માલ્યા સાથે જેટલીની મિલીભગત, રાજીનામું આપે: રાહુલ

Wednesday 19th September 2018 06:27 EDT
 
 

નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો છે કે, દેશ છોડીને નાસી જવાની વિજય માલ્યાની યોજના જેટલી જાણતા હતા પરંતુ તેમણે તપાસ એજન્સીને જાણ કરી નહોતી. આમ તેમની સીધી મિલીભગત દેખાય છે. બંને વચ્ચે કોઈ સોદો થયો લાગે છે. જેટલીએ રાજીનામું આપી દેવું જોઈએ અને તેમની સામે તપાસ થવી જોઈએ.
જેટલી કહે છે કે, માલ્યાએ મારી સાથે થોડા શબ્દોમાં જ વાત કરી હતી, આ એક જુઠ્ઠાણું છે. ૧ માર્ચ ૨૦૧૬ના રોજ સંસદના સેન્ટ્રલ હોલમાં જેટલી-માલ્યા વચ્ચે લાંબી મુલાકાત યોજાઈ હતી. જેટલી જુઠ્ઠું બોલે છે, સરકાર પણ જુઠ્ઠું બોલે છે. કોંગ્રેસના સાંસદ પી. એલ. પુનિયાએ નજરોનજર આ મુલાકાત જોઈ છે. માલ્યા સામેની નોટિસને બદલી વિદેશ નાસી જવાની સુવિધા કરી અપાઈ હતી. આ એ જ વ્યક્તિ કરી શકે જે સીબીઆઈ પર નિયંત્રણ ધરાવતી હોય.
પત્રકાર પરિષદમાં રાહુલ સાથે હાજર રહેલા કોંગ્રેસના સાંસદ પી. એલ. પુનિયાએ જણાવ્યું હતું કે, ૧ માર્ચ ૨૦૧૬ના રોજ મેં જેટલીને સેન્ટ્રલ હોલમાં માલ્યા સાથે મુલાકાત કરતા જોયા હતા. તે સમયે હું સંસદના સેન્ટ્રલ હોલમાં હતો. મેં જોયું કે, જેટલી અને માલ્યા એક ખૂણામાં ઊભા રહી વાત કરી રહ્યા હતા. ૫-૭ મિનિટ પછી તેઓ એક બેન્ચ પર બેસી ગયા હતા અને વાતો કરવા લાગ્યા હતા. આ મુલાકાત ૧૫-૨૦ મિનિટ ચાલી હતી. જેટલી સાથે મુલાકાત કરવા માલ્યા પહેલી વાર સંસદમાં આવ્યા હતા. હું પડકાર ફેંકુ છું કે, સંસદના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી લો, જો હું ખોટો હોઉં તો હું સાંસદપદેથી રાજીનામું આપી દઈશ. માલ્યા બીજી માર્ચ ૨૦૧૬ના રોજ લંડન ચાલ્યા ગયા હતા. ત્રીજી માર્ચે મેં નિવેદન આપ્યું હતું કે, બે દિવસ પહેલાં જ માલ્યા જેટલીને મળ્યા હતા.
રાહુલની બ્રિટન મુલાકાત પછી માલ્યાના નિવેદનો શંકા પ્રેરે છેઃ રવિશંકર પ્રસાદ
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની બ્રિટન મુલાકાત પછી જ માલ્યા તરફથી નિવેદન આવી રહ્યાં છે. શું તમે નોંધ લીધી છે કે રાહુલ ગાંધીની લંડન-મુલાકાત પછી માલ્યા નવા આરોપો મૂકી રહ્યા છે? મીડિયાએ તેની ચકાસણી કરવી જોઈએ.
ભાજપના પ્રવક્તા સમ્બિત પાત્રાએ જણાવ્યું હતું કે, યુપીએ સરકારે કિંગફિશરને ટકી રહેવા માટે લાભ કરાવી આપ્યા હતા, જે બતાવે છે કે કદાચ કિંગફિશર ગાંધી પરિવારની માલિકીની હતી. કોંગ્રેસપ્રમુખના કિંગફિશર સાથે સંબંધ હતા. આખો ગાંધી પરિવાર કિંગફિશર એરલાઇન્સના બિઝનેસ ક્લાસમાં મફત મુસાફરી કરતો હતો.
કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, માલ્યા અને રાહુલ ગાંધી જુઠ્ઠાણામાં જુગલબંદી કરી રહ્યા છે. કોંગ્રેસ જુઠ્ઠાણાનું પોટલું છે. યુપીએ સરકારે માલ્યાને લોન શા માટે આપી? જો પુનિયા જેટલી-માલ્યાની મુલાકાતથી વાકેફ હતા તો તેમણે અત્યાર સુધી મૌન કેમ રાખ્યું?


comments powered by Disqus