મૈસૂરઃ કર્ણાટકની વિધાનસભા દ્રવીડિયન વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ છે. ૧૯૫૧માં મૈસૂર રાજ્ય તરીકે ઓળખાતા કર્ણાટક રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન હનુમંતૈયાએ અમેરિકાના વ્હાઈટ હાઉસ અને લંડનના બકિંગહામ પેલેસ જેવી વિધાનસભાની કલ્પના કરી હતી. રશિયાથી આવેલા એક સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળને હનુમંતૈયાએ બેંગ્લોર શહેરના દર્શન કરાવ્યા હતા. રશિયન પ્રતિનિધિ મંડળમાંની એક વ્યક્તિએ હનુમંતૈયાને પૂછ્યું કે ભારતમાં યુરોપિયન સ્ટાઈલની ઈમારતો વધારે છે. શું આપ વાસ્તુશિલ્પ અંગે કશું જાણો છો?
આથી હનુમંતૈયાને લાગી આવ્યું અને ભારતીય વાસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો બની રહે તેવી વિધાનસભા તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. જનપ્રતિનિધિ સભા કર્ણાટકના મહાન વારસાનું પણ પ્રતિક બને તે માટે ૧૩ જુલાઈ ૧૯૫૧ના રોજ પંડિત જવાહરલાલ નેહરુએ શિલાન્યાસ કર્યો હતો. ૧૯૫૬માં કર્ણાટક વિધાનસભાનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું ત્યારે ૧.૮૪ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આ વિધાનસભા ભવનના કાર્યમાં જેલના ૫૦૦૦થી પણ વધુ કેદીઓની મદદ લેવાઈ હતી.
કર્ણાટક વિધાનસભા ૬૦ એકર વિસ્તારમાં પથરાયેલી છે. દ્રવીડિયન આર્કિટેક્ચરનો નમૂનો ગણાતી વિધાનસભા દેશની સુંદર ઈમારતોમાંની એક છે. આ ઉપરાંત આધુનિક વાસ્તુકળાનો પણ સમન્વય જોવા મળે છે. આ વિધાનસભાની અદભૂત સ્થાપ્ત્યનો નમૂનો ગણાતી સીડી પરથી સીધા વિધાનગૃહમાં પહોંચી શકાય છે. ૧.૩૨ લાખ સ્કેવર ફિટના કુલ ત્રણ ફ્લોર છે. ટોપ ફ્લોર ૧ લાખ વર્ગફૂટનો છે. વિધાનસભાની કુલ લંબાઈ ૭૦૦ ફૂટ, પહોળાઈ ૩૫૦ ફૂટ અને હાઈટ ૧૫૦ ફૂટ છે. વિધાનસભાની ઈમારતની વચ્ચેનો ગુંબજ ૬૦ ફૂટ છે. આ ગુંબજને ૮ પીલરનો ટેકો છે. કુલ ૬ ગુંબજ શોભા વધારે છે. જેમાં ચાર આગળ અને બે પાછળ છે.

