડસરમાં આયોજિત કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ (CHOGM) બેઠક સમયે હાજરી આપવા ૧૬ એપ્રિલના સપ્તાહની આસપાસ તેઓ યુકે આવશે તેને ભારતીય પ્રધાનો સુરેશ પ્રભુ અને કિરણ રિજિજુએ સમર્થન આપ્યું હતું.
વડા પ્રધાન મોદી ગેરકાયદે ઈમિગ્રેશન અને આંતરરાષ્ટ્રીય અપરાધીઓ વિશેના રેકોર્ડ્સની આપ-લે કરવાના સમજૂતીપત્રો પર હસ્તાક્ષર પણ કરશે.
નરેન્દ્ર મોદી છેલ્લે તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરનના આમંત્રણના પગલે નવેમ્બર ૨૦૧૫માં યુકેની મુલાકાતે આવ્યા હતા. તેમણે વેમ્બલી સ્ટેડિયમમાં ૪૦,૦૦૦થી વધુ લોકોની મેદનીને સંબોધી હતી. પ્રિન્સ ચાર્લ્સે નવેમ્બર ૨૦૧૭માં ભારતની મુલાકાત લીધી હતી અને ભારતીય વડા પ્રધાન સાથે ચોગમ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને તેમને એપ્રિલ ૨૦૧૮માં ચોગમની શિખરમાં હાજરી આપવા આમંત્રિત કર્યા હતા.
નમોની ગત યુકે મુલાકાત પછી વડા પ્રધાન થેરેસા મેએ ૨૦૧૬માં ભારતની મુલાકાત લીધી હતી અને વિઝા તેમજ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ સહિતના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત દરમિયાન આવી બાબતો પર ચર્ચા થાય તે શક્ય છે. યુકે યુરોપિયન યુનિયનને છોડી રહ્યું છે ત્યારે ભારત અને યુકે વેપાર અને વાણિજ્યની બાબતોમાં એકબીજા સાથે નવા સંબંધો સ્થાપવા તરફ આગળ વધશે.
કોમનવેલ્થ બાવન દેશનો સમુદાય છે, જેઓ સાથે મળીને સમૃદ્ધિ, લોકશાહી અને શાંતિને ઉત્તેજન આપવા માટે કાર્ય કરે છે. યુકે ૧૬ એપ્રિલ ૨૦૧૮થી આરંભ થનારી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટિંગ (CHOGM)નું યજમાનપદ સંભાળશે. રાષ્ટ્રસમૂહના સભ્ય દેશોના નેતાઓ બેઠક માટે લંડન અને વિન્ડસરમાં એકત્ર થવાની ધારણા છે. તેઓ આપણા સમાન મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી આપણી સમક્ષના વૈશ્વિક પડકારોના ઉપાય કરવા સાથે આપણા તમામ નાગરિકો અને વિશેષતઃ યુવાન લોકો માટે બહેતર ભવિષ્ય માટે કેવી રીતે કાર્ય કરવું તે બાબતે સંમતિ સાધશે.
વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પ્રભુ અને ગૃહ રાજ્ય પ્રધાન રિજિજુએ ૧૧થી ૧૪ જાન્યુઆરી દરમિયાન યુકેની મુલાકાત લીધી હતી. સુરેશ પ્રભુએ દ્વિપક્ષી અને ટ્રેડ ઈન્વેસ્ટમેન્ટ વાતચીતો ઉપરાંત, જોઈન્ટ ઈકોનોમિક એન્ડ ટ્રેડ કમિટી (JETCO)ની ૧૨મી વાર્ષિક બેઠકમાં હાજરી આપી હતી. તેમણે ભારતીય હાઈ કમિશનમાં કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીઝ, યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠકો યોજી હતી. તેઓ યુકેના ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી ડો. લિઆમ ફોક્સને પણ મળ્યા હતા અને બે દેશો વચ્ચે વેપાર અને રોકાણના અવરોધો દૂર કરવા વ્યાપક સહકારની વાત કરી હતી. યુકે બિઝનેસીસ ભારત સાથે વેપાર કરી શકે તે માટે યુકે એક્સપોર્ટ ફાઈનાન્સ એજન્સી દ્વારા વધુ નાણાકીય ટેકાની જાહેરાત કરાઈ છે.
ફિક્કી અને ભારતીય હાઈ કમિશન દ્વારા લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે ભારતીય ડાયસ્પોરા માટે મેળાવડાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રભુ અને રિજિજુ હાજર રહ્યા હતા.

