બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી તા.૧૪ મેને સોમવારે બેંગલુરુથી ચેન્નાઈ પહોંચ્યા હતા. ત્યાં તેમણે તા.૨૧મે સુધી વિચરણ કર્યું હતું. ચેન્નાઈમાં વિચરણ દરમિયાન તેમણે બાળ, કિશોર તેમજ યુવક-યુવતી અને પુરુષો-મહિલાઓની સભાઓમાં ઉપસ્થિત રહીને સૌને દર્શન અને સત્સંગનો લાભ આપ્યો હતો.
પૂ. મહંતસ્વામીએ સૌને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ સાથે આશીર્વચન પાઠવ્યા હતા. બાળ અને યુવા કલાકારોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો પૂ. મહંત સ્વામીએ રસપૂર્વક નિહાળ્યા હતા. સોમવાર તા.૨૧મેએ પૂ.મહંત સ્વામી રાજકોટ પહોંચ્યા હતા. મંગળવાર તા.૨૨મી મેથી રોજ સવારે પૂ. મહંત સ્વામી હરિભક્તોને પૂજાદર્શન તેમજ આશીર્વચનનો લાભ આપી રહ્યા છે. તેમની નિશ્રામાં વિશેષ સાયંસભાનું પણ આયોજન થઈ રહ્યું છે. જેમાં સંતો દ્વારા વિવિધ વિષયો પર પ્રવચન અને બાલવૃંદ તેમજ યુવક મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થઈ રહ્યા છે. બાદમાં પૂ. મહંત સ્વામી આશીર્વચન પાઠવે છે. રવિવાર તા.૨૭મેએ પૂ. મહંત સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નું આયોજન કરાયું છે. આ મહોત્સવમાં ‘દુઃખનો દેહાંત, સુખનો સૂર્યોદય’ વિષય પર અપૂર્વમુનિદાસ સ્વામી પ્રેરક પ્રવચન પણ આવશે. પૂ. મહંત સ્વામી રાજકોટમાં રવિવાર તા. ૩ જૂન સુધી વિચરણ કરશે.

