નવી દિલ્હી: વડા પ્રધાન મોદીએ સોમવારે માલદીવને ૧.૪ બિલિયન ડોલર (૧૦ હજાર ૬૬ કરોડ રૂપિયા)ની સહાય કરવાની જાહેરાત કરી છે. માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ સાથે મંત્રણા બાદ તેમણે આ મદદની દરખાસ્ત કરી હતી. હિન્દ મહાસાગરમાં ચીનની દખલ વધી રહી છે ત્યારે બન્ને નેતાઓએ આ ક્ષેત્રમાં સુરક્ષા સહયોગ વધારવાના મુદ્દે પણ વાત કરી હતી. બન્ને દેશોએ ચાર સમજૂતી-કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમાં મહત્ત્વપૂર્ણ સમજૂતી વિઝા સંબંધિત છે.
માલદીવના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ સોલિહનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. સોલિહ સાથે મુલાકાત દરમિયાન મોદીએ કહ્યું કે બન્ને દેશના સલામતી હિતોની ચર્ચા કરાઈ છે. બન્ને દેશોએ હિન્દ મહાસાગરમાં સંરક્ષણ સહયોગ વધારવા પર સંમતિ દર્શાવી છે. તેમણે કહ્યું કે અમે લોકો પોતાના દેશનો ઉપયોગ એવી કોઈ પણ ગતિવિધિ માટે નહીં થવા દઈએ, જે એક-બીજાને નુકસાન પહોંચાડનારી હોય. તેમણે કહ્યું કે અમે માલદીવ સાથે વધુ સારા સંબંધ ઇચ્છીએ છીએ. ભારતીય કંપનીઓ માટે માલદીવમાં અનેક સુવર્ણ તકો છે. બીજી બાજુ સોલિહે કહ્યું હતું કે બન્ને દેશોએ હિન્દ મહાસાગરમાં સંયુક્ત પેટ્રોલિંગ અને સર્વેલન્સ મારફત મેરિટાઇમ સિક્યોરિટી કોઓપરેશન વધારવા પર ભાર આપ્યો છે. બન્ને દેશોમાં એક-બીજાના નાગરિકોને સરળતાથી વિઝા આપવા અંગે કરાર થયા હતા.
દ્વિપક્ષીય સંબંધો સુધર્યા
સોલિહના રાષ્ટ્રપતિ બન્યા બાદ બન્ને દેશોના સંબંધ સુધર્યા છે. તેમના શપથગ્રહણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને ઇમર્જન્સી જાહેર કરી અને ભારતે તેનો વિરોધ કર્યો ત્યારે ભારત અને માલદીવ વચ્ચે સંબંધ વણસ્યા હતા. ભારતે ચૂંટાયેલી સરકારને કામ કરવા દેવા અને ધરપકડ કરાયેલા નેતાઓને છોડી મૂકવા માગ કરી હતી.
વિઝા સમજૂતી કેમ જરૂરી?
જુલાઈમાં માલદીવે ભારતીય કામદારોને બિઝનેસ વિઝા આપવાનું બંધ કરી દીધું હતું. જે ભારતીય કામદાર રજા પર ભારત આવ્યા હતા તે માલદીવ પાછા ફરી શક્યા નહોતા. માલદીવે ભારતીય કર્મચારીઓના વિઝા રિન્યૂ કર્યા નહીં. માલદીવની કંપનીઓએ જાહેરાતમાં લખતા હતા કે ‘ભારતીયો અરજી ન કરે’.

