હરિભાઇએ લાંચ લીધી, અજીત દોવલે તપાસ રોકી

આક્ષેપોની ઝડી, સત્ય શું?

Wednesday 21st November 2018 05:09 EST
 
 

નવી દિલ્હીઃ ભારત સરકાર ટોચની તપાસનીશ સંસ્થા સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના વડા આલોક વર્મા અને સ્પે. ડિરેક્ટર રાકેશ આસ્થાના વચ્ચે ચાલતા કજિયા-કંકાસે હવે રાજકીય વળાંક લીધો છે.
સીબીઆઈની એન્ટિકરપ્શન યુનિટના ડીઆઈજી મનિષ કુમાર સિંહાએ લેખિત આક્ષેપ કર્યો છે કે મોદી સરકારના પ્રધાન અને ગુજરાતના વરિષ્ઠ નેતા બનાસકાંઠાના સાંસદ હરિભાઇ ચૌધરીએ માંસના નિકાસકાર મોઇન કુરેશી પાસેથી લાંચ લીધી છે. એટલું જ નહીં, આસ્થાના સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ ખોરંભે પાડવા હરિભાઇ ઉપરાંત નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત દોવલ અને ચીફ વિજિલન્સ કમિશનર (સીવીસી) કે. વી. ચૌધરીએ હસ્તક્ષેપનો પ્રયાસ કર્યો હતો.
ડીઆઈજી સિંહા સોમવારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા અને તેમનો ટ્રાન્સફર ઓર્ડર રદ કરવાની માગ સાથે પિટિશન કરી હતી. ૩૫ પાનાની પિટિશનમાં સિંહાએ આક્ષેપ કર્યો છે કે નીરવ મોદી અને રાકેશ આસ્થાના સામેની તપાસને અટકાવવા મારી નાગપુર ટ્રાન્સફર કરાઇ છે.
આસ્થાના સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરવા રચાયેલી ટીમમાં સિંહા પણ હતા. સિંહાએ તેમની અરજી પર વર્માની અરજીની સાથે તાકીદે સુનાવણી હાથ ધરવા અને આસ્થાના સામેની FIRની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (‘સીટ’) દ્વારા તપાસની માગ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે અરજી પર તાકીદે સુનાવણીનો ઇનકાર કર્યો હતો.
સિંહાએ પિટિશનમાં આક્ષેપ કર્યો છે કે, જે વ્હીસલ બ્લોઅર સાના સતીષબાબુનાં નિવેદનના આધારે રાકેશ આસ્થાના સામે ફરિયાદ થઈ છે, તે સાનાએ એવો દાવો કરેલો કે તેણે આ કેસ રફેદફે કરવા કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીને કરોડો રૂપિયાની લાંચ આપેલી છે.
૨૪ ઓક્ટોબરે મધરાત્રે થયેલી પોતાની ટ્રાન્સફરને આપખુદ અને બદઈરાદાપૂર્ણ ગણાવતાં સિંહાએ આક્ષેપ કર્યો છે કે, તેમની પાસે જે તપાસ હતી તેમાં કેટલાક ઉચ્ચ સ્થાને બેઠેલા વગદાર લોકો વિરુદ્ધ ચોંકાવનારા પુરાવા મળી શકે તેમ હતા. આથી તેનો ભોગ લેવાના આશયે બદલી કરાઇ છે.
સિંહાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દોવલ, કોલસા અને ખાણ રાજ્યપ્રધાન હરિભાઈ ચૌધરી, સી.વી.સી. કે. વી. ચૌધરી, કાયદા સચિવ સુરેશ ચંદ્રા, કેબિનેટ સેક્રેટરી પી. કે. સિંહા સહિતના મહાનુભાવો સામે અત્યંત ચોંકાવનારા અને સ્ફોટક આક્ષેપો કર્યા છે.
મોદી સરકારના પ્રધાન અને ગુજરાતના નેતા બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ માંસના નિકાસકાર મોઈન કુરેશી પાસેથી લાંચ લીધી હોવાનો ગંભીર આરોપ મૂકાતાં કેસમાં નવો વળાંક આવ્યો છે.
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૪,૦૦૦ કરોડની છેતરપિંડી કેસના આરોપી જ્વેલર નિરવ મોદી અને તેના કાકા મેહુલ ચોકસી સામે કૌભાંડોમાં તપાસ હવાલો સંભાળી ચૂકેલા અધિકારી સિંહાએ આક્ષેપ કર્યો છે અનેક કેસોની જેમ આમાં પણ સરકારનો હસ્તક્ષેપ છે. જેમાં કાયદા સચિવ સુરેશ ચંદ્ર પણ સામેલ છે. આઇએએસ અધિકારી રેખા રાણીએ કાયદા સચિવ વતી સતીષ સાનાનો કથિત સંપર્ક કર્યો હતો.

વિપુલે ચૂકવણું કરેલું

પિટિશનમાં સિંહાએ આક્ષેપ કર્યો છે કે, જૂન ૨૦૧૮ના પ્રથમ પંદર દિવસમાં રાજ્યપ્રધાન હરિભાઈ પરથીભાઈ ચૌધરીને કેટલાક કરોડ રૂપિયા ચૂકવાયા હતા. સાના સતીષબાબુએ આ માહિતી તેમને આપીને કહ્યું હતું કે, હરિભાઈએ તેમના કેસમાં સીબીઆઈના અધિકારીઓ મારફતે મિનિસ્ટર ઓફ પર્સોનેલ, પબ્લિક ગ્રિવન્સ એન્ડ પેન્શનની ઓફિસેથી બધું રફેદફે કરાવી દેશે. રકમ હરિભાઈને જ ચૂકવાયેલી. સિંહાએ ઉમેર્યું કે, ૨૦ ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે સાનાએ તેને કહેલું કે, અમદાવાદના કોઈક વિપુલ નામના વ્યક્તિ મારફતે હરિભાઈને રકમ ચૂકવાઈ હતી. આ વાતની તેમણે તરત ડિરેક્ટર અને એડિશનલ ડિરેક્ટર (એ. કે. શર્મા)ને કરી હતી.

‘આરોપો પાયાવિહોણા’

હરિભાઈએ સીબીઆઈ અધિકારી દ્વારા પોતાના પર થયેલા આરોપોને નકારતા કહ્યું હતું કે આરોપો પાયાવિહોણા અને ષડયંત્રનો એક ભાગ છે. જો કોઈ આ આરોપો સિદ્ધ કરી બતાવે તો હું રાજનીતિ છોડી દઇશ. આરોપોમાં હૈદરાબાદના જે બિઝનેસમેનનો ઉલ્લેખ છે તેમને પોતે ઓળખતા ન હોવાનો દાવો પણ હરિભાઇએ કર્યો હતો.


comments powered by Disqus