ઔરંગાબાદના લોકોને લાગી છે પાકિસ્તાની માટી ખાવાની લત

Wednesday 18th July 2018 07:38 EDT
 
 

ઔરંગાબાદઃ મુલતાની માટીનો એક ઉપયોગ બહુ જાણીતો છે. ત્વચાનું સૌંદર્ય નિખારવા બહેનો તેનો ભરપૂર ઉપયોગ કરે છે, પરંતુ ઔરંગાબાદના લોકોએ તેનો અલગ જ ‘ઉપયોગ’ શોધી કાઢ્યો છે. આ વાત આપ સહુ માનો કે નહીં, પણ ઔરંગાબાદના નાગરિકોને હાલ પાકિસ્તાની માટી ખાવાની લત લાગી છે. માટી ખાનારાઓમાં મહિલાઓ અને યુવતીઓ અગ્રેસર છે.

ઔરંગાબાદવાસીઓ એક વર્ષમાં ૧૬ ટન માટી પેટમાં પધરાવી દે છે. પાકિસ્તાનના મુલતાનથી માટી ભરેલા ટ્રકો રાજસ્થાન-ગુજરાત થઈને ઔરંગાબાદ આવી પહોંચે છે અને આ માટી ત્યાં કરિયાણાની દુકાનોમાં વેચાય છે.

રાખોડી રંગની આ મુલતાની માટી ખાવા માટે વાપરવામાં આવે છે! માટીના ગાંગડા છૂટકમાં ૨૦થી ૪૦ રૂપિયે કિલો મળે છે. આખી ગુણી ખરીદનારા પણ હોય છે. ગુણી હલકી છે કે ભારે તેના આધારે ૫૦૦થી ૧૦૦૦ રૂપિયામાં વેચાય છે.

એક દુકાનમાંથી રોજ સરેરાશ પાંચથી ૧૦ કિલો માટી વેચાય છે. કેટલાક લોકો રોજ સામાન્ય રીતે ૨૦થી ૫૦ ગ્રામ માટી ખાય છે. મહિલાઓ-યુવતીઓ ઉપરાંત ઘણા પુરુષોને પણ માટી ખાવાનું વ્યસન પડ્યું છે. જોકે, સવાલ એ છે કે ઔરંગાબાદવાસીઓ માટી ખાય છે શા માટે?!

આ અંગે એક સ્ત્રીરોગ નિષ્ણાત ડોકટર જણાવે છે કે માટી ખાવી એક વ્યસન છે. શરીરમાં આયર્ન, ફોલિક એસિડની ઊણપથી મહિલાઓને માટી ખાવાની લત લાગે છે.

નિષ્ણાતો કહે છે કે માટી ખાવાની આ લતથી ગર્ભવતી મહિલાને નિયત સમય કરતાં પહેલાં પ્રસુતિ થઇ જવાનું જોખમ રહે છે, આ ઉપરાંત નવજાત શિશુનું વજન ઓછું હોય છે અને પ્રસુતિ સમયે ધબકારા વધી જવા જેવી તકલીફ પણ રહે છે. આથી તબીબી નિષ્ણાતો લોકોને માટી ખાવાની લતથી બચવાની સલાહ આપે છે, પણ તેમની સલાહ કોઇ કાને ધરતું હોય તેવું જણાતું નથી.


comments powered by Disqus