કોઈ સંત સ્વધામ જાય અને તેમની સ્મૃતિમાં કથા યોજાય એ તો બનતું જ હોય છે, પરંતુ છ સંતોની સ્મૃતિમાં એક ભવ્ય કથાનું આયોજન?! બ્રિટનની ધરતી પર પ્રથમ વખત આવો આગવો કાર્યક્રમ યોજાઇ ગયો. અને હરિભક્તો તેમાં ધર્મલાભ મેળવીને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. ધર્મપ્રેમી હિન્દુઓને આ લ્હાવો આપ્યો છે લંડનના શ્રી સ્વામિનારાયણ મંદિર-વિલ્સ્ડને. ગત વર્ષ દરમિયાન સ્વધામ પધારેલા ભૂજ અને અમદાવાદ મંદિરના છ સંતોની પૂણ્યસ્મૃતિમાં મંદિર દ્વારા ૯થી ૧૬ સપ્ટેમ્બર ‘સંત સ્મૃતિ મહોત્સવ’ યોજાયો હતો.
કથામાં ભુજ મંદિરના સંતો શ્રી ભક્તિપ્રિયદાસજી, શ્રી કૃષ્ણસ્વરૂપ-દાસજી, શ્રી પ્રેમવલ્લભદાસજી, શ્રી રંગદાસજી, શ્રી સુખનંદનદાસજી,
શ્રી વર્ણીવિહારીદાસજી, શ્રી બાલકૃષ્ણદાસજી, શ્રી કેશવજીવનદાસજી, શ્રી દેવજીવનદાસજી, શ્રી આનંદવલ્લભદાસજી, શ્રી જીનંદનદાસજી,
શ્રી નૌતમમુનિદાસજી અને શ્રી ભક્તિજીવનદાસજી તેમજ અમદાવાદ મંદિરેથી શ્રી સત્યપ્રકાશદાસજી અને શ્રી યોગેશ્વરાનંદજી પધાર્યા હતાં.
આ પ્રસંગે સ્વામી શ્રીરંગદાસજી, સત્યપ્રકાશદાસજી, પ્રેમવલ્લભ-દાસજી, આનંદવલ્લભદાસજી અને ભક્તિજીવનદાસજીએ વ્યાસપીઠ ઉપરથી કથાનું મધુર રસપાન કરાવીને હરિભક્તોને ભક્તિભાવમાં તરબોળ કર્યા હતા. મહોત્સવ દરમિયાન ૧૦થી ૧૬ સપ્ટેમ્બર શ્રીમદ્ સત્સંગી જીવન મહાગ્રંથની સપ્તાહ પારાયણ ઉપરાંત વિવિધ ધાર્મિક ઉત્સવો યોજાયા હતા, જેમાં ભક્તો ઉમંગ-ઉલ્લાસભેર સામેલ થયા હતા.
સ્મૃતિ કથા દરમિયાન ઊડીને આંખે વળગે તેવા કેટલાક પ્રસંગો પર નજર ફેરવીએ તો, • ૧૫ વરિષ્ઠ સંતોની નિશ્રામાં કથાનો પ્રારંભ.
• ૮૦૦થી વધારે હરિભક્તો દ્વારા ગણપતિ પૂજન અને આરતી.
• સમૂહ રાસોત્સવ અને ભવ્ય મહાપ્રસાદનું આયોજન. • સંતો-ભક્તજનો દ્વારા ભક્તિ સંગીત કાર્યક્રમ તથા મહાપ્રસાદ. તેમજ
• હરિકૃષ્ણ મહારાજ મહાભિષેક અને ધર્મમય માહોલમાં કથાસમાપન.
જોકે તમામ કાર્યક્રમોમાં હરિભક્તો માટે શિરમોરસમાન અને સૌથી યાદગાર પ્રસંગ હતો શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજની પાવક ઉપસ્થિતિ. અમદાવાદ ગાદીના આચાર્યશ્રી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે યજમાનોને સન્માન્યા હતા તેમજ હરિભક્તોને સંબોધીને આશીર્વચન આપ્યા હતા.
આ પ્રસંગે પૂજ્ય આચાર્યશ્રીએ લંડનથી પ્રકાશિત થતાં ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થયેલા અમેરિકા ખાતે ‘દેવસ્ય’ના ખાતમુહૂર્ત પ્રસંગના ફોટોગ્રાફ સાથેના વિશેષ લેખનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ અહેવાલ વાંચીને પૂ. આચાર્યશ્રીએ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને ‘ગુજરાત સમાચાર’ને અભિનંદન આપીને ગુજરાતની તેમજ સમાજની સેવામાં હંમેશા અગ્રેસર ભાગ ભજવવા બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પૂજ્ય આચાર્યશ્રીએ ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ અને એડવર્ટાઈઝીંગ મેનેજર કિશોરભાઈ પરમારનું હારતોરાથી સન્માન કર્યું હતું. મંદિરના ટ્રસ્ટી કુરજીભાઈ કેરાઈ અને ઉપસ્થિત સભાજનોના આગ્રહથી પ્રાસંગિક સંબોધન કરતા સી. બી. પટેલે મંદિર દ્વારા થતાં ધર્મકાર્યો-સેવાકાર્યોને બિરદાવ્યા હતા.
બ્રિટનમાં હિન્દુ ધર્મની ધજાને ફરકતી રાખવામાં શ્રી સ્વામિનારાયણ મંદિર-વિલ્સ્ડનનું આગવું યોગદાન હોવાનો ઉલ્લેખ કરતા સી. બી. પટેલે કહ્યું હતું કે આજે આ સંસ્થા એક બીજમાંથી વિરાટ વટવૃક્ષ બનીને વિકસી છે, તેના મૂળમાં હરિભક્તોનું દસકાઓનું યોગદાન રહેલું છે. આજથી ૪૦ વર્ષ પૂર્વે પણ હું આ ધર્મસંસ્થાની મુલાકાતે અવારનવાર આવતો હતો. બ્રિટનની ધરતી પર પ્રથમ શીખરબદ્ધ મંદિરનું નિર્માણ કરવાનો યશ શ્રી સ્વામિનારાયણ મંદિર-વિલ્સ્ડનના ફાળે જાય છે. મેં અહીં મંદિરના નિર્માણ વેળા કચ્છી માતાઓ-બહેનોને જે પ્રકારે શ્રમદાન કરતાં, સેવાકાર્યો કરતાં નિહાળ્યા છે તે પ્રશંસનીય છે. આ પ્રકારનું યોગદાન ઈંગ્લેન્ડના બીજા કોઇ મંદિરમાં ક્યારેય નિહાળ્યું નથી. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વેળા ભુજ એરપોર્ટના રન-વેને ભારે નુકસાન થયું હતું અને ઇંડિયન એરફોર્સનું લશ્કરી ઓપરેશન અટકી પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. આ સમયે કચ્છી બહેનો ભારતીય સેનાની વ્હારે પહોંચી હતી અને અવિરત શ્રમદાન કરીને રન-વેના સમારકામમાં યોગદાન આપ્યું હતું. આજેય કચ્છી બહેનોનું આ યોગદાન યાદ કરાય છે. આવું જ યોગદાન કચ્છી બહેનોએ આ મંદિર નિર્માણમાં આપ્યું છે. હરિભક્તોના આવા અમૂલ્ય યોગદાનથી જ સંપ્રદાયનો ચારેદિશામાં પ્રસાર થયો છે. ભારત અને આફ્રિકાથી અહીં આવેલા હરિભક્તો અહીંના સમાજમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે અને વિદેશની ધરતી પર પણ ધર્મની ધજા ફરકતી રાખી છે. દસકાઓ પૂર્વે શ્રીજી મહારાજ સંતગણ સાથે દેશના અંતરિયાળ વિસ્તારોમાં, ગામડાંઓમાં વિચરણ કરીને ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા હતા. આજે સંતગણ દરિયાપારના દેશોમાં ફરીને સ્વામિનારાયણ સંપ્રદાયની ધજા ફરકતી રાખવામાં મહામૂલું યોગદાન આપી રહ્યા છે. હરિભક્તોને ધર્મ-જ્ઞાનનો લાભ આપી રહ્યા છે.
એક સમયે પૂર્વ આફ્રિકાના ફૂંડીથી અનસ્કીલ્ડ લેબરર તરીકે અહીં આવીને વસેલાં કચ્છીઓ આજે જાતમહેનતથી સિવિલ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ટોચના સ્થાને પહોંચ્યા છે. મોટા ભાગના કચ્છી કોન્ટ્રેક્ટર, બિઝનેસમેન અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ક્ષેત્રે કાર્યરત છે તો યુવાધન આઇટી ક્ષેત્રે સફળતાના વાવટા ફરકાવી રહ્યું છે. કચ્છી સમુદાયે આર્થિક ઉન્નતિ હાંસલ કરવાની સાથોસાથ ભારતીય સંસ્કાર-સંસ્કૃતિના જતન-સંવર્ધનમાં પણ મોખરાનું યોગદાન આપે છે તે ભાગ્યે જ કોઇ નકારશે.
સંત સ્મૃતિ મહોત્સવ દરમિયાન મંદિરના ટ્રસ્ટીઓ તેમજ આ પ્રસંગે વિદેશથી પધારેલા હરિભક્તો તેમજ સમગ્ર આયોજનમાં તન-મન-ધનથી યોગદાન આપનાર યજમાનોનું પણ હારતોરાથી સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.
સંત સ્મૃતિ મહોત્સવ
આ સંતોની પૂણ્ય સ્મૃતિમાં થયું અનોખું ધાર્મિક આયોજન...
• અ.નિ. સ્વામી શ્રી કેશવપ્રસાદદાસજી
• અ.નિ. સ્વામી શ્રી ભક્તિવલ્લભદાસજી
• અ.નિ. સ્વામી શ્રી વિશ્વજીવનદાસજી
• અ.નિ. સ્વામી શ્રી ધર્મપ્રસાદદાસજી
• અ.નિ. સ.ગુ. સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી
• અ.નિ. સ.ગુ. બ્રહ્મચારી સ્વામી
શ્રી રાજેશ્વરાનંદજી

