લંડનઃ કોમનવેલ્થ યુથ એવોર્ડ ૨૦૧૮ માટે જે ૨૦ યુવાપ્રતિભાઓની પસંદગી કરવામાં આવી છે તેમાં ભારતીય મૃણાલિની દયાલ અને યોગેશ કુમારનો સમાવેશ થાય છે. આ એવોર્ડ સમાજમાં મહત્ત્વની અસર કરે તેવા ઈનોવેટિવ પ્રોજેક્ટ અને પ્રોગ્રામ વિક્સાવનારા ૧૫થી ૨૯ની વયના પ્રતિભાશાળી યુવક -યુવતીને અપાય છે.
આગામી એપ્રિલમાં લંડનમાં યોજાનારી કોમનવેલ્થ યુથ ફોરમ દરમિયાનરિજનલ યંગ પર્સન્સ ઓફ ધ યરની પસંદગી થશે. તેમાં કોમનવેલ્થ યંગ પર્સન ઓફ ધ યરની પસંદગી થશે.
ભારતની મૃણાલિની દયાલ ‘હેલ્થ ઓવર સ્ટીગ્મા’ સંસ્થાની કેમ્પેન લીડર છે. ભારતનું પ્રતિનિધિત્વ કરતા યોગેશ કુમાર કુરિયરના કામમાં મહિલાઓને નોકરી આપીને લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપતી સામાજિક ઉદ્યોગ સંસ્થા ‘ઈવન કાર્ગો’ના સ્થાપક છે.
આ ઉપરાંત પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતા અન્ય મૂળ ભારતીય ફાઈનલિસ્ટ્સમાં સિંગાપોરના વાનેસા પ્રાણજોતિ, ફિજીના એલ્વિસ આનલ કુમાર અને કેનેડાના કેહકશા બાસુનો સમાવેશ થાય છે.

