૧૨ વખત, ૪૭ વર્ષ સુધી સાંસદ રહેવાની અનેરી સિદ્ધિ

Thursday 23rd August 2018 07:55 EDT
 
 

નવી દિલ્હીઃ અટલ બિહારી વાજપેયી ૧૨ વખત સાંસદ તરીકેની એક અનોખી સિદ્ધિ ધરાવતા હતા. તેઓ ૧૦ વખત લોકસભા અને બે વખત રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીના નિધન પછી યોજાયેલી ચૂંટણીમાં માત્ર એક જ વખત હાર્યા છે. ગ્વાલિયરથી માધવરાવ સિંધિયાએ તેમને બે લાખ મતથી પરાજય આપ્યો હતો. તેઓ ૪૭ વર્ષ સુધી સાંસદ રહ્યા. વાજપેયીએ ૧૯૯૧થી ૨૦૦૯ સુધી ૧૦થી ૧૪મી લોકસભા સુધી લખનૌ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૯૬ની ચૂંટણી વેળા તેઓ લખનૌ ઉપરાંત ગાંધીનગર લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જોકે તેમણે આ બેઠક પરથી રાજીનામું આપીને લખનૌ બેઠક જાળવી હતી.
બીજી અને ચોથી લોકસભામાં તેઓ બલરામપુરથી ચૂંટાયા હતા. પાંચમી લોકસભામાં ગ્વાલિયર અને છઠ્ઠી અને સાતમી લોકસભામાં નવી દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૬૨ અને ૧૯૮૬માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા. ડિસેમ્બર ૨૦૦૫માં વાજપેયીએ મુંબઇમાં પાર્ટીના એક સમારોહમાં મતદાન માટેના રાજકારણથી તેમની નિવૃત્તિની જાહેરાત કરી હતી.

નેહરુએ તેમને ભાવિ વડા પ્રધાન ગણાવ્યા હતા

• સંસદમાં અટલજીના ભાષણથી પંડિત નેહરુ પણ પ્રભાવિત હતા. પત્રકાર કિંગશુક નાગે તેમના પુસ્તકમાં લખ્યું છે કે નેહરુએ બ્રિટિશ વડા પ્રધાન સાથે વાજપેયીનો પરિચય કરાવતા કહ્યું હતું, ‘આમને મળો. આ વિપક્ષના ઉભરતા યુવા નેતા છે.’ આ જ રીતે અન્ય એક વિદેશી મહેમાન સાથે અટલજીનો પરિચય ભાવિ વડા પ્રધાન તરીકે કરાવ્યો હતો.
• નેહરુએ અટલજીને હરાવવા માટે તેમની સામે બલરાજ સાહનીને ઉતાર્યા. ઉત્તર ભારતના રાજકારણમાં આ પહેલી વખત કોઈ ઉમેદવાર સામે ફિલ્મસ્ટારને ઉતારાયા. તે ચૂંટણી વાજપેયી
હાર્યા હતા.
• ૧૯૭૭માં મોરારજી દેસાઇ સરકારમાં વિદેશ પ્રધાન બન્યા બાદ અટલજી પોતાની ઓફિસે ગયા. તેમણે નોંધ્યું કે દીવાલ પર લાગેલી નેહરુની તસવીર ગાયબ છે. તેમણે તરત જ આ અંગે નારાજગી વ્યક્ત કરી અને તરત નેહરુની તસવીર પાછી મૂકાવી હતી.
• જ્યારે વાજપેયીએ નેહરુને ચર્ચિલ અને ચેમ્બરલેઇન ગણાવ્યા. અટલજીએ એક વાર સંસદમાં જણાવ્યું કે મેં પંડિતજીને કહી દીધું કે તમારું એક મિશ્ર વ્યક્તિત્વ છે. તમારામાં ચર્ચિલ પણ છે અને ચેમ્બરલેઇન પણ છે. આ સાંભળીને નેહરુજી જરાય નારાજ ન થયા. તે દિવસે જ સાંજે એક મેળાવડામાં નેહરુજી મળી ગયા તો બોલ્યા - ‘આજે તો તેં બહુ જોરદાર ભાષણ આપ્યું’, અને હસીને આગળ વધ્યા.


comments powered by Disqus