આશા થઇ દફન, પરત ફરશે કફન

Wednesday 21st March 2018 06:54 EDT
 
 

નવી દિલ્હીઃ ઘટના તો ત્રણ વર્ષ જૂની છે, પરંતુ તે સાંભળીને આજેય કાળજું કંપી ઉઠશે. આતંકી સંગઠન આઇએસઆઇએસ દ્વારા ૨૦૧૪માં ઈરાકના મોસુલથી ઉઠાવી જવાયેલા તમામ ૩૯ ભારતીય શ્રમિકો મૃત્યુ પામ્યા હોવાની ભારત સરકારે જાહેરાત કરી છે. 

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે મંગળવારે રાજ્યસભામાં આ માહિતી આપતાં કહ્યું હતું કે ઇરાકમાં લાપતા થયેલા આ લોકો મૃત્યુ પામ્યા છે. અમને ગઇકાલે જ જાણકારી મળી છે કે મૃતકોમાંથી ૩૮ લોકોનાં ડીએનએ મેચ થઇ ગયા છે, જ્યારે એક વ્યક્તિનું ડીએનએ ૭૦ ટકા જેટલું મેચ થાય છે. સ્વરાજે કહ્યું હતું તમામ મૃતકોના પાર્થિવ શરીરને ભારત પરત લાવવા માટે વિદેશ રાજ્યપ્રધાન જનરલ (નિવૃત્ત) વી. કે. સિંહ ખાસ વિમાન લઇ બગદાદ જઇ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ ભારતીયોના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. 

વિદેશ પ્રધાનના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે ઇરાકના મોસુલને આઇએસઆઇએસના આતંકવાદીઓનું ચુંગાલમાંથી આઝાદ કરાવવામાં આવ્યું ત્યારે ત્યાં ચોમેર લાશોના ઢગલા પડ્યા હતા. આ પછી ભારતે ત્યાં પોતાના ૩૯ લાપતા નાગરિકોની શોધખોળ શરૂ કરી હતી. તેમણે કહ્યું કે ડીપ પેનિટ્રેશન રડારની મદદથી એ પહાડને શોધવામાં આવ્યો હતો, જ્યાં ભારતીયોને દફનાવાયા હોવાની આશંકા હતી. આ પછી પહાડમાંથી માનવદેહોના અવશેષો શોધાયા અને ડીએનએ સેમ્પલના મેચિંગનું કામ શરૂ થયું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતે પોતાના નાગરિકોની શોધખોળ માટે સતત પ્રયાસો ચાલુ રાખ્યા હતા.

કઇ રીતે લાપતા થયા?

ઇરાકમાં લાપતા થયેલા ભારતીયોમાં મોટા ભાગના પંજાબના વતની હતા. આ તમામ લોકો મોસુલ અને તેની આસપાસના શહેરોમાં મજૂરીના કામે ગયા હતા. ૨૦૧૪માં આ લોકોને આઇએસના આતંકીઓ ઉઠાવી ગયા હતા. આ પછી તેમને મોસુલના કોઇ ગામની જેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં તેમની પાસે મજૂરી કરાવવામાં આવી હતી. આ પછી આ ભારતીયો વિશે ક્યારેય કોઇ નક્કર માહિતી જાણવા મળી નહોતી.

સૌથી વધુ પંજાબના

આ લાપતા ભારતીયોમાં ૨૭ અમૃતસર, ગુરદાસપુર, હોશિયારપુર, કપૂરથલા અને જલંધરના વતની હતા. આમાંથી એકમાત્ર હરજીત મસીહ આઇએસઆઇએસની ચુંગાલમાંથી છટકવામાં સફળ રહ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે બાકી તમામ ભારતીયોને જેહાદીઓએ મારી નાંખ્યા છે. નોંધનીય છે કે આ અરસામાં ઇરાકમાં લગભગ ૧૦ હજાર ભારતીયો કામ કરતા હતા.

ફાઇલ કેમ બંધ ન થઇ?

લાપતા ભારતીય નાગરિકોનું વર્ગીકરણ ચાર કેટેગરીમાં કરવામાં આવે છે. જેમાં પ્રિઝનર્સ ઓફ વોર, મિસિંગ, કિલ્ડ અને બિલિવ્ડ ટુ બી કિલ્ડ. જ્યાં સુધી વ્યક્તિના મૃત્યુનો નક્કર પુરાવો નથી મળી જતો ત્યાં સુધી ભારત સરકાર તેની ફાઇલ બંધ કરતી નથી.

કઇ રીતે થઇ ઓળખ?

સૌપ્રથમ ૨૦૧૭માં વિદેશ રાજ્ય પ્રધાન જનરલ (નિવૃત્ત) વી. કે. સિંહને ઇરાકના ઇરબિલ શહેરમાં મોકલવામાં આવ્યા. જેથી ૩૯ લાપતા ભારતીયો વિશે નક્કર જાણકારી મેળવી શકાય. ભારતીય એજન્સીઓએ ઇરાકના મોસુલ, બાદુશ, તલાફારમાં શોધખોળ શરૂ કરી. આ ટીમમાં વી. કે. સિંહની સાથે ઇરાકમાં ભારતના રાજદૂત પ્રદીપ રાજપુરોહિત તેમજ ઇરાક સરકારના એક અધિકારી સામેલ હતા.

અને પહાડ ખોદાવ્યો

જ્યારે સર્ચ ટીમ મોસુલ નજીક આવેલા બદુશ નામના ગામે પહોંચી તો ત્યાં એક શખસે જણાવ્યું કે ગામની નજીક એક પહાડ પર એક સાથે કેટલાય લોકોને દફનાવવામાં આવ્યા છે. આ પછી ભારતે ઇરાકની મદદ માંગી. ઇરાકી વહીવટી તંત્રે ડીપ પેનિટ્રેશન રડારથી શોધ્યું કે પહાડમાં કેટલીય લાશો દફનાવવામાં આવી છે. ભારતની વિનંતીથી સમગ્ર પહાડ ખોદાવવામાં આવ્યો. ત્યાંથી મળેલા અવશેષોમાં લાંબા વાળ, કડા, આઇડી કાર્ડ્સ તેમજ ઇરાકમાં ન બનતાં હોય તેવા જૂતા મળ્યા. આ અવશેષોને બગદાદ મોકલવામાં આવ્યા. આ અવશેષ પણ ૩૯ મૃતદેહોના જ હતા.
આ પછી ભારતીયોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ એકત્ર કરાયા હતા. પંજાબ, હિમાચલ, પશ્ચિમ બંગાળ અને બિહાર સરકારે આ સેમ્પલ એકત્ર કર્યા હતા. આ સેમ્પલ ઇરાક મોકલાયા હતા અને જ્યાં ઇરાકી તંત્ર, માર્ટિયર્સ ફાઉન્ડેશન અને રેડ ક્રોસની મદદથી મૃતકોના ડેટાબેઝ સાથે સેમ્પલની સરખામણી શરૂ કરાઇ હતી. સેમ્પલના મેચિંગ બાદ ૧૯ માર્ચ ૨૦૧૮ના રોજ પુરવાર થયું હતું કે તમામ ભારતીયો ત્યાં માર્યા ગયા છે.

મતૃદેહ ક્યારે મળશે?

સંસદમાં નિવેદનના કેટલાક કલાકો બાદ સુષ્મા સ્વરાજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું, ‘હવે આ કામમાં (સ્વજનોને મૃતદેહો) સોંપવામાં વિલંબ કરાશે નહીં. અમે અધિકારીઓને સુચના આપી છે કે ઔપચારિક્તા શક્ય તેટલી વહેલી પૂરી કરવામાં આવે અને કોફિન્સ તૈયાર રાખવામાં આવે. આ પછી જનરલ વી. કે. સિંહ વિમાનમાં ઇરાક જશે. તેઓ વિમાનમાં મૃતદેહો લઇને પરત આવશે. પહેલાં અમૃતસર કે જલંધર જશે, ત્યાં પંજાબ અને હિમાચલના પરિવારોને મૃતદેહો સોંપવામાં આવશે. આ પછી વિમાન પટણા અને પછી કોલકતા જઇને તેમના પરિવારજનોને મૃતદેહો સોંપશે. જનરલે સિંહે કહ્યું હતું કે આ માટે કાનૂની પ્રક્રિયા કરવી પડશે. આપણે ઇરાકનો સંદેશ મળવાની રાહ જોઇ રહ્યા છીએ. મૃતદેહોને પરત લાવવામાં આઠ-દસ દિવસ લાગી જશે.


comments powered by Disqus