કર્ણાટકમાં લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો

Wednesday 21st March 2018 08:02 EDT
 
 

બેંગ્લુરૂઃ કર્ણાટકમાં લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો મળ્યો છે. સોમવારે લિંગાયત સમુદાયના આગેવાનો કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થમૈયાને મળ્યા હતા. તેમની પાસે લિંગાયતને અલગ ધર્મ અને લઘુમતીનો દરજ્જો આપવા માગણી કરી હતી. સરકાર દ્વારા નાગભૂષણ કમિટીનાં સૂચનો અને રાજ્ય લઘુમતી કાયદા હેઠળ આ પરવાનગી અપાઈ છે. આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે કેન્દ્ર સરકાર પાસે મોકલાશે. કર્ણાટકમાં બે મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે કોંગ્રેસ સરકારનો આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે.
બીજી તરફ કર્ણાટકમાં સત્તા માટે પ્રયાસ કરી રહેલા ભાજપ માટે મોટા ફટકા સમાન છે. ભાજપ ઘણા વખતથી આ માગણીનો વિરોધ કરતો આવ્યો છે. બીજી તરફ સ્થિતિ એવી છે કે, ભાજપના મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને કર્ણાટકમાં ભાજપનો ચહેરો બનેલા અને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર બી. એસ. યેદીયુરપ્પા લિંગાયત સંપ્રદાયમાંથી આવે છે. કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર હવે ફસાઈ છે. આ મુદ્દે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારે કરવાનો હોવાથી ભાજપ ભીંસમાં આવ્યો છે. કર્ણાટકમાં લિંગાયત સમાજનું રાજકીય મહત્ત્વ ખૂબ જ છે. રાજ્યની ૧૮ ટકા વસતી આ સમુદાયની છે. તેઓ ૧૦૦ જેટલી બેઠકોને અસર કરી શકે તેમ છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તેલંગણા, આંધ્ર પ્રદેશમાં પણ મોટી સંખ્યામાં છે. મધ્ય પ્રદેશમાં લિંગાયતોની સામાન્ય હાજરી છે.


comments powered by Disqus