પૈસો મારો પરમેશ્વર

નાણાં અને પ્રોપર્ટી માટે ડાઇવોર્સનું પ્રમાણ વધી રહ્યું છે

Wednesday 17th January 2018 05:57 EST
 
 

લંડનઃ બ્રિટનમાં ડાઈવોર્સના પ્રમાણમાં તીવ્ર ઊછાળો નોંધાયો છે. છૂટાછેડાની કોઇ પણ ઘટનાના મૂળમાં દંપતીઓ વચ્ચેના મતભેદ કે મનભેદ મુખ્ય કારણ બનતા હોય છે, પરંતુ અહીં વાત અલગ છે. છૂટાછેડાના કેસમાં નાણાં અને પ્રોપર્ટી પણ ભૂમિકા ભજવી રહ્યા છે.
વકીલોના કહેવા અનુસાર છેલ્લા કેટલાક સમયથી લગ્ન પૂર્વે ભાવિ પતિ-પત્ની વચ્ચે કરારનું પ્રમાણ વધી ગયું છે, જેમાં ‘વફાદારીની શરતો’ પણ સામેલ કરવામાં આવે છે. પરિણામે જીવનસાથીઓ વધુ નાણાં અથવા પ્રોપર્ટી લઈને લગ્નનાં બંધનમાંથી છૂટાં થવાનું પસંદ કરે છે.
અભ્યાસ અનુસાર પત્નીઓ ડાઈવોર્સ લેતાં અગાઉ લગભગ પાંચ વર્ષનો પેનલ્ટી પીરિયડ પૂરો થાય તેની રાહ જુએ છે. જ્યારે નાખુશ પતિઓ આ સમયગાળા અગાઉ જ છૂટાં થવાનું પસંદ કરે છે જેથી છૂટાછેડા લઇ રહેલા સાથીદારને વધુ નાણાં આપવા પડે નહિ. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૦૩થી ૨૦૧૫ના ગાળામાં ડાઈવોર્સનું પ્રમાણ ઘટવાનું વલણ હતું, પરંતુ ૨૦૧૬માં સંખ્યા ૭,૦૦૦ના વધારા સાથે ૧૦૬,૯૫૯એ પહોંચી હતી.
પ્રિ-ન્યુપીટલ અથવા પ્રીનપ એગ્રીમેન્ટમાં વફાદારીની એવી જોગવાઇ રાખવામાં આવે છે કે પતિ અને પત્ની ચોક્કસ સમય - જે સામાન્યપણે પાંચ વર્ષનો હોય છે - સાથે રહે અને પછી અલગ થાય તો પત્નીને દંપતીની સંપત્તિમાં વધુ હિસ્સો મળે. હોલ બ્રાઉન ફેમિલી લો ફર્મના વિશ્લેષણ મુજબ, આ જોગવાઇના કારણોસર લગ્નથી અસંતુષ્ટ પત્નીઓ તેમના ધનવાન પતિઓ પાસે ડાઈવોર્સ માગતા અગાઉ પાંચ વર્ષનો પેનલ્ટી પિરિયડ પૂરો થતાં સુધી રાહ જોવાનું પસંદ કરે છે. બીજી તરફ, નાખુશ પતિઓ કોર્ટ દ્વારા સંપત્તિનું વિભાજન થાય તે સમયે પોતાની પ્રોપર્ટીનું રક્ષણ કરવા અને અલગ થઇ રહેલી પત્નીને સંપતિમાં વધુ ભાગ આપવો ન પડે તે માટે પાંચ વર્ષ અગાઉ જ ડાઈવોર્સ પ્રક્રિયા આરંભે છે.
આમ તો, લગ્નકરારમાં વફાદારીની શરતો બંને સાથીને યોગ્ય ન્યાય મળી રહે તે માટે સામેલ કરવામાં આવે છે, પરંતુ તેનો દુરુપયોગ થવાનું પ્રમાણ વધી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૦માં જર્મન વારસદાર પત્ની કેટરિન રેડમેકરના કેસમાં આપેલા ચુકાદા સાથે બ્રિટિશ કાયદામાં પ્રીનપ એગ્રીમેન્ટનો સમાવેશ કરાયો હતો.
ફાઈનાન્સિયર નિકોલસ ગ્રેનાટિનોથી ડાઈવોર્સના કેસમાં મિસ રેડમેકરની ૧૦૦ મિલિયન પાઉન્ડની સંપત્તિનું રક્ષણ કરવા માટેના પ્રીનપ કરારને ધ્યાનમાં લેવાયો હતો. આ પછી આ કરારનું પ્રમાણ વધી ગયું છે.


comments powered by Disqus