ઇશ્વર શર્મા ‘બ્રિટિશ ઇન્ડિયન ઓફ ધ યર’

Wednesday 18th July 2018 07:43 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં ભારતીય મૂળના આઠ વર્ષીય અન્ડર-૧૧ યુકે નેશનલ યોગા ચેમ્પિયન ઇશ્વર શર્માને ‘બ્રિટિશ ઇન્ડિયન ઓફ ધ યર’ તરીકે સન્માનિત કરાયો છે. ઇન્ડિવિડ્યુઅલ અને આર્ટિસ્ટિક યોગામાં સંખ્યાબંધ ટાઇટલ્સ જીતી ચૂકેલા ઇશ્વર શર્માએ જૂનમાં કેનેડાના વિન્નીપેગમાં વર્લ્ડ સ્ટુડન્ટ ગેમ્સ ૨૦૧૮માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કેન્ટની સેન્ટ માઇકલ્સ પ્રિપરેટરી સ્કૂલમાં અભ્યાસ કરતા ઇશ્વરને બર્મિંગહામમાં યોજાયેલી છઠ્ઠી એન્યુઅલ એવોર્ડ્સ સેરેમનીમાં યંગ એચિવર કેટેગરીમાં ‘બ્રિટિશ ઇન્ડિયન ઓફ ધ યર’ તરીકે નવાજવામાં આવ્યો હતો.

ઇશ્વરના પિતા વિશ્વનાથ શર્મા પણ યોગ કરે છે. તેમનો પરિવાર મૂળ મૈસૂરનો છે. ઇશ્વર દુનિયાભરમાં યોગની ૧૦૦થી વધુ ઇવેન્ટ્સમાં ભાગ લઇ ચૂક્યો છે. તેને વેદ અને ભગવદ ગીતાના ૫૦ શ્લોક પણ કંઠસ્થ છે. તેણે આ વર્ષે મે મહિનામાં તુર્કીમાં યુરો એશિયન યોગ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે તે આગામી વર્ષે કેનેડામાં યોજાનારી વર્લ્ડ ગેમ્સની તૈયારીઓ કરી રહ્યો છે. તે ખાસ કરીને બાળકોને યોગ અને તેના ફાયદા વિશે માહિતગાર કરવાની ઇચ્છા ધરાવે છે.


comments powered by Disqus