લોકલાડીલા નેતાને અટલ બનાવતી છ વાતો

Thursday 23rd August 2018 07:54 EDT
 
 

• પોખરણ: ૧૯૯૮માં સરકાર બન્યાને ત્રણ જ મહિના થયા હતા અને વાજપેયીએ પરમાણુ પરીક્ષણનો નિર્ણય લીધો. અમેરિકા વિરુદ્ધમાં હતું. તેની ગુપ્તચર સંસ્થા સેટેલાઇટથી વોચ રાખી રહી હતી. તેને ચકમો આપી ૧૧ અને ૧૩ મે ૧૯૯૮માં પોખરણમાં સફળ પરીક્ષણ કરાયાં. આ પછી તત્કાલીન અમેરિકી પ્રમુખ ક્લિન્ટનને લખ્યુંઃ ‘પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ એ દેશની સામે નહીં થાય જેની ભારત પ્રત્યે ખરાબ ભાવના નથી.’
• ચંદ્રયાન: ૧૫ ઓગસ્ટ ૨૦૦૩ના રોજ વાજપેયીએ મૂનમિશન ‘ચંદ્રયાન-૧’ની જાહેરાત કરી. ૨૨ ઓક્ટોબર ૨૦૦૮ના રોજ શ્રીહરિકોટથી લોન્ચ કરાયું. તેનું કામ ચંદ્રની પરિક્રમા કરી માહિતી એકત્ર કરવાનું હતું. યાને ચંદ્ર પર પાણીની શોધ કરી, જે ‘ઇસરો’ની સૌથી મોટી સફળતા મનાય છે.
• રાજધર્મ: ગુજરાતનાં રમખાણો વખતે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રેસ કોન્ફરન્સમાં સાથે બેસાડીને નિવેદન આપ્યુંઃ ‘મોદી રાજધર્મ નિભાવે...’ આ નિવેદન એટલા માટે પણ મહત્વનું હતું કે રમખાણો દરમિયાન સરકારની ભૂમિકા સામે સવાલ ઊઠ્યા હતા. જોકે, મોદીને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય પણ તેમનો જ હતો. બીજી બાજુ સમગ્ર ભાજપ અયોધ્યામાં બાબરી ધ્વંસનો જશ્ન મનાવતો હતો ત્યારે વાજપેયીએ કહ્યું હતું, ‘આ ખોટું છે.’
• બસ યાત્રાઃ વડા પ્રધાન બન્યા ત્યારથી વાજપેયીએ પાકિસ્તાન સાથે શાંતિ મંત્રણાની નીતિ અમલમાં મૂકી હતી. આ જ નીતિના ભાગરૂપે દિલ્હી-લાહોર બસ સેવાનો પ્રારંભ કર્યો. ૧૯ ફેબ્રુઆરી ૧૯૯૯ના રોજ વાજપેયી ખુદ બસમાં બેસીને દિલ્હીથી અમૃતસર થઈને વાઘા બોર્ડર પાર કરીને લાહોર પહોંચ્યા હતા. તત્કાલીન પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફે તેમનું સ્વાગત કર્યું હતું. શરીફે તો હળવા અંદાજમાં પ્રશંસા કરતા કહ્યું હતું કે દિલ્હી-લાહોર બસ સેવાની પાકિસ્તાનના નાગરિકોમાં એટલી હકારાત્મક અસર થઈ છે કે હવે વાજપેયીસાહેબ પાકિસ્તાનની ચૂંટણી લડે તો પણ જીતી શકે છે.
• કારગિલ: પાકિસ્તાનની સેના અને આતંકીઓની સંયુક્ત ટુકડીઓ સરહદ ઓળંગીને કાશ્મીરમાં ઘૂસી ત્યારે વાજપેયીએ ફોન કરી પડોશી દેશના વડા પ્રધાન નવાઝ શરીફને સમજાવ્યા, પરંતુ તેઓ માન્યા નહીં. પછી કારગિલ યુદ્ધ શરૂ થયું. ભારતમાં સેનાને પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને હુમલાની મંજૂરીની માંગ ઊઠી, પરંતુ વાજપેયીએ સંયમ રાખ્યો. ઘૂસણખોરોને ખદેડવાનું શરૂ થયું અને અંતે પાકિસ્તાન સેનાને હથિયાર હેઠાં મૂકવા પડ્યાં.
• કંદહાર: ૨૪ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ નેપાળથી દિલ્હી આવતી ફલાઇટને હાઇજેક કરી આતંકીઓ અફઘાનિસ્તાનના કંદહારમાં લઇ ગયા. તેમાં ૧૭૬ યાત્રી અને ૧૫ ક્રૂ સભ્યો હતા. જસવંત સિંહ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર સહિત ત્રણ આતંકીને કંદહાર લઇ ગયા. આ માટે વાજપેયીની ટીકા થઇ. જોકે તેમણે વિનમ્રતાથી તમામ આરોપ પોતાના પર લીધા હતા.


comments powered by Disqus