લંડનઃ બ્રીક્સટન ટૂયબ સ્ટેશન પહોંચવા માટે હવે પગથિયા ચડવા પડશે નહીં. બે નવી લીફ્ટ શરૂ કરાતા હવે પેસેન્જર્સ સીધા જ સ્ટેશન પર પહોંચી શકશે તેમ ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL)ના હેડ ઓફ સ્ટેશન્સ, બિલ્ડીંગ્સ એન્ડ સિવિલ્સ એસ્થર શાર્પલ્સે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે દિવ્યાંગો, વૃદ્ધો, બગી સાથેના પેરન્ટ્સ અથવા કેરર્સ અને ભારે સામાન સાથેના લોકો સહિત તમામ પેસેન્જર્સ માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે.
અગાઉના મોડેલની લીફ્ટ્સ કરતાં નવી લીફ્ટ્સની જાળવણી ખૂબ સરળ છે. તે ઝડપથી લોકોને સ્ટેશન સુધી પહોંચાડશે. અગાઉ ૨૦૦૫માં મૂકાયેલી લીફ્ટ્સ ભરોસાપાત્ર ન હોવાથી તેને બદલવાની જરૂર હતી. આ મહત્ત્વની કામગીરી પૂર્ણ કરવા માટે બન્ને લીફ્ટને એકસાથે જ બદલવામાં આવી હતી. સિડી અને એસ્કેલેટર્સ સહિત સ્ટેશનના બાકીના ભાગમાં આ કામને લીધે કોઈ અસર થઈ ન હતી.
મેયર અંડરગ્રાઉન્ડના ઈતિહાસમાં પહેલી વખત સમગ્ર ટ્યૂબ નેટવર્કમાં ૨૦૦ મિલિયન પાઉન્ડનું સૌથી મોટું રોકાણ કરી રહ્યા છે. તેઓ ૨૦૨૨ સુધીમાં આવી સુવિધા ધરાવતા સ્ટેશનોની સંખ્યા સમગ્ર નેટવર્કના ૪૦ ટકાથી વધુ એટલે કે ૧૦૦ની ઉપર પહોંચાડવા માગે છે.

