વિધાનસભાના ૫૮ વર્ષના ઇતિહાસને કલંક બેશરમ ધારાસભ્યોની મારામારી

Wednesday 21st March 2018 07:29 EDT
 
 

ગાંધીનગરઃ વિધાનસભામાં ૧૪ માર્ચે અભૂતપૂર્વ ઘટના બની. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલને માઇક ઉખાડીને માથામાં ફટકારતા સમગ્ર ગૃહ સમરાંગણમાં ફેરવાઈ ગયું હતું. આ પછી તો બન્ને પક્ષોએ બેફામ મારપીટ કરીને વિધાનસભાના ૫૮ વર્ષના ઇતિહાસને કલંકિત કર્યો હતો. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને ત્રણ વર્ષ માટે અને બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરીને તેમને સંકુલમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. જેની ચર્ચા પૂરી થયા પછી કોંગ્રેસના ઉપનેતા શૈલેશ પરમાર પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવા ઉભા થયા એ જ વખતે કોંગ્રેસના વિક્રમ માડમ પોતાના સ્થાને ઊભા થયા હતા અને કહ્યું કે સવારથી મારી આંગળી ઊંચી છે છતાં મને બોલવા દેવાતો નથી. અધ્યક્ષે તેમને બેસી જવા વિનંતી કરી છતાં તેમણે બોલવાનો આગ્રહ રાખ્યો હતો.
અધ્યક્ષે કહ્યું કે કોઈ મારું સગું નથી. તમને દુવિધા હોય તો મને ચેમ્બરમાં મળજો. દરમિયાન પાછળથી કોંગ્રેસના અમરીશ ડેર પણ ઊભા થઈ ગયા અને વિક્રમ માડમના સમર્થનમાં કહ્યું કે અમારા સિનિયર નેતાઓને વાંધો નથી તો તમને શું વાંધો છે, કેમ બોલવા દેતા નથી. અધ્યક્ષે તેમને સ્પષ્ટ સૂચના આપી કે તમે વચ્ચે બોલો નહીં, તમારી જગ્યા પર બેસી જાવ. અમરીશ ડેર ઉશ્કેરાટ સાથે વેલમાં ધસી આવ્યા. સાથે વિક્રમ માડમ પણ વેલ તરફ ધસી આવતા અધ્યક્ષે બન્નેને સસ્પેન્ડ કર્યા હતા. જેથી સાર્જન્ટો તેમને લઈને બહાર જઈ રહ્યા હતા.
દરમિયાન ભાજપ તરફથી કોમેન્ટ આવતા ડેર ઉશ્કેરાઈ ગયા અને સાર્જન્ટો પાસેથી છટકીને ભાજપના સભ્યો તરફ ધસી જવાના પ્રયાસ કર્યા હતા. સાર્જન્ટો ડેરને લઈને ગૃહની બહાર જઈ રહ્યા હતા. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના સભ્યો પોતાના સ્થાને ઉભા થઈ ગયા હતા અને સામસામી કોમેન્ટ કરી રહ્યા હતા. આ સમયે અચાનક પ્રતાપ દૂધાત દોડીને આવ્યા, અને મહેશ વસાવાની બેઠક પરનું માઇક ખેંચીને ઉખેડી કાઢીને સીધું ભાજપના સભ્ય જગદીશ પંચાલને માથામાં ફટકારી દીધું હતું. આ સાથે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રતાપ દૂધાતને નેમ કરીને પૂરી ટર્મ માટે સસ્પેન્ડ કરી ટર્મ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો, ગૃહને ૧૦ મિનિટ માટે મોકૂફ રખાયું હતું.
સાર્જન્ટો દૂધાતને પકડીને બહાર લઈ ગયા હતા. આ સમયે ગૃહની બહાર લઈ જવાયેલા ડેર અન્ય દરવાજેથી ગૃહમાં દાખલ થયા હતા અને જગદીશ પંચાલને પાછળથી ધબ્બો માર્યો હતો. આ જોતાં જ ભાજપના દસથી બાર ધારાસભ્યો અમરીશ ડેર પર તૂટી પડ્યા હતા અને ફ્લોર પર નીચે પાડીને માર માર્યો હતો. સાર્જન્ટો વચ્ચે પડીને ડેરને ગૃહની બહાર લઈ ગયા હતા. હાઉસમાં આ પ્રકારની ઘટનાથી ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે સાર્જન્ટોએ દીવાલ બનાવી દીધી હતી જેના કારણે મારામારીની વધુ ઘટના બનતા રહી ગઈ હતી.
બાદમાં ગૃહની બહાર લોબીમાં ભાજપના હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ રજિસ્ટરમાં સહી કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના અમરીશ ડેર અને બળદેવજી ઠાકોર ત્યાં આવી પહોંચતા ફરી મારામારી થઈ હતી. આ વખતે કોંગ્રેસના સિનિયર ધારાસભ્યો અને ભાજપના મંત્રીઓ હાજર હોવાથી તેમણે તમામને છૂટા પાડ્યા.

માઇક માર્યું એ કોંગ્રેસના દૂધાત...

‘જગદીશ પંચાલ છેલ્લા કેટલાક દિવસથી અપશબ્દો બોલીને મને ઉશ્કેરતા હતાં. સતત સાત દિવસથી મારી સાથે ખરાબ વર્તન થયું હતું. કોઈ મને ગાળ બોલે એ હું સાંભાળી શકું નહીં. એઠ મારા સંસ્કાર નથી.’

માઇક વાગ્યું એ ભાજપના પંચાલ...

‘મેં અસંસદીય શબ્દો બોલ્યાં હોય, કે હું સતત અઠવાડિયાથી પ્રતાપ દૂધાતને ગૃહમાં હેરાન કરીને ઉશ્કેરવાનો પ્રયાસ કરતો હોઉં તેના પુરાવા રજૂ કરવામાં આવશે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ.’

અધ્યક્ષ પર પક્ષપાતનો આક્ષેપ

આ ઘટનામાં ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું કે, કોઇની હત્યા થાય તેવો આ પ્રયાસ હતો. મેં દૂધાતને સમગ્ર સત્રમાં સસ્પેન્ડ કરવા આદેશ કર્યો હતો, પણ ટ્રેઝરી બેન્ચ ઉદાર છે. તો બીજી તરફ આ હોબાળા વચ્ચે કોંગ્રેસીઓએ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનું વલણ પક્ષપાતી હોવાના આક્ષેપ કોંગ્રેસીઓએ કર્યાં છે. ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે આક્ષેપ કર્યો હતો કે, સાર્જન્ટે મને જાણ કરી હતી કે આજે ગૃહમાં ધમાલ થશે.

ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ

ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસે બીજા દિવસે ૧૫ માર્ચે ગૃહના પ્રારંભે ગાંધીચિંધ્યા માર્ગે અસહકારની ચળવળ ચલાવી હતી. ગૃહમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસના અન્ય સભ્યોએ પ્રશ્નોત્તરી દરમિયાન ગૃહમાં હાજર હોવા છતાં પ્રશ્નો ન પૂછીને અસહકારની ચળવળ ચલાવી હતી. તેમણે કહ્યું હતું કે, ઘટનામાં જવાબદાર ભાજપના અમદાવાદ શહેરના પ્રમુખ જગદીશ પંચાલ બોલવા ઊભા થયા ત્યારે પણ કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહ છોડી દીધું અને તેનો બોયકોટ કર્યો હતો.

ઘીના ઠામમાં ઘી પડશે?

અધ્યક્ષે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોમાંથી બેને ત્રણ વર્ષ માટે અને એકને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે અને કોંગ્રેસે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો છે. દરમિયાન અહેવાલ છે કે આ મુદ્દે વાટાઘાટોનો એવો તખતો રચાઈ રહ્યો છે કે, જો કોંગ્રેસ અધ્યક્ષ સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ પાછો ખેંચે તો કોંગ્રેસના ધારાસભ્યોનું સસ્પેન્શન રદ થઈ પણ શકે. ૨૭મી માર્ચ આ મુદ્દો ગૃહમાં ચર્ચામાં આવી શકે છે.


comments powered by Disqus