પૂરીઃ ઓડિશાના પુરીથી ભગવાન શ્રી જગન્નાથજીની ૯ દિવસની રથયાત્રા ૧૪મી જુલાઈ, શનિવારે શરૂ થઇ ગઈ છે. જગન્નાથ મંદિરેથી ૩ કિ.મી. દૂર ગુંડિચા મંદિર સુધી આ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. તે પહેલાં ભગવાન જગન્નાથને ૧૬ પૈડાંવાળા રથ ‘નંદીઘોષ’, તેમના ભાઇ બલભદ્રને ૧૪ પૈડાંવાળા રથ ‘તાલધ્વજ‘ અને દેવી સુભદ્રાને ૧૨ પૈડાંવાળા રથ ‘દેવદલાન’માં પૂજા-પાઠ સાથે સવાર કરાયાં હતાં. ત્રણેય મૂર્તિઓને મંદિરના ગર્ભગૃહની ‘રત્નવેદી’માંથી બહાર લાવતાં પહેલાં સવારે વૈદિક મંત્રોચ્ચાર બાદ સૌથી પહેલાં ‘ગોપાલ ભોગ‘ ધરાવાયો હતો. પરંપરા મુજબ સૌથી પહેલા ભગવાન બલભદ્ર, પછી બહેન સુભદ્રા અને સૌથી પાછળ ભગવાન જગન્નાથના રથે નગરયાત્રા શરૂ કરી હતી. ગુંડિચા મંદિર ભગવાન જગન્નાથજીના માસીનું ઘર હોવાનું મનાય છે. ત્યાં ૯ દિવસ રોકાયા બાદ ભગવાન નિજમંદિરે પરત ફરશે.
૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ
• ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા ૯ દિવસ સુધી ગુંડિચા મંદિરમાં રહેશે • ૨૩ જુલાઇએ રથયાત્રાના સમાપન ટાણે શ્રીમંદિર પાછી ફરશે • આ દરમિયાન દુનિયાભરમાંથી ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પુરી પહોંચશે • પૂર્વીય તટીય રેલવેએ આ યાત્રા માટે ખાસ ૧૨૦ સ્પેશિયલ ટ્રેનો દોડાવી છે • રથયાત્રા માટે ૭૦૦૦ સુરક્ષાકર્મી તૈનાત કરાયા છે.

