ગોલ્ડ કોસ્ટઃ ઓસ્ટ્રેલિયાના યજમાનપદે યોજાયેલી ૨૧મી કોમનવેલ્થ ગેમ્સ ભારતીય ખેલાડીઓ માટે યાદગાર બની રહેશે. ગોલ્ડ કોસ્ટમાં ભારતે ૨૬ ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ સાથે કુલ ૬૬ મેડલ જીતીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ સાથે ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં ૫૦૦ મેડલ પણ પુરા કરી લીધા છે. આવી સિદ્ધિ મેળવનાર ભારત પાંચમો દેશ બન્યો છે.
આ સાથે વિદેશમાં આયોજીત કોમનવેલ્થ ગેમ્સમાં ભારત પ્રથમ વખત ટોપ-૩માં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. ભારતે ૨૦૧૪ના ગ્લાસ્ગો ગેમ્સના ૧૫ ગોલ્ડ સહિત કુલ ૬૪ મેડલની સંખ્યાને પાછળ રાખી દીધી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ૮૦ ગોલ્ડ, ૫૯ સિલ્વર અને ૫૯ બ્રોન્ઝ મેડલ મળીને ૧૯૮ મેડલ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું.તો ઇંગ્લેન્ડ ૪૫ ગોલ્ડ, ૪૫ સિલ્વર, ૪૬ બ્રોન્ઝ સાથે કુલ ૧૩૬ મેડલ મેળવી બીજું સ્થાન મેળવ્યું હતું.
ભારતનું કોમનવેલ્થ ગેમ્સમાં આ ત્રીજું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલાં ૨૦૧૦ દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સર્વાધિક ૩૮ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તે વખતે ૨૭ સિલ્વર અને ૩૬ બ્રોન્ઝ સાથે મેડલની સંખ્યા ૧૦૧ પર પહોંચાડી હતી. તે પછી ૨૦૦૨માં માન્ચેસ્ટર કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ૩૦ ગોલ્ડ, ૨૨ સિલ્વર અને ૧૭ બ્રોન્ઝ સાથે ૬૯ મેડલ જીત્યા હતા જે ભારતનું બીજા નંબરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
સોનેરી શરૂઆત
વર્લ્ડ ચેમ્પિયન વેઇટલિફ્ટર મીરાંબાઈ ચાનુએ ૨૧મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ગોલ્ડન શરૂઆત કરાવતાં મહિલાઓના વેઇટલિફ્ટિંગના ૪૮ કિગ્રા વજન વર્ગમાં રેકોર્ડ બ્રેક કરીને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ભારત માટે કોમનવેલ્થ ૨૦૧૮નો આ પહેલો ગોલ્ડ મેડલ હતો. આ પહેલાં વેઇટલિફ્ટર ગુરુરાજાએ પુરુષ વિભાગના ૫૬ કિગ્રા વજન વર્ગમાં સિલ્વર જીતી ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. મીરાંબાઈ ચાનુએ સ્નેચમાં ૮૦ કિગ્રા, ૮૪ કિગ્રા અને ૮૬ કિગ્રા વજન ઊંચક્યું હતું જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેણે પોતાના શરીરથી ડબલ વજન ૧૦૩, ૧૦૭ અને ૧૧૦ કિગ્રા વજન ઊંચક્યું હતું. આમ, ચાનુએ સ્નેચમાં ૮૬નો સ્કોર બનાવ્યો જ્યારે ક્લીન એન્ડ જર્કમાં ૧૧૦નો સ્કોર કરતાં કુલ ૧૯૬ કિગ્રા વજન ઊંચકી ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક બંનેમાં ચાનુનું આ વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે બંનેમાં કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. સ્પર્ધાનો સિલ્વર મેડલ મોરિશિયસની મેરી હૈનિત્રાએ જ્યારે શ્રીલંકાની દિનુશા ગોમ્સે બ્રોન્ઝ મેળવ્યો હતો.
૨૦૨૨માં બર્મિંગહામ
૨૧મી કોમનવેલ્થ ગેમ્સના રંગારંગ સમાપન સાથે પ્રિન્સ એડવર્ડે ગેમ્સના સમાપનની જાહેરાત કરી હતી. હવે ૨૨મી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં યોજાશે. ક્લેઝિંગ સેરેમની દરમિયાન કોમનવેલ્થ ગેમ્સના ચેરમેન ઇંગ્લેન્ડના ઇયાન મેકકેફેએ કોમનવેલ્થ ફ્લેગ બર્મિંગહામના મેયર અને અંડરવિડને સુપ્રત કર્યો હતો. આ દરમિયાન બર્મિંગહામ શહેરની જાણકારી દર્શાવતો વીડિયો બતાવાયો હતો. આ દરમિયાન ગોલ્ડકોસ્ટ સમિતિના અધ્યક્ષ પીટર વિટીએ દર્શકો અને એથ્લીટ્સનો આ આયોજનને સફળ બનાવવા બદલ આભાર માન્યો હતો.
કુલ મેડલ ૫૦૦ને પાર
ભારતે ગોલ્ડ કોસ્ટમાં કુલ ૬૬ મેડલ જીતતાં ભારતના કોમનવેલ્થ ગેમ્સમાં કુલ મેડલની સંખ્યા ૫૦૪ થઈ ગઈ છે. ભારતે ૧૯૩૪માં એક, ૧૯૫૮માં ત્રણ મેડલ જીત્યા હતા. ૧૯૬૬માં ૧૯૭૦માં ૧૨, ૧૯૭૪માં ૧૫, ૧૯૭૮માં ૧૫ અને ૧૯૮૨માં ૧૬ મેડલ જીત્યા હતા. ૧૯૯૦ની કોમનવેલ્થ ગેમ્સ ભારત માટે ઘણી ખાસ રહી હતી કારણ કે, તેમાં ભારતે પ્રથમ વખત ૨૦થી વધુ મેડલ મેળવ્યા હતા. ૧૯૯૦માં ૧૩ ગોલ્ડ, આઠ સિલ્વર અને ૧૧ બ્રોન્ઝ સાથે ૩૨ મેડલ જીત્યા હતા. ૧૯૯૪ અને ૧૯૯૮માં ૨૫-૨૫ મેડલ જ્યારે ૨૦૦૨માં ૬૯ મેડલ જીત્યા હતા. ૨૦૦૬માં ૫૦, ૨૦૧૦માં ૧૦૧ ને ૨૦૧૪માં ૬૪ મેડલ જીત્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતે કોમનવેલ્થ ૨૦૧૮ના પ્રારંભ પૂર્વે કુલ ૪૩૮ મેડલ જીત્યા છે, જે પૈકી ૨૦૧૦માં ભારતે કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. તે સમયે ભારતે કુલ ૬૧૯ ખેલાડીઓને મેદાનમાં ઊતાર્યા હતા અને ૩૮ ગોલ્ડ સહિત ૧૦૧ મેડલ જીત્યા હતા.
આ પછી વર્ષ ૨૦૧૪માં ગ્લાસગો ખાતે યોજાયેલા કોમનવેલ્થ રમતોત્સવમાં ભારતે ૧૫ ગોલ્ડ સહિત ૬૪ મેડલ જીત્યા હતા જ્યારે આ વખતે ભારતે
૨૧૮ એથ્લીટ્સને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા મોકલ્યા હતા, જે અત્યાર સુધીનું બીજું મોટું દળ હતું.
બેડમિન્ટનમાં ૬ મેડલ
ભારતે બેડમિન્ટનમાં ૬ મેડલ જીત્યા હતા. આ કોઈ પણ કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટનમાં સૌથી વધારે મેડલ છે. પ્રથમ વખત કોઈ ભારતીય ખેલાડી (સાઇના નેહવાલ)એ બે ગોલ્ડ મેડલ જીત્યા છે. સાઈનાએ સિંગલ્સમાં સિંધૂને હરાવી હતી. અગાઉ દિલ્હીના યજમાનપદે યોજાયેલા રમતોત્સવમાં ભારતે ૨ ગોલ્ડ સહિત ૪ મેડલ જીત્યા હતા. ત્યારે પણ સાઇનાએ એક ગોલ્ડ જીત્યો હતો.
ટેબલ ટેનિસમાં ૮ મેડલ
ભારતે ટેબલ ટેનિસમાં પ્રથમ વખત ૩ ગોલ્ડ મેડલ સહિત ૮ મેડલ જીત્યા છે. પુરુષ અને મહિલા ટીમોએ ગોલ્ડ જીત્યો છે. મહિલા સિંગલ્સમાં મણિકા બત્રા પ્રથમ ગોલ્ડ મેડાલિસ્ટ બની. તે ગોલ્ડ કોસ્ટમાં ભારત તરફથી સૌથી વધારે ૪ મેડલ જીતનાર ખેલાડી રહી. તો દક્ષિણ ગુજરાતના સુરતના હરમીત દેસાઇએ ટેબલ ટેનિસમાં ગોલ્ડ કબ્જે કર્યો છે.
કુસ્તીમાં ડબલ ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સમાં શૂટરો બાદ કુસ્તીબાજોએ ધમાકેદાર દેખાવ કરતાં ડબલ ગોલ્ડની સાથે એક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતના લેજન્ડરી કુસ્તીબાજ સુશીલ કુમાર અને રાહુલ અવારેએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા, જ્યારે બબીતા કુમારીને સિલ્વર અને કિરન બિશ્નોઈને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. શૂટિંગમાં ભારતની તેજસ્વીની સાવંતે ૫૦ મીટર રાઈફલ પ્રોન ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ટ્રેક એન્ડ ફિલ્ડમાં મહિલાઓની ડિસ્કસ-થ્રો ઈવેન્ટમાં સીમા પુનિયાએ સિલ્વર અને નવજીત ધિલ્લોને બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. આ સાથે ભારતે ગોલ્ડ કોસ્ટ ગેમ્સના આઠમા દિવસે બે ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ એમ છ મેડલ્સ કબ્જે કર્યા હતા.
૪૫ મેડલ માત્ર ચાર રમતોમાં
ભારતે ગોલ્ડ કોસ્ટમાં ૨૫ ગોલ્ડ સહિત ૫૯ મેડલ જીતીને ટોપ-૩માં સ્થાન પાક્કું કરી લીધું હતું. આમાંથી ૨૦ ગોલ્ડ સહિત ૪૫ મેડલ તો ફક્ત ચાર રમતોમાં મેળવ્યા છે. ભારતે કુશ્તી, શૂટિંગ અને વેઇટલિફ્ટિંગમાં સૌથી વધારે ગોલ્ડ અને સર્વાધિક મેડલ જીત્યા છે. બોક્સિંગમાંથી સૌથી વધારે મેડલ મામલે ભારત ઇંગ્લેન્ડ સાથે સંયુક્ત રીતે ટોપ પર છે.
બે ટીમ મેડલ વગર પરત
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮માં ભારતે ભલે અત્યાર સુધીનો ત્રીજા ક્રમનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હોય, પરંતુ આની સાથોસાથ એ પણ કડવી વાસ્તવિક્તા છે કે ૨૦ વર્ષમાં પ્રથમ વખત ભારત હોકીમાં એક પણ મેડલ જીત્યું નથી. બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં ભારતની મહિલા ટીમનો ઇંગ્લેન્ડ સામે ૬-૦થી પરાજય થયો હતો. તો પુરુષ ટીમનો પણ ઇંગ્લેન્ડ સામે ૨-૧થી પરાજય થયો હતો. મહિલા ટીમે ૨૦૦૨ અને ૨૦૦૬માં મેડલ જીત્યા હતા. પુરુષ ટીમે ૨૦૧૦ અને ૨૦૧૪માં મેડલ જીત્યા હતા. પુરુષ ટીમે અંતિમ ગ્રૂપ મેચમાં ઇંગ્લેન્ડને ૪-૩થી હરાવ્યું હતું પણ બ્રોન્ઝના મુકાબલામાં ઇંગ્લેન્ડ સામે હાર થઇ હતી.

