ભારતીય ન્યાયતંત્રમાં ‘સુપ્રીમ’ સંકટ

Wednesday 17th January 2018 05:25 EST
 
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ ગોગોઈ, જસ્ટિસ લોકુર અને જસ્ટિસ જોસેફે પત્રકાર પરિષદ યોજી ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા હતા.
 

નવી દિલ્હીઃ ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં અભૂતપૂર્વ અને આંચકારૂપ ગણાય તેવી એક ઘટનામાં સુપ્રીમ કોર્ટના ચાર જસ્ટિસે પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટિસની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલ ઉઠાવતા એવી લાગણી વ્યક્ત કરી હતી કે ‘દેશની લોકશાહી ખતરા હેઠળ’ છે.
ચીફ જસ્ટિસ પછીના ક્રમે આવતા સિનિયર જસ્ટિસ જે. ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે શનિવાર - ૧૩ જાન્યુઆરીએ એક આશ્ચર્યકારક અને અભૂતપૂર્વ પગલું ભરતાં પાટનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને ચીફ જસ્ટિસ ઓફ ઇંડિયા (સીજેઆઇ) સામે ગંભીર આરોપો મૂક્યા હતા.
તેમણે મીડિયાનો આભાર માનતા કહ્યું હતું કે, ‘કોઈ પણ દેશની કાનૂની વ્યવસ્થામાં આ એક મોટો દિવસ, અભૂતપૂર્વ ઘટના છે, કેમ કે અમારે મીડિયા મારફતે દેશની જનતાને માહિતી પહોંચાડવા માટે મજબૂર થવું પડ્યું છે.
તેમણે કહ્યું હતું કે, ‘અમે પ્રેસ કોન્ફરન્સ એટલા માટે યોજી છે કેમ કે, ભવિષ્યમાં કોઈ અમને એમ ન કહે કે અમે બધાંએ બીજાં લોકોની જેમ અમારો આત્મા વેચી નાંખ્યો છે.’

મતભેદ નિવારવા પ્રયાસ

ન્યાયતંત્રમાં હલચલ મચાવી દેતી આ પત્રકાર પરિષદ બાદ બાર કાઉન્સિલ ઓફ ઇંડિયાના સભ્યો, એટર્ની જનરલ વગેરેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સોમવાર સુધીમાં સમગ્ર મામલો થાળે પડી જ જશે. સોમવારે ચીફ જસ્ટિસ તેમજ તેમની સામે આક્ષેપ કરનાર ચારેય જસ્ટિસે કોર્ટમાં હાજર રહીને કાર્યવાહી તો કરી હતી, પરંતુ આ વિવાદ અંગે મંગળવાર રાત સુધી આ વિવાદ અંગે મગનું નામ મરી પાડ્યું નથી તે નોંધનીય છે.
નેતાઓને આ મુદ્દે રાજનીતિ નહીં રમવા બાર કાઉન્સિલે અપીલ કરી છે. આ ન્યાયતંત્રનો આંતરિક મામલો છે, જેમાં રાજકારણીએ દખલ કરવી જોઈએ નહીં. ન્યાયતંત્રની ગરિમા ખરડાય તેવું કોઈ પગલું ન ભરવા તેમણે તાકીદ કરી હતી. આ અંગે સરકારનું વલણ કાઉન્સિલે બિરદાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારે મતભેદને ન્યાયતંત્રની આંતરિક બાબત ગણાવીને તે મુદ્દે ટિપ્પણી ટાળી છે.

દેશ પ્રત્યે જવાબદારી

જસ્ટિસ ચેલમેશ્વરે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં ઘણું બધું એવું થઈ રહ્યું છે જે સામાન્ય રીતે ન થવું જોઈએ. અમને લાગ્યું કે, અમારી સંસ્થા અને દેશ પ્રત્યે કોઈ જવાબદારી છે. તેમણે દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટને નહીં બચાવવામાં આવે તો દેશની લોકશાહી ખતમ થઈ જશે.
પત્રકાર પરિષદમાં હાજર સુપ્રીમ કોર્ટના અન્ય ત્રણ જજોએ કહ્યું હતું કે, ચીફ જસ્ટિસને સુધારાત્મક કદમો ઉઠાવવા માટે તેમણે ઘણી વાર મનાવવાની કોશિશ કરી હતી, પણ દુર્ભાગ્ય એ છે કે અમે અમારા પ્રયાસમાં નિષ્ફળ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, ચાર મહિના પહેલાં તેમણે આ અંગે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો, પણ તેનો કોઈ જવાબ તેમને મળ્યો નથી.
જસ્ટિસ ચેલમેશ્વરે મીડિયા સામે હાથ જોડીને વિનંતીના સ્વરમાં આ તમામ વાતો કરી હતી. જસ્ટિસ કુરિયન જોસેફ સાથે તેમણે કહ્યું હતું કે, અમે આ લેટર સાર્વજનિક કરી રહ્યા છીએ જેથી અમારી તમામ વાત સ્પષ્ટ થઈ જશે.

૭ પાનાનાં પત્રમાં શું છે?

ચાર જસ્ટિસે ચીફ જસ્ટિસને ૭ પાનાંનો પત્ર લખ્યો હતો, જે તેમણે જાહેર કર્યો હતો. તેમાં લખ્યું છે કે ‘આ (સુપ્રીમ) કોર્ટે કેટલાક એવા ન્યાયિક આદેશ કર્યા છે, જેથી ન્યાયતંત્રની વ્યવસ્થા અને હાઈ કોર્ટની સ્વતંત્રતા પર વિપરીત અસર થઈ છે. આથી આ પત્ર લખવાનું નક્કી કર્યું છે. જજને કામ આપવાની સત્તા ચીફ જસ્ટિસની છે. શિસ્ત જળવાય અને કોર્ટની કાર્યક્ષમતા વધે તે માટે આ સિદ્ધાંત છે. ચીફ જસ્ટિસ અન્ય જજ કરતાં વધારે મોટા છે તે દર્શાવવાનો હેતુ નથી. દેશની ન્યાયપ્રણાલીમાં સ્પષ્ટ છે કે ચીફ જસ્ટિસ એ સુપ્રીમ કોર્ટના અન્ય જજને સમકક્ષ જ છે અને તેમાં તેઓ પ્રથમ છે. અન્ય જજ કરતાં ઊંચા પણ નહીં કે નીચા પણ નથી.' પત્રમાં કહેવાયું છે કે ‘જે કેસની દૂરોગામી અસર પડવાની હોય તેવા કેસ ચીફ જસ્ટિસે પોતાની પસંદગીની બેન્ચને આપી દીધા, તર્કબદ્ધ નિર્ણય ન કર્યો. આ તો ન જ થવું જોઈએ. ન્યાયતંત્ર ક્ષોભજનક સ્થિતિમાં ન મૂકાય તે માટે તેની વિગત અમે જાહેર કરતા નથી, પણ એટલું સમજાવું જોઈએ કે મનઘડંત કામ કરવાથી સુપ્રીમ કોર્ટની ઈમેજ ખરાબ થઈ છે.'

વિવાદ હજુ વણઉકેલ

મહત્ત્વના કેસોની ફાળવણી મુદ્દે ચીફ જસ્ટિસ મિશ્રા અને સૌથી સિનિયર ચાર જસ્ટિસ વચ્ચે મતભેદો પ્રવર્તે છે તેવા સમયે સોમવારે સુપ્રીમ કોર્ટે મહત્ત્વના કેસોની સુનાવણી માટે સીજેઆઈના અધ્યક્ષપદે પાંચ જજોની બંધારણીય બેન્ચ બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં જસ્ટિસ જે. ચેલમેશ્વર, રંજન ગોગોઈ, એમ. બી. લોકુર અને કુરિયન જોસેફ નથી. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ મિશ્રા, જસ્ટિસ એ. કે. સિક્રી, એ. એમ. ખાનવિલકર, ડી. વી. અશોક ભુષણ છે. કોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે સીજેઆઈ સોમવારે ચાર અસંતુષ્ટ જજોને મળ્યા હતા કે નહીં તે સ્પષ્ટ નથી. મંગળવારના કામની યાદી મુજબ બેન્ચ આધાર એક્ટ, ગે સેક્સ અને સબરીમાલા મંદિર જેવા કેસોની સુનાવણી કરશે.

ચારેય જસ્ટિસે શું કહ્યું?

• સુપ્રીમ કોર્ટનું કામકાજ ઠીક રીતે ચાલી રહ્યું નથી. જો આવું જ ચાલશે તો, લોકશાહી પર ગંભીર ખતરો આવી પડશે..
• અમે આ મુદ્દે ચીફ જસ્ટિસ સાથે વાત કરી હતી, પણ તેમણે અમારી એક પણ વાત માની નહોતી.
• જો અમે દેશ સમક્ષ આ વાતો ન મૂકી હોત અને અમે ચૂપ રહેવાનું પસંદ કર્યું હોત તો લોકતંત્ર ખતમ થઈ જાત.
• ચાર મહિના પહેલાં અમે ચારેય જજોએ ચીફ જસ્ટિસને એક પત્ર લખ્યો હતો. તેમાં કોર્ટના વહીવટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
• ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ (ઇમ્પિચમેન્ટ) કાર્યવાહી કરવી કે નહીં તેનો નિર્ણય રાષ્ટ્રએ લેવાનો છે, અમે તો અમારું ઋણ અદા કરી રહ્યા છીએ..
• સુપ્રીમ કોર્ટમાં એક કામ અંગે તમામ જજનો એક મત હતો, પણ એ જ કામને કોઈ બીજી જ રીતે કરાયું હતું.
વિવાદ વિશે કોણે શું કહ્યું?
• ચારેય જજે ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. ચારેય જજ ઇમાનદાર છે અને તેમની નિયત સામે સવાલ ના ઉઠાવી શકાય.  - ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી
• આ ચારેય જજે યોજેલી પ્રેસ કોન્ફરન્સની આપણે અવગણના કરવી જોઈએ. - એટર્ની જનરલ વેણુગોપાલ
• આ ખૂબ ગંભીર મામલો છે. ચારેય જજે સીજેઆઇને જ કઠેડામાં ઊભા કરી દીધા છે. - કાનૂનવિદ્ પ્રશાંત ભૂષણ
• આ ચારેય જજના ચહેરા પર દુ:ખ જોઈ શકાતું હતું. તેઓ ગૂંગળાઈ રહ્યા છે. - કાનૂનવિદ્ કે.ટી.એસ. તુલસી
• આ ચારેય જજોએ ભરેલું પગલું આવકાર્ય અને બહાદુરીભર્યું છે. - વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહ

ભારતીય ન્યાયતંત્રની આબરૂના વિદેશમાં ધજાગરા

બ્રિટનની બીબીસી ન્યૂઝે ‘ડેમોક્રેસી ઈઝ ઈન ડેન્જર’ના હેડિંગ સાથે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. તેણે લખ્યું છે કે ભારતની સર્વોચ્ચ અદાલતમાં પણ આટલી હદે રાજકારણ ચાલતું હશે તે જાણીને દેશવાસીઓને આઘાત લાગ્યો છે.
અમેરિકાના ધ વોશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે ભારતની સર્વોચ્ચ અદાલતમાં આટલો આંતરિક અસંતોષ ગંભીર બાબત છે.
ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે લખ્યું હતું કે પીએમઓ ઓફિસ, સુપ્રીમ કોર્ટના જવાબદાર લોકોએ આવા ગંભીર મુદ્દે મીડિયાએ સંપર્ક કરવા છતાં જવાબ આપ્યો ન હતો તે ગંભીર છે. જ્યારે ચાર ન્યાયધીશોએ મીડિયા સમક્ષ અસંતોષ વ્યક્ત કર્યો હોય ત્યારે મીડિયાને જવાબ આપવામાં ભારત સરકાર અને સુપ્રીમ કોર્ટના સંબંધિતો નિષ્ક્રિય રહે તે યોગ્ય નથી. ભારતીય ન્યાયતંત્રનું આ પ્રકરણ આર્થિક અને સામાજિક ક્ષેત્રે પણ લાંબાંગાળે અસર કરશે.
ધ ગાર્ડિયને લખ્યું હતું કે ભારતની સુપ્રીમ કોર્ટમાં ચાલતા તંત્રથી વિશ્વસનીયતા ઉપર સવાલો ઉભા થશે અને એની ભરપાઈ કરતા વર્ષો વીતી જશે.
અમેરિકન સમાચાર સંસ્થા યુએસ ન્યૂઝે કહ્યું હતું કે ભારતની અદાલતમાં બન્યો છે તેવો બનાવ ભાગ્યે જ કોઈ દેશમાં બન્યો હશે. ભારતીયોનો ન્યાયતંત્રમાંથી વિશ્વાસ ડગી જાય તે પહેલાં તાત્કાલિક જરૂરી પગલાં ભરીને લોકશાહીને ધબકતી રાખવી જોઈએ.


comments powered by Disqus