ભારત-ઇઝરાયલ વચ્ચે નવ કરાર

Wednesday 17th January 2018 05:33 EST
 
 

નવી દિલ્હીઃ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહૂએ યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા બાદ બન્ને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધો વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બન્ને નેતાઓએ સોમવારે હૈદરાબાદ હાઉસમાં મંત્રણા બાદ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારત અને ઇઝરાયલ વચ્ચે ૯ કરાર પર સમજૂતી થઇ છે, જે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવશે.
નેતાન્યાહૂના છ દિવસના ભારત પ્રવાસમાં ગુજરાતની મુલાકાતનો પણ સમાવેશ થાય છે. મોદી અને નેતાન્યાહૂ બુધવારે ગુજરાતની મુલાકાત દરમિયાન બુધવારે અમદાવાદમાં રોડ-શો પણ યોજશે.
ભારત અને ઇઝરાયલ વચ્ચે સોમવારે મંત્રણા બાદ અનેક મહત્ત્વના મુદ્દાઓ પર સંયુક્ત કામગીરી માટે સમજૂતી કરાઇ હતી. જેમાં સાયબર સુરક્ષા, ફિલ્મ નિર્માણ, પેટ્રોલિયમ, ઇન્વેસ્ટ ઇન્ડિયા ઇન્વેસ્ટ ઇઝરાયલ માટે બંને દેશ વચ્ચે કરાર થયાં છે. સૌર ઊર્જા ક્ષેત્રમાં પણ બંને દેશ સાથે મળીને કામ કરશે.
વડા પ્રધાન મોદીએ યહૂદી ભાષામાં કેટલીક પંક્તિઓ બોલીને સંબોધનનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચે સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સંરક્ષણ અને મૂડીરોકાણ અંગે કરારો થયાં છે. હું આશા રાખુ છું કે, આગામી સમયમાં બંને દેશ સાથે મળીને એકબીજાના વિકાસ અને બંને દેશની જનતા માટે કામ કરી શકશે. મોદીએ જણાવ્યું હતું કે, મારા માટે આનંદની વાત છે કે હું નેતાન્યાહૂ અને તેમના પત્નીને મારા ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે લઇ જવાનો છું.
કૃષિ, વિજ્ઞાન અને ટેક્નોલોજી પર ફોકસ
વડા પ્રધાન મોદીએ ઇઝરાયલી વડા પ્રધાન સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠકમાં જણાવ્યું હતું કે, મેં સંરક્ષણ ક્ષેત્રમાં મુક્ત એફડીઆઇ વ્યવસ્થાનો લાભ લઇને ભારતીય કંપનીઓ સાથે મળીને ભારતમાં ઉત્પાદન કરવા ઇઝરાયલી કંપનીઓને આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, બંને દેશો કૃષિ, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં સહકાર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. કૃષિ, વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંરક્ષણ દેશના આધારસ્થંભ છે. અમે કૃષિ ક્ષેત્રે કુશળતામાં સહકાર વધારવા સંમત થયાં છીએ. નોંધનીય છે કે મોદી રવિવારે પ્રોટોકોલ તોડીને નેતાન્યાહૂનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.
બંને દેશો લોકશાહીના જીવંત પુરાવા
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહૂએ સોમવારે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદી ભારતમાં ક્રાંતિ આણનારા નેતા છે. સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતાં નેતાન્યાહૂએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદી તમે એક ક્રાંતિકારી નેતા છો. તમે ભારતમાં ક્રાંતિ લાવ્યા છો અને આ રાષ્ટ્રને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છો. તમારા પ્રયાસોથી ભારત મહત્ત્વની સિદ્ધિઓ હાંસલ કરશે. અન્ય દેશોની જેમ ભારતમાં ક્યારેય યહૂદીઓની સતામણી કરાઇ નથી. આ બાબત જ ભારતની મહાન સંસ્કૃતિ, સહિષ્ણુતા અને લોકશાહીનો પુરાવો છે.
નરેન્દ્રભાઇ, યોગાભ્યાસ માટે તમારું સ્વાગત છે...
મોદી અને નેતાન્યાહૂના લંચ દરમિયાન રાજ કપૂરના જાણીતા ફિલ્મ ‘શ્રી ૪૨૦’નું ‘ઈચક દાના બીચક દાના...’ ગીત ગુંજ્યું હતું. ઇઝરાયલમાં ‘બીબી’ના હુલામણા નામે જાણીતા નેતાન્યાહૂએ મજાક કરતાં જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની વહેલી તકે બોલિવૂડની મુલાકાત લેવા માગીએ છીએ. નરેન્દ્રભાઇ જો તમે મારી સાથે યોગનો અભ્યાસ કરવા માગતા હો તો તમારું સ્વાગત છે.
નવ ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરાર
• સાયબર સિક્યોરિટી • એર ટ્રાન્સપોર્ટ • પેટ્રોલિયમ • ફિલ્મ નિર્માણમાં સહયોગ • સ્પેસ સાયન્સ • બિઝનેસમાં મૂડીરોકાણ • મેટલ-એરબેટરીઝ • હોમિયોપથી સંશોધન  • સોલર થર્મલ ટેક્નોલોજી


comments powered by Disqus