શ્રીહરિકોટાઃ ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)એ આજે સવારે ‘પીએસએલવી-સી૪૦’' મિશન દ્વારા એક સાથે ૩૧ સેટેલાઇટ લોન્ચ કર્યા હતા. ૧૧ જાન્યુઆરીએ સવારે ૯:૨૯ કલાકે દેશના સૌથી સફળ રોકેટ પીએસએલવી (પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ)એ શ્રીહરિકોટા લોન્ચિંગ મથકેથી ઉડાન ભરી હતી. પીએસએલવી રોકેટની આ ૪૨મી ફ્લાઈટ હતી.
આ મિશનમાં સૌથી મહત્ત્વનો ઉપગ્રહ ‘કાર્ટોસેટ-૨’ હતો. જેનું કામ અર્થ ઓબ્ઝર્વેશન એટલે કે પૃથ્વીની તસવીરો લેવાનું છે. ભૂમિ પરના વિવિધ આયોજનો જેમ કે રોડ નેટવર્ક, કેનાલ બાંધકામ, જળવ્યવસ્થાપન વગેરેના આયોજનમાં આ ઉપગ્રહની તસવીરો કામ લાગશે. ૩૧ પૈકીના ૨૮ ઉપગ્રહ પરદેશના હતા જ્યારે ત્રણ ભારતના હતા. ભારતમાંથી કાર્ટોસેટ ઉપરાંત એક માઈક્રો અને એક નેનો સેટેલાઈટ હતા. અન્ય ૨૮ ઉપગ્રહો કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, કોરિયા, યુકે અને અમેરિકાના હતા. આ તમામ ૩૧ ઉપગ્રહોનું કુલ વજન ૧૩૨૩ કિલોગ્રામ હતું. ઉપગ્રહ ગોઠવણીની દૃષ્ટિએ આ ભારતનું અત્યાર સુધીનું સૌથી લાંબુ મિશન હતું. ૩૧ પૈકીના ૩૦ ઉપગ્રહો એક સરખી ઊંચાઈએ એટલે કે ૫૦૫ કિલોમીટર ઊંચે આવેલી સન સિન્ક્રોનસ ઓરબિટમાં ગોઠવાયા હતા.
લોન્ચ થનારા રોકેટના સૌથી ઉપરના તબક્કામાં બધા ઉપગ્રહો ગોઠવાયેલા હોય છે. રોકેટનો એ ભાગ કક્ષા સુધી પહોંચે પછી તેના દરવાજા ખૂલે અને તેમાંથી એક પછી એક ઉપગ્રહ નિશ્ચિત સમયે બહાર નીકળતા જાય. એક જ કક્ષામાં એકથી વધુ ઉપગ્રહો ગોઠવવા એ મોટો પડકાર છે. બીજો પડકાર એ છે કે રોકેટને એક જ ઊંચાઈએ લઈ ગયા પછી બીજી ઊંચાઈએ (કે નીચાઈએ) બીજો ઉપગ્રહ લોન્ચ કરવા લઈ આવવું. ઈસરોએ એક સાથે આ બન્ને પડકારો પાર પાડી બતાવ્યા હતા.
પાકિસ્તાનનો વાંધો
દરમિયાન પાકિસ્તાને ભારતના કાર્ટોસેટ-૨ લોન્ચિંગ સામે વાંધો રજૂ કર્યો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતનો આ ઉપગ્રહ માત્ર અર્થ ઓબ્ઝર્વેશન પ્રકારનો નથી. તેનો ઉપયોગ લશ્કરી હેતુ માટે પણ કરવાનો છે. એટલે કે પાકિસ્તાનને એવો ડર છે કે કાર્ટોસેટ દ્વારા ભારત પાકિસ્તાનની જાસૂસી કરશે.

