નવી દિલ્હી, લંડનઃ ભારતીય બેંકોના ૯ હજાર કરોડ રૂપિયા લઈને ભાગી ગયેલા વિજય માલ્યાના પ્રત્યાપર્ણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લંડનની કોર્ટે ૩૧ જુલાઈના રોજ વિજય માલ્યા પ્રત્યાર્પણ કેસમાં ચુકાદો આપી શકે છે. ૩૧ જુલાઈના રોજ કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણ અંગે અંતિમ દલીલો થશે. દલીલો પૂર્ણ થયા બાદ તે જ દિવસે કોર્ટ પોતાનો ચુકાદો આપશે.
ભારતીય સત્તાધીશોને જે સંદેશ મળ્યો છે તેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે વિજય માલ્યા કેસની તપાસ સાથે જોડાયેલા સીબીઆઈ અને ઈડીના અધિકારીઓને ૩૧ જુલાઈના રોજ લંડનની કોર્ટમાં હાજર રહેવું પડશે. લંડનની કોર્ટમાં વિજય માલ્યાને ભારત પરત લાવવા અંગે ગયા વર્ષથી સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી સીબીઆઈ અને ઈડીની અરજીને આધારે કરવામાં આવી રહી છે.
કોર્ટમાં માલ્યાએ સીબીઆઈના સાક્ષીઓ અંગે પ્રશ્નો ઊઠાવ્યા હતા. લંડનની કોર્ટે આ અગાઉ સંપત્તિ જપ્ત કરવાના કેસમાં માલ્યાની વિરુદ્ધ ચુકાદો આપી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા બેંકોની ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુની લોન લઈને દેશ છોડી ગયો છે. પ્રત્યાર્પણની શરતો કડક હોવાથી તેમને ભારત પરત લાવવામાં વિલંબ થઈ રહ્યો છે.
બેંકો અને રોકાણકારોના નાણાં પરત કરવા માટે ઈડીએ કોર્ટમાં માલ્યા અને તેમની કંપનીની ૧૨૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની અરજી કરી છે.
માલ્યાની વિરુદ્ધ આર્થિક અપરાધી ભાગેડુ વટહુકમને આધારે કાર્યવાહીની માગ કરવામાં આવી છે. ગયા મહિને જ માલ્યાએ દાવો કર્યો હતો કે તેમણે લોન પરત કરવાના શક્ય તમામ પ્રયાસો કર્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં પ્રધાન અરુણ જેટલીને પણ પત્રો લખ્યા હતા પણ કોઈ જવાબ મળ્યો નહોતો.

