જસદણની પેટા-ચૂંટણી રાજકારણને નવો વળાંક આપશે?

Wednesday 19th December 2018 07:21 EST
 
 

અમદાવાદઃ જસદણ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીની હારજીત બાદ ગુજરાતના રાજકારણમાં નવા વળાંકો આવી શકે છે. જસદણ બેઠક માટે ૨૦ ડિસેમ્બરે મતદાન થશે. આ બેઠક કોંગ્રેસનો ગઢ છે. મતદારોએ ભાજપને જાકારો જ આપ્યો છે. હવે જો કોંગ્રેસ બેઠક ગુમાવે તો, અમિત ચાવડા અને પરેશ ધાનાણી રાહુલ ગાંધીની ગુડબુકમાંથી નીકળી જાય. આ બંને પર વિશ્વાસ મૂકીને રાહુલે નેતાગીરી સોંપી છે ત્યારે ચૂંટણી જીતવી જરૂરી છે. જો કોંગ્રેસ બેઠક હારશે તો પાંચ રાજ્યોના પરિણામની ખુશી પર પાણી ફરી વળશે.
બીજી તરફ, ભાજપ માટે જસદણની જીત પાંચ રાજ્યોના હાર બાદ ટોનિક જેવી બની રહેશે. પણ ભાજપ હારશે તો ગુજરાત ભાજપમાં ઉથલપાથલ થઇ શકે છે કેમ કે અંસતુષ્ટોને મોકળું મેદાન મળી જશે. એટલું જ નહીં, નેતૃત્વ પરિવર્તનની વાતને વેગ મળશે. સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, જયેશ રાદડિયા, સહિતના નેતાઓની રાજકીય પ્રતિષ્ઠા પર સવાલો થશે. પરસોત્તમ સોલંકી જેવા કોળી નેતા સામેય આંગળી ચિંધાઈ શકે છે. આમ, ભાજપ-કોંગ્રેસ માટે આ પેટા-ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની છે.


comments powered by Disqus