ભારતે તેના સૌથી ચમત્કારિક નેતા ગુમાવી દીધાઃ મીડિયાજગત

Wednesday 22nd August 2018 07:59 EDT
 
 

અટલજીના નિધનને સમગ્ર વિશ્વના મીડિયાએ પ્રાધાન્ય આપ્યું હતું. સાઉથ એશિયા, અમેરિકા, જાપાન, રશિયા, બ્રિટનનાં અખબારોએ લખ્યું કે વાજપેયીએ ભારતને પરમાણુ સંપન્ન તો બનાવ્યું જ, પરંતુ શાંતિના પ્રયાસોને આગળ વધાર્યા. પરિણામે સાઉથ એશિયામાં શાંતિની સ્થાપના થઈ શકી. બધા દેશોના મીડિયાએ તેમની વિદેશ નીતિની પ્રશંસા કરી. અખબારો, ટીવી ન્યૂઝ ચેનલોએ તેમનો પ્રખર વક્તા, કવિ તરીકે પણ ઉલ્લેખ કર્યો. વર્લ્ડ મીડિયાએ તેમને ‘જેન્ટલમેન’ ગણાવતા લખ્યું હતુંઃ તેમની વિદેશનીતિની જ એ કમાલ હતી, જેના કારણે ભારતને મજબૂતી મળી.
• વોશિંગ્ટન પોસ્ટઃ અખબારે લખ્યું ભારતને ન્યુક્લિયર પાવર બનાવનારા વડા પ્રધાન વાજપેયીનું ૯૩ વર્ષની વય નિધન થઈ ગયું. તેમણે ભારતને પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્ર બનાવવાની સાથે અમેરિકાના સંબંધોને તણાવમુક્ત બનાવ્યા. અમેરિકાએ આ પરીક્ષણો બાદ ભારત સાથે મંત્રણા બંધ કરતા અનેક પ્રતિબંધો પણ લગાવ્યા હતા. આમ છતાં, વાજપેયીએ પાછલા રસ્તે તત્કાલીન પ્રમુખ બિલ ક્લિન્ટન સાથે મિત્રતાપૂર્ણ વાતચીત ચાલુ રાખી. તેનું જ પરિણામ હતું કે વર્ષ ૨૦૦૦માં ક્લિન્ટન ભારત ગયા હતા. એક અમેરિકન પ્રમુખનો ૨૦ વર્ષ પછીના આ પ્રથમ ભારત પ્રવાસ હતો, અને તેનો યશ વાજપેયીને
જાય છે.
• ધ ગાર્ડિયનઃ ત્રણ વખત વડા પ્રધાન રહી ચૂકેલા અટલજીને દુનિયા એક હિન્દુવાદી નેતા તરીકે યાદ રખાશે. તેમણે પાકિસ્તાન સાથે પરમાણુ હથિયારોની રેસ શરૂ કરી, પરંતુ રાજનેતા તરીકે તેમણે સરહદની બન્ને બાજુએ શાંતિના અથાક પ્રયાસ પણ કર્યા. આ માટે તેઓ ૧૯૯૯માં બસમાં બેસીને લાહોર ગયા. અખબારે તો ત્યાં સુધી લખ્યું છે કે અટલ બિહારી વાજપેયીએ દુનિયાને બ્લેક એન્ડ વ્હાઇટ લેન્સથી જોવા માટે મજબૂર કરી.
• ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલઃ ભારતના પૂર્વ વડા પ્રધાન અટલ હવે નથી રહ્યા. તેમના નેતૃત્વમાં ઇઝરાયલ અને ભારતના સંબંધો એક નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. તેમના લીધે જ ૨૦૦૩માં પહેલી વાર એક ઇઝરાયલી વડા પ્રધાન એરિયલ શેરોન ભારતની મુલાકાતે ગયા હતા. ભારત તેના બહોળા મુસ્લિમ સમુદાયને નારાજ ન કરવા માટે વર્ષો સુધી ઇઝરાયલથી અંતર જાળવતું હતું.
• બીબીસી અને ન્યૂ યોર્ક ટાઇમ્સે લખ્યું કે છે બે દાયકા પહેલાં તેમણે પરમાણુ પરીક્ષણ મારફત દુનિયાને ચોંકાવી દીધી હતી. જોકે બાદમાં તેમણે (પડોશી દેશ સાથે) શાંતિ પ્રયાસોને આગળ ધપાવવામાં કોઈ કસર બાકી રાખી નહોતી.


comments powered by Disqus