હરજીત મસીહના આઇએસની ચુંગાલમાંથી છુટકારા અંગે દાવા-પ્રતિદાવાઃ સાચું કોણ?

Thursday 22nd March 2018 03:02 EDT
 
 

નવી દિલ્હીઃ ઇરાકના મોસુલમાં ૩૯ ભારતીય શ્રમિકો આઇએસઆઇએસના આતંકીઓના હાથે માર્યા ગયા છે, પરંતુ હરજીત મસીહ એક એવો સદનસીબ છે કે જે આતંકીઓની ચુંગાલમાંથી છુટીને ભારત પહોંચવામાં સફળ રહ્યો છે. જોકે હરજીતની મુક્તિ અંગે તેના પોતાના દાવા
અને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના દાવામાં વિરોધાભાસ જોવા મળે છે.

હરજીત મસીહ કોણ છે? તેનો દાવો શું હતો?

હરજીત મસીહ એ જ કંપનીમાં કામ કરતો હતો, જ્યાં આ તમામ ભારતીયો કામ કરતા હતા. આઇએસઆઇએસની ચુંગાલમાંથી છૂટ્યા બાદ તેણે ઇરબિલના એક નાકા પરથી સુષ્મા સ્વરાજને ફોન કર્યો હતો.
તેણે દાવો કર્યો હતો કે આઇએસઆઇએસના આતંકી તમામ ભારતીય બંધકોને જંગલમાં લઇ ગયા છે. ત્યાં તેમને લાઇનસર ઉભા કરીને તેમને ગોળી મારી દેવામાં આવી છે. હરજીતને પગમાં ગોળી લાગી હોવાથી તે બચીને ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.,

પણ હરજીત આતંકી પંજામાંથી કઇ રીતે બચ્યો?

સુષ્મા સ્વરાજે કહ્યું, ‘આઇએસઆઇએસે જ્યારે મોસુલ પર કબજો કરવાનું શરૂ કર્યું ત્યારે કંપનીના માલિકે બધાને ત્યાંથી નીકળી જવાનું કહ્યું. પરંતુ ભારતીય અને બાંગ્લાદેશીઓ ત્યાંથી નીકળી શક્યા નહીં. તેમને એક ટેક્સટાઇલ ફેક્ટરીમાં લઇ જઇને ભારતીયો અને બાંગ્લાદેશીઓને અલગ કરી દેવામાં આવ્યા હતા. એક કેટરર ભારતીયોને ઇરબિલ લઇ ગયો. કેટરરે બાદમાં જણાવ્યું કે હરજીત મસીહને મુસ્લિમ નામ આપીને બાંગ્લાદેશીઓ સાથે બચાવીને સુરક્ષિત બહાર કાઢી લીધો. તે કેટરર હરજીતને અલી તરીકે ઓળખાવીને ઇરબિલ લઇ આવ્યો હતો.

મસીહના દાવા અંગે સુષ્મા સ્વરાજે શું કહ્યું?

સુષ્મા સ્વરાજે સંસદમાં નિવેદનમાં જણાવ્યું છે કે હરજીત મસીહની વાત સાચી નહોતી. પત્રકાર પરિષદમાં સ્વરાજે કહ્યું કે હરજીત મસીહે જુલ્મ ગુજારાયો હોવાની વાત કરી હતી, પરંતુ તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હરજીતે આપેલી માહિતીના આધારે તરત પગલાં કેમ લેવામાં આવ્યા નહીં ત્યારે તેમણે કહ્યું હતું કે કોઇ એક એક વ્યક્તિના કહેવા પ્રમાણે જો હું આપણા નાગરિકોની શોધખોળ અટકાવી દઉં તો તે બેજવાબદારી ભર્યું પગલું ગણાય. આ વાત મેં રાજ્યસભામાં પણ કહી હતી અને જ્યાં સુધી નક્કર પુરાવા નહીં મળે ત્યાં સુધી કોઇના પણ મૃત્યુનું સમર્થન નહીં કરું.

સુષ્મા સ્વરાજે સંસદને સવાલ કર્યો

સુષ્મા સ્વરાજે ૨૬ જુલાઇ ૨૦૧૭ના રોજ લોકસભામાં આપેલા એક નિવેદનમાં કહ્યું હતું, ‘ના તો આપણને મૃતદેહો મળ્યા છે, ના તો આપણને લોહીના ધબ્બા મળ્યા છે. એક વ્યક્તિ કહી રહી છે કે તેમને મારી નાંખવામાં આવ્યા છે. અમારા સોર્સ કહે છે કે તે લોકો જીવતા છે. તો મારે શું કરવું જોઇએ? તેમને મૃત્યુ પામેલા માની લઇને શોધખોળ છોડી દેવી જોઇએ કે પછી તપાસ ચાલુ રાખવી જોઇએ?
તેમણે કહ્યું હતું કે હું તેમના સીધા સંપર્કમાં નથી. મારી પાસે તેમના જીવતા હોવાના કોઇ પુરાવા નથી, પરંતુ મારી પાસે તેમના માર્યા જવાના પુરાવા પણ નથી. સંસદને જણાવવા માંગું છું કે હું બીજા રસ્તો પસંદ કરીશ.’


comments powered by Disqus