દાઉદના ફાઇનાન્સ મેનેજર જાબિર મોતીની ધરપકડ

Wednesday 22nd August 2018 08:03 EDT
 
 

લંડનઃ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ વિરુદ્ધ કાર્યવાહીમાં બ્રિટિશ પોલીસને મોટી સફળતા હાંસલ થઇ છે. પોલીસે ૧૭ ઓગસ્ટ, શુક્રવારે હિલ્ટન હોટલ ખાતેથી દાઉદ ઇબ્રાહીમના ફાઇનાન્સ મેનેજર ગણાતા જાબિર મોતીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કર્યો હતો. તેની પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ મળી આવ્યો હતો. ભારત સરકારે અગાઉ પણ બ્રિટનને મોતીને ઝડપી લેવા બ્રિટનના સત્તાવાળાઓને વિનંતી કરી હતી. ભારત સરકારે આરોપ મૂક્યો હતો કે, જાબિર માદકદ્રવ્યોની દાણચોરી, ખંડણી અને અન્ય અપરાધિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે.

દાઉદ ઇબ્રાહીમનો અત્યંત વિશ્વાસુ સાથી અને પાકિસ્તાનની નાગરિકતા ધરાવતો જાબિર સિદ્દીક ઉર્ફ્ જાબિર મોતી મિડલ ઇસ્ટના દેશો, બ્રિટન, યુરોપ, આફ્રિકા, દક્ષિણપૂર્વ એશિયા અને પાકિસ્તાનમાં ડી કંપનીના મૂડીરોકાણનો વ્યાપ વધારતો હતો. તે દાઉદની પત્ની મેહજબીન, પુત્ર મોઇન નવાઝ, પુત્રીઓ માહરુખ, મેહરીન અને જમાઇ જુનૈદ અને રંગઝેબ સાથે વ્યાપક નાણાકીય સંબંધો ધરાવે છે. બ્રિટનની સિક્યોરિટી એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ શરૂ કરાઇ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૦ વર્ષના બ્રિટિશ વિઝા ધરાવતો મોતી દાઉદના પરિવારજનોને બ્રિટનમાં સ્થાયી કરાવવાના વિકલ્પો પર સક્રિયપણે કામ કરી રહ્યો હતો. દાઉદના મૂડીરોકાણમાંથી થતી મોટાભાગની આવક પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠનોને ફંડ આપવામાં વપરાતી હતી. મોતી દાઉદના માદકદ્રવ્યોના વેપાર, ગેરકાયદેસર શસ્ત્રોની હેરફેર, ભારતની બનાવટી ચલણી નોટો, ખંડણી અને રિઅલ એસ્ટેટ બિઝનેસ સંભાળતો હતો. મોતી પોતે હંગેરી ઉપરાંત, એન્ટિગુઆ, ડોમિનિકન રિપબ્લિકનું નાગરિકત્વ મેળવવાના પ્રયાસમાં હતો.


comments powered by Disqus