કોલકાતાઃ તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને મળીને બિનભાજપી અને બિનકોંગ્રેસી રાજકીય મોરચો રચવાની ઘોષણા કરી હતી. બંને નેતાઓએ જણાવ્યું હતું કે દેશ માટે ત્રીજો મોરચો જરૂરી છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે. મમતા બેનરજીએ કહ્યું કે, ત્રીજા મોરચામાં સામેલ થવા અન્ય રાજકીય પક્ષો સાથે વાતચીત કરાશે. મમતાએ કહ્યું કે, જ્યારે રાજ્યો મજબૂત હશે ત્યારે જ દેશ મજબૂત વિકસિત બની શકે છે. દેશ પર એક જ પક્ષનું શાસન ના હોવું જોઈએ.
બંને નેતાઓએ ચોથી માર્ચના રોજ ફોન પર વાતચીત કરી હતી. તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના વડા તે વાતચીત પછી તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીને મળવા કોલકાતા પહોંચ્યા હતા.

