નવી દિલ્હીઃ ભાજપના વ્યૂહરચનાકાર લઘુમતી સરકાર રચવાના પક્ષમાં નહોતા, પરંતુ કેન્દ્રીય નેતૃત્વ અડી જતાં યેદ્દિયુરપ્પાએ શપથ લીધા. સૂત્રોના કહેવા મુજબ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવનાર રાજ્યસભાના સભ્ય રાજીવ ચંદ્રશેખર માનતા હતા કે બહુમતીનો મેળ જલદી શક્ય નથી. પહેલાં જેડીએસ-કોંગ્રેસને સરકાર રચવા દો. ફ્લોર ટેસ્ટ માટે રાજ્યપાલ તેમને ૧૦-૧૫ દિવસ આપશે. દરમિયાન ધારાસભ્યોને તોડીને જેડીએસ-કોંગ્રેસ સરકાર પાડી શકાય. નહીંતર ૫-૬ મહિનામાં ગઠબંધન સરકારમાં વિવાદ જરૂર થશે. લોકસભા ચૂંટણી નજીક હોવાથી કુમારસ્વામી સરકાર પાડી શકાય છે પરંતુ નેતાગીરીએ સરકાર રચવાનો વિકલ્પ પસંદ કર્યો. ધારાસભ્યો એકઠા કરવાનું કામ યેદ્દિના વિરોધી સોમશેખર રેડ્ડીને સોંપાયું. જોકે વિપક્ષી ઘેરાબંધી અને સુપ્રીમ કોર્ટના નિર્ણયે કેન્દ્રીય નેતૃત્વની રણનીતિ પર પાણી ફેરવી નાખ્યું. તુમકુર મઠના ધર્મગુરુ શિવકુમાર સ્વામી પણ લિંગાયત ધારાસભ્યો સાથે સંપર્ક કરી શક્યા ન હતા.

